હુમલો:ચાંદલોડિયાના રણછોડરાયનગર-3માં સામાન્ય અકસ્માતમાં અસામાજિક તત્ત્વોનો તલવારથી હુમલો, 3ને ઇજા

અમદાવાદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પથ્થરમારો કરી સોસાયટીમાં પાર્ક 6 વાહનમાં તોડફોડ કરી

ચાંદલોડિયાના રણછોડરાય નગરમાં ફરી એકવાર અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. બાઈક અને સાઇકલ અથડાવા જેવા સામાન્ય ઝઘડામાં ટોળકીએ સોસાયટીના સભ્યો પર પથ્થરમારો કર્યો, જેમાં 3 સભ્યો ઈજાગ્રસ્ત થયા હતા. આ લુખ્ખા તત્વોએ તવલાર, લોખંડની પાઈપ અને છરી વડે સોસાયટીમાં પાર્ક કરેલા 6 વાહનોની તોડફોડ પણ કરી હતી.

ચાંદલોડિયાના રણછોડરાયનગરમાં ફરી એકવાર અસામાજિક તત્ત્વોએ આતંક મચાવ્યો હતો. સામાન્ય ઝઘડામાં ટોળકીએ સોસાયટીના સભ્યો પર પથ્થરમારો કરી 3 લોકોને ઈજા પહોંચાડી હતી.આ સાથે પાર્ક કરેલા 6 વાહનોની તોડફોડ પણ કરી હતી.

રણછોડરાય નગર-3માં આવેલી એક દુકાન પાસે મંગળવારે રાતે અનિલ ગણપત યાદવ અને વિક્કી બાઈક લઈને નીકળ્યા ત્યારે સોસાયટીના એક સભ્યની સાઇકલ સાથે તેમનું બાઈક અથડાતાં સોસાયટીના સભ્યોએ તેને જોઈને બાઈક ચલાવવાનું કહ્યું હતું. થોડીવાર પછી અનિલ, વિક્કી, સંતોષ કોરી, સની તંદુરી, જે.ડી. અને રાહુલ કોલીએ ત્યાં આવી હાથમાં ચપ્પા રાખીને સોસાયટીના સભ્યોને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાદ પથ્થરમારો કર્યો હતો, જેમાં અરવિંદ મૌર્ય, શશીકાંત યાદવ અને અતુલ ચૌહાણ ઈજાગ્રસ્ત થતા હતા.

કાર સળગાવી દેવાની ધમકી પણ આપી
હુમલો કર્યા બાદ ભાગી ગયેલા અસામાજિક તત્ત્વોમાંથી અનિલે અતુલ ચૌહાણને ફોન કરી ધમકી આપી હતી કે, મારું બાઈક તૂટી ગયું છે તેના પૈસા જોઈએ, નહીં તો તમારી ગાડી સળગાવી દઈશ. આથી સોસાયટીના સભ્યોની ફરિયાદમાં મારામારી, હુમલો, ધમકી, ગેરકાયદે મંડળી બનાવવી સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ફરિયાદ નોંધવવા ગયા ત્યારે તોડફોડ કરી
અરવિંદભાઈ, શશિકાંત અને અતુલભાઈ હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ ટોળકી વિરુધ્ધ ફરિયાદ નોંધાવવા સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવતા હતા ત્યારે જ અરવિંદભાઈના દીકરા અનિલ, વીકી, રાહુલ અને બીજા માણસોએ બાઈકો સાથે સોસાયટીમાં આવી તલવાર, ચપ્પા, લોખંડની પાઈપો વડે તાડફોડ અને પથ્થરમારો કરીને 6 વાહનોની તોડફોડ કરી હતી.

અન્ય એક ઘટનામાં સામસામી ફરિયાદ થઈ
ગોતામાં રહેતા હરેશ ડાભી(35) મંગળવારે સવારે બાઈક લઈને જતા હતા ત્યારે સિલ્વર સ્ટાર ચાર રસ્તા મોબાઈલમાં ગેમ રમતા યુવકને તેમનું બાઈક અડી જતા યુવકે ઝઘડો કરી બાઈકની ચાવી કાઢી લીધી હતી. આ માથાકૂટમાં 3 યુવકે બાઈકચાલક પર હુમલો કર્યો હતો, જેથી હરેશે કરમણ રબારી સહિત 3 યુવાન સામે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સામે પક્ષે કરમણે પણ હરેશ અને તેના ભાઈ હેમાંગ ડાભી સામે માર માર્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...