તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહીદોને શ્રદ્ધાંજલિ:છત્તીસગઢમાં નક્સલી હુમલામાં શહીદ 24 જવાનોને મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ અપાઈ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
શહીદો માટે સંતોની આંખો ભીની થઈ - Divya Bhaskar
શહીદો માટે સંતોની આંખો ભીની થઈ
  • નક્સલોએ 700થી વધુ જવાનોને ઘેરીને તેમના પર હુમલો કરતા 24 જવાનો શહીદ થયા હતા
  • જવાનોને મણિનગર ગાદી સંસ્થાનના આચાર્ય મહારાજ, સંતો તથા હરિભક્તોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર તથા સૂકમામાં શનિવારે નક્સલીઓએ 700 કરતા પણ વધારે જવાનોને ઘેરીને તેમના પર હુમલો કરી દીધો હતો. બીજાપુરના એસપીએ જણાવ્યું કે, નક્સલીઓ સાથે થયેલી આ અથડામણમાં 24 જવાન શહીદ થયા છે અને અનેક જવાન લાપતા છે. આ હુમલામાં શહીદ જવાનો માટે મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા અશ્રુભીનિ આંખે મીણબત્તી પ્રગટાવી શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી.

શહીદોને શ્રદ્ધાંજલિ આપી રહેલા સંતો
શહીદોને શ્રદ્ધાંજલિ આપી રહેલા સંતો

નક્સલ હુમલામાં 24 જવાનો શહીદ
ગત કેટલાંક વર્ષોમાં છતીસગઢમાં થયેલો માઓવાદીઓનો આ સૌથી મોટો હુમલો ગણવામાં આવી રહ્યો છે. છત્તીસગઢના બીજાપુર તથા સૂક્માના જંગલોમાં નક્સલી હુમલામાં શહીદ થયેલા 24 જાંબાઝ જવાનોને મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ, પૂજનીય સંતો તથા ઓનલાઇન દેશ-વિદેશના હરિભક્તોએ અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

સંતો દ્વારા શહીદ જવાનો માટે ધૂન કરાઈ
સંતો દ્વારા શહીદ જવાનો માટે ધૂન કરાઈ

700 જવાનોને ઘેરીને નક્સલોએ હુમલો કર્યો
સુરક્ષા દળોને જોનાગુડાની પહાડીઓ પર નક્સલીઓએ ડેરો જમાવ્યો હોવાની સૂચના મળી હતી. ત્યાર બાદ શુક્રવારે રાતે બીજાપુર અને સુક્મા જિલ્લાના કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળની કોબરા બટાલિયન, ડીઆરજી અને એસટીએફના સંયુક્ત દળના નક્સલ વિરોધી અભિયાન અંતર્ગત 2,000 જવાનોને રવાના કરવામાં આવ્યા હતા. પરંતુ શનિવારે નક્સલીઓએ તર્રેમ વિસ્તારની જોનાગુડા પહાડી પાસે 700 જવાનોને ઘેરીને તેમના પર હુમલો કરી દીધો હતો.

અથડામણમાં 15 નક્સલો ઠાર મરાયા
નક્સલીઓએ જવાનોને 3 દિશાથી ઘેરીને તેમના પર ફાયરિંગ કરવા લાગ્યા હતા. આશરે 3 કલાક ચાલેલી અથડામણમાં 15 નક્સલી ઠાર મરાયા હતા. આ હુમલામાં 24 જવાન શહીદ થયા છે અને 31 કરતા પણ વધારે ઘાયલ જવાનોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જાણવા મળ્યું કે, એક કિલોમિટરના વિસ્તારમાં કેટલીય જગ્યાએ જવાનોના મૃતદેહો પડ્યા હતા. જેનો કબજો ઘટનાસ્થળે પહોંચેલી એટીએફની ટીમે મેળવ્યો છે.