અખાત્રિજની ઉજવણી:સ્વામિનારાયણ મંદિર મણિનગર તથા કડીમાં અક્ષય તૃતીયા પર્વે સ્વામિનારાયણ ભગવાનને ચંદનનો કલાત્મક શણગાર કરાયો

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હરિકૃષ્ણ મહારાજને નીલકંઠવર્ણી વેશે ચંદનના વાઘાના શણગાર સજાવવામાં આવ્યા હતા

સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ” અંતર્ગત મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજની અનુજ્ઞાથી સ્વામિનારાયણ મંદિર,મણિનગરના મહંત ભગવત્પ્રિયદાસજી સ્વામી,મહામુનીશ્વરદાસજી સ્વામી, મુનીભૂષણદાસજી સ્વામીએ વગેરે સંતોએ સ્વામિનારાયણ ભગવાનને અખાત્રીજના પવિત્ર દિવસે તથા પૂજનીય સંતો દ્વારા ચંદનનાં કલાત્મક વાઘાનો શણગાર ધરાવવામાં આવ્યો હતો.

પરશુરામનો જન્મ અક્ષય તૃતીયાના દિવસે થયો હતો
શાસ્ત્રોમાં અક્ષય તૃતીયાને શુભ કાર્યો માટે અબુજા મુહૂર્તા તરીકે જોવામાં આવે છે. પરશુરામનો જન્મ અક્ષય તૃતીયાના દિવસે થયો હતો. મહર્ષિ વેદ વ્યાસે અક્ષય તૃતીયાના દિવસથી જ મહાભારત લખવાનું શરૂ કર્યું હતું. આ સાથે સતયુગ, દ્વાપર અને ત્રેતાયુગની શરૂઆત અક્ષય તૃતીયા સાથે કરવામાં આવી છે.સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરાગત અનુસાર ગ્રીષ્મ ઋતુ - વૈશાખ માસની ગરમીમાં ભગવાનને ઠંડક મળે તેવા હેતુથી સ્વામિનારાયણ ભગવાન -ઘનશ્યામ મહાપ્રભુ, હરિકૃષ્ણ મહારાજને નીલકંઠવર્ણી વેશે ચંદનના વાઘાના શણગાર સજાવવામાં આવ્યા હતા.

સત્સંગી હરીભકતોને દર્શન કરાવવામાં આવ્યાં
વૈશાખ સુદ ત્રીજ - અક્ષય તૃતીયાના પવિત્રતમ દિને ચંદનના કલાત્મક શણગારમાં અભયદાન અર્પતા સ્વામિનારાયણ ભગવાન ઘનશ્યામ મહાપ્રભુજીની સદ્ગુરુ સંતોએ આરતી ઉતારી હતી. પૂજનીય સંતોએ દર્શન, સ્તુતિ-પ્રાર્થના તથા કીર્તન સ્તવન કર્યું હતું. આજના પવિત્ર દિવસે પ્રાર્થના કરીએ કે સારા વિશ્વમાં શાંતિ વર્તે. સ્વામિનારાયણ મંદિર, મણિનગરથી લાઈવ દર્શન અને યુટયુબ ચેનલના માધ્યમથી દેશ-વિદેશમાં વસતા તમામ સત્સંગી હરીભકતોને દર્શન કરાવવામાં આવ્યાં હતાં.

કોઈપણ શુભ કાર્ય નિશ્ચિતરૂપે સફળ થાય છે
અખાત્રીજનો દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના સાતમા મહિનાનો ત્રીજો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના બીજા મહિનાનો ત્રીજો દિવસ છે. આ દિવસે લોકો જે કાંઈ કામ શરૂ કરશે કે શુભકાર્ય કરશે તે કોઈ દિવસ ખૂટશે નહીં કે ખરાબ નહીં થાય. તેમજ આ દિવસ શુભકાર્ય માટે ઉત્તમ ગણાય છે. આ દિવસે કોઈપણ કાર્ય માટે મુહૂર્ત જોવું નથી પડતું. આજે અક્ષય તૃતીયા છે. શાસ્ત્રો અનુસાર અક્ષય તૃતીયાએ બધા પાપોનો નાશ કરવા અને તમામ સુખ પ્રદાન કરવા માટે શુભ તિથિ છે. આ દિવસે કરવામાં આવેલ કોઈપણ શુભ કાર્ય નિશ્ચિતરૂપે સફળ થાય છે.