સ્વચ્છતા સર્વે 2020:ભારતના ટોચના 10 સ્વચ્છ શહેરોમાંથી સૌથી વધુ ચાર ગુજરાતના, સુરત બીજા અને અમદાવાદ પાંચમા ક્રમે

અમદાવાદ2 વર્ષ પહેલા
  • ટોપ 10 સ્વચ્છ શહેરમાં આંધ્રપ્રદેશના બે વિશાખાપટ્ટનમ અને વિજયવાડા
  • મહારાષ્ટ્રનું નવી મુંબઈ, મધ્યપ્રદેશના બે ઈન્દોર-ભોપાલ જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢ સૌથી સ્વચ્છ શહેર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઓનલાઈન કાર્યક્રમમાં દેશના સૌથી સ્વચ્છ શહેરોના નામ જાહેર કર્યા છે. સ્વચ્છતા સર્વેક્ષણ-2020 લીગના ત્રણેય ક્વાર્ટરમાં ઈન્દોર પહેલા નંબર પર આવ્યું છે. આ પહેલા જાન્યુઆરીમાં પહેલા ક્વાર્ટરની અને આજે બીજા અને ત્રીજા ક્વાર્ટરના પરિણામોની જાહેરાત કરી છે. આમ ત્રણ ક્વાર્ટરના પરિણામ જાહેર થયા છે. જેમાં સમગ્ર દેશમાં સુરત બીજા સ્થાને જ્યારે અમદાવાદ 5મા, રાજકોટ છઠ્ઠા અને વડોદરા 10મા ક્રમે રહ્યું છે. જ્યારે વર્ષ 2019માં અમદાવાદ 6ઠ્ઠા ક્રમે અમદાવાદ, રાજકોટ 9માં નંબર પર, સુરત 14મા નંબરે અને વડોદરા 79મા ક્રમે રહ્યું હતું. આમ અમદાવાદ એક રેન્કની, સુરતે 12 રેન્કની, રાજકોટે 3 રેન્કની જ્યારે વડોદરા 69 રેન્કની સૌથી મોટી છલાંગ લગાવી ટોપ 10માં પહોંચી ગયું છે.

સૌથી વધુ શહેર ગુજરાતના
ગુજરાતના ચાર શહેર સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા, આંધ્રપ્રદેશના બે વિશાખાપટ્ટનમ અને વિજયવાડા, મહારાષ્ટ્રનું નવી મુંબઈ, મધ્યપ્રદેશના બે ઈન્દોર અને ભોપાલ તેમજ ચંદીગઢનો સમાવેશ થાય છે. આમ દેશના ટોપ 10 સ્વચ્છ શહેરમાં એક માત્ર ગુજરાતના જ 4 શહેર સામેલ થયા છે.

10 લાખથી ઓછી વસ્તીમાં ગાંધીનગર 8મા ક્રમે
સ્વચ્છતા સર્વેક્ષણ-2020ની જાહેર થયેલી યાદી મુજબ 1થી 10 લાખની વસ્તી ધરાવતા ટોચના 10 શહેરોમાં ગુજરાતનું પાટનગર ગાંધીનગર 5056.72 સ્કોર સાથે 8માં ક્રમે છે. વર્ષ 2019માં તે 3757 સ્કોર સાથે 22માં સ્થાને રહ્યું હતું. આ કેટેગરીમાં જામનગર 27માં ક્રમે છે જે ગત વર્ષે 80માં ક્રમ પર રહ્યું હતું.

મુખ્યમંત્રીએ ચારેય શહેરને અભિનંદન પાઠવ્યા
આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, ભારત સરકારના સ્વચ્છ શહેરી સર્વેક્ષણ 2020ના જાહેર થયેલા પરિણામમાં ગુજરાતને ગૌરવ પ્રાપ્ત થયું છે. દેશના પ્રથમ 10 મહાનગરોમાં ગુજરાતના 4 મહાનગરને સ્થાન મળ્યું તે માટે તેમણે અભિનંદન પાઠવ્યા છે. કોરોનાના કપરા કાળમાં પણ રાજ્યના ચાર શહેરો સુરત,અમદાવાદ, રાજકોટ અને વડોદરાએ આ સ્વચ્છતા સર્વેક્ષણમાં અનુક્રમે દ્વિતીય, પાંચમું, છઠ્ઠું અને દસમું સ્થાન મેળવ્યું છે તેને મુખ્યમંત્રીએ બિરદાવ્યા હતા.

ગુજરાતના બંને સપૂતોની અપીલને ગુજરાતની જનતાએ સ્વીકારીઃ મુખ્યમંત્રી રૂપાણી
મુખ્યમંત્રીએ ગુજરાતની જનતા, મેયરો, પદાધિકારીઓ, અધિકારીઓ અને કમિશનરોને અભિનંદન પાઠવતા કહ્યું કે, પૂજ્ય મહાત્મા ગાંધીજી સ્વચ્છતાના હમેશા આગ્રહી હતા. લોકલાડીલા અને ગુજરાતી એવા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીબાપુના એ આ અભિયાનને સ્વછાગ્રહના જન આંદોલનથી આગળ વધાર્યું છે. ગુજરાતના બંને સપૂતોની અપીલને ગુજરાતની જનતાએ સ્વીકારી છે.

ગુજરાતના શહેરો વૈશ્વિક કક્ષાના બને તે દીશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છેઃCM
મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યના નગરો ક્લિન અને ગ્રીન સિટી બને તે આવશ્યક છે. ગુજરાતના શહેરો વૈશ્વિક કક્ષાના બને તે દીશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે ત્યારે આ સર્વેક્ષણ સૌનો ઉત્સાહ વધારનારા બનશે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ ગુજરાત સરકારની સ્વચ્છતા સંદર્ભે કામગીરીનો ઉલ્લેખ કર્યો તે માટે આભાર વ્યક્ત કર્યો હતો.
સુરતને પ્રથમ ત્રિ-માસિક સર્વેમાં ત્રીજો, બીજામાં 20મો ક્રમ મળ્યો હતો
સ્વચ્છતા સર્વેક્ષણ 2020 અંતર્ગત જાન્યુઆરી મહિનામાં પ્રથમ અને બીજા ત્રિ-માસિક સરવેના આંકડા જાહેર કર્યા હતા. જેમાં સુરતને પ્રથમ ત્રિ-માસિક સર્વેમાં ત્રીજો અને બીજા ત્રિ-માસિક સર્વેમાં 20મો ક્રમ મળ્યો હતો.

રાજકોટના મ્યુનિ.કમિ અને મેયરે સફાઈ કર્મીઓનો આભાર માન્યો
સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજકોટ દેશમાં છઠ્ઠા ક્રમે આવ્યું છે. આગાઉ રાજકોટ 9માં નંબરે હતું. પરંતુ આ વખતે છઠ્ઠા ક્રમાંકે આવ્યું છે. આ અંગે રાજકોટ મનપાના કમિશનર ઉદિત અગ્રવાલ અને મેયર બીનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, રાજકોટવાસીઓ અને સફાઈકર્મીઓનો અમે આભાર માનીએ છીએ. આગામી સમયમાં ટોપ 3માં સ્થાન મળે તે પ્રકારની કામગીરી કરવામાં આવશે.

2016 થી શરૂ કરાયેલા સ્વચ્છતા સર્વેક્ષણની 2019 સુધીના ચાર વર્ષની સ્થિતિ

  • 2016 - 73 સિટી, ફર્સ્ટ રેન્ક મૈસુર, બીજુ ચંદીગઢ, ત્રીજુ તીરૂચિરાપલ્લી અને સુરત છઠ્ઠા ક્રમે આવ્યું હતું. 7માં ક્રમે રાજકોટ, 13માં ક્રમે વડોદરા, 14માં ક્રમે અમદાવાદ.
  • 2017 -434 સિટી, પહેલા નંબરે ઈન્દોર, બીજુ ભોપાલ, ત્રીજુ વિશાખાપટ્ટનમ અને ચોથા ક્રમે સુરત આવ્યું હતું, 10માં ક્રમે વડોદરા, 14માં ક્રમે અમદાવાદ, 18માં ક્રમે રાજકોટ.
  • 2018 - 4203 સિટી વચ્ચે, તેમાં (1 લાખથી વધુ વસ્તીવાળી કેટેગરીમાં 100 સિટી વચ્ચે) પહેલું ઈન્દોર, બીજુ ભોપાલ, ત્રીજુ ચંદિગઢ, 12 અમદાવાદ, 14 સુરત, 35 રાજકોટ, 44 વડોદરા
  • 2019 - 4203 સિટી વચ્ચે, તેમાં (1 લાખથી વધુ વસ્તીવાળી કેટેગરીમાં 100 સિટી વચ્ચે) પહેલું ઈન્દોર, બીજુ અંબિકાપુર, ત્રીજુ મૈસુર, 6ઠ્ઠા ક્રમે અમદાવાદ, 9માં રાજકોટ, 14માં ક્રમે સુરત અને વડોદરા 79 ક્રમે રહ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...