નો એડમિશન ઝોનની તૈયારી:GTU સંલગ્ન 270 કોલેજ સામે લટકતી તલવાર, ઈન્સ્પેક્શનમાં વિવિધ અછત જણાતાં નોટિસ

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) સંલગ્ન 270 કોલેજ સામે નો એડમિશન ઝોનની તલવાર લટકી રહી છે. GTU દ્વારા 427 કોલેજોનું ઇન્સ્પેક્શન હાથ ધરાયું હતું, જેમાંથી 270 કોલેજોમાં જુદાજુદા પ્રકારની અછત જણાતા, ખોટ તાત્કાલિક પૂરી કરવા નોટિસ ફટકારવામાં આવી છે. કોલેજોમાં પ્રિન્સિપલ, અધ્યાપક, લેબની સુવિધામાં ખામી ધ્યાને આવી છે. જો આ ખામી દૂર કરવામાં ન આવે તો કોલેજોને નો એડમિશન ઝોનમાં મુકવાની તૈયારી GTUએ કરી છે.

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન 427 કોલેજો પાસેથી 'સેલ્ફ ડિસ્ક્લોઝડ' મંગાવવામાં આવ્યું છે. સેલ્ફ ડિસ્કલોઝ્ડનાં માધ્યમથી 270 કોલેજોમાં જુદાજુદા પ્રકારની ખામીઓ સામે આવી છે. GTUની આ 270 એટલે કે 63% કોલેજોમાં ખામીઓ સામે આવી છે. જેમાં GTU હસ્તકની કેટલીક કોલેજમાં પ્રિન્સિપલ નથી, તો કેટલીક કોલેજોમાં અધ્યાપકની ઘટ છે, તેમજ અનેક કોલેજોની લેબમાં પણ ખામી હોવાનું સામે આવ્યું છે. જે મામલે GTUની ડીન કમિટી દ્વારા કોલેજોને ખામીઓ દૂર કરવા માટે તાકીદ કરાઈ છે.

ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીના કુલપતિ નવીન શેઠે કહ્યું કે, જે પણ કોલેજમાં આવી ખામીઓ સતત હશે, તો આવી કોલેજોને 'નો એડમિશન ઝોન'માં મુકવામાં આવશે. જો સામાન્ય ખામી હશે, જે વિભાગમાં અધ્યાપકો ઓછા હશે, તો એ વિભાગની 25%થી 50% બેઠકો ઘટાડવામાં આવશે. એટલું જ નહીં, કોલેજો આ ખામીઓ નહીં સુધારે તો 5 લાખ રૂપિયા સુધીનો દંડ પણ કોલેજોને ફટકારવામાં આવશે.

મહત્વનું છે કે, પાછલા કેટલાક વર્ષોમાં બિલાડીના ટોપની જેમ એન્જિનિયરિંગ કોલેજો ફૂટી નીકળી છે. જોકે આ કોલજોમાં ક્વોલિટી એજ્યુકેશન જળવાતું નથી. કોલેજોમાં કોઈને કોઈ ખામી સામે આવી રહી છે. પરંતુ એજ્યુકેશન બાબતે કોલેજોમાં ચાલતી આ લાલીયાવાડી હવે GTU ચલાવી લેવા માંગતી નથી. રાજ્યની એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રિન્સિપાલથી લઇને અધ્યાપક, સ્ટાફ, લેબોરેટરી અને સુવિધાઓનો અભાવ છે ત્યારે નવી એજ્યુકેશન પોલિસીને ધ્યાનમાં રાખીને શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે જીટીયુએ તમામ કોલેજોને તાકીદ કરી છે. અને ઝડપથી ખામીઓ દૂર કરવા આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...