વિન્ડમેનની વિદાય:સુઝલોનના તુલસી તંતીનું હાર્ટ એટેકથી મોત, વિન્ડ ફાર્મમાં દેશ-દુનિયામાં ડંકો વગાડ્યો

2 મહિનો પહેલા

રાજકોટના પનોતા પુત્ર અને ઉદ્યોગ સાહસિક એવા 64 વર્ષીય તુલસી તંતીનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. રાજકોટની પી.ડી માલવિયા કોલેજમાં તુલસી તંતીએ અભ્યાસ કર્યો હતો. વિન્ડ ફાર્મ ક્ષેત્રે તેમણે સમગ્ર દેશ અને વિદેશમાં ડંકો વગાડ્યો હતો. તેમણે રાજકોટથી પોતાના ધંધાની શરૂઆત કરી હતી અને અમદાવાદને પોતાનો બેઝ બનાવ્યો હતો.

સુઝલોન એનર્જીના સ્થાપક, ભારતના 'વિન્ડ મેન' તરીકે જાણીતા તુલસી તંતીનું શનિવારે કાર્ડિયાક અરેસ્ટને કારણે 64 વર્ષની વયે નિધન થયું હતું. 1958માં ગુજરાતના રાજકોટમાં જન્મેલા તંતી સુઝલોન એનર્જીના પ્રમોટરોમાંના એક હતા, જેની સ્થાપના તેમણે 1995માં કરી હતી.

દેશમાં પહેલીવાર પવનચક્કી લાવ્યા
દેશમાં સૌથી પ્રથમ પવન ઊર્જા માટે ચક્કી લાવીને શરૂ કરનાર સુઝલોન એનર્જી લિમિટેડના ચેરમેન તુલસી તંતીનું શનિવારે સાંજે અવસાન થયું છે. 27 વર્ષ પહેલાં પોતાના ટેકસ્ટાઈલ પ્રોજેક્ટમાં વીજળીનો ખર્ચ સ્થિર થઈ જાય તેના માટે તેમણે પવનચક્કી શરૂ કરી હતી. તેમણે સ્થાપેલી સુઝલોન એનર્જી દેશની સૌથી મોટી વિન્ડ એનર્જી કંપની છે. 27 વર્ષમાં સુઝલોને દેશ અને વિશ્વના 17 દેશોમાં 19 ગીગાવોટ ક્ષમતાના વિન્ડ ફાર્મ ઊભા કર્યા છે.

ઊર્જાની જરૂરિયાતો પૂરી કરવા સુઝલોન એનર્જીની સ્થાપના કરી
1995માં કપડાનો વ્યવસાય કરનારા તંતીને વીજળીની અછતને કારણે ઉત્પાદનમાં ઘટાડાનો સામનો કરવો પડતો હતો. ત્યાર પછી તેમણે કપડા કંપનીઓની ઊર્જાની જરૂરિયાતોને પૂરી કરવા ઊર્જા ઉત્પાદનમાં પગ મૂક્યો અને સુઝલોનની સ્થાપની કરી. 2001માં કપડાનો બિઝનેસ વેચી નાખ્યો. 2003માં, સુઝલોનને દક્ષિણપશ્ચિમ મિનેસોટામાં 24 ટર્બાઇન સપ્લાય કરવા માટે ડેનમાર એન્ડ એસોસિએટ્સ તરફથી યુએસએમાં તેનો પ્રથમ ઓર્ડર મળ્યો હતો.

તેમના પરિવારમાં પુત્રી નિધિ અને પુત્ર પ્રણવ છે. તંતીએ 1995માં સુઝલોન એનર્જીની સ્થાપના સાથે ભારતમાં પવન ઊર્જા ક્ષેત્રની પહેલ કરી હતી. વૈશ્વિક પડકારો વચ્ચે પણ તેમણે ભારતીય રિન્યુએબલ એનર્જીમાં વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં સુઝલોન એનર્જીની માર્કેટ કેપ રૂ. 8,535.90 કરોડ છે.

શેરનો ભાવ
ગયા શુક્રવારે સુઝલોન એનર્જીના સ્ટોકમાં લગભગ 3% તેજી આવી હતી. શેરની કિંમત 8.72 રૂપિયા છે. 6 સપ્ટેમ્બરે શેરનો ભાવ 24.95 રૂપિયા હતો, જે 52 અઠવાડિયાની ઊંચી સપાટીએ છે.

અમદાવાદમાં જ શનિવારે રોડ શો કર્યો હતો
1 ઓક્ટોબરે જ તુલસી તંતી અમદાવાદ આવ્યા હતા અને અહીં તેમણે કંપનીના રૂ. 1,200 કરોડના રાઇટ્સ ઇસ્યુ માટે રોડ શો કર્યો હતો. ત્યારબાદ પત્રકારો સાથે વાતચીત કરી હતી. તેઓ કેન્દ્ર સરકારના રિન્યુએબલ એનર્જી ટાસ્ક ફોર્સના તેઓ અધ્યક્ષ હતા અને સરકારને આ દિશામાં કામગીરી કરવા માટે સતત માર્ગદર્શન આપતા હતા. મૂળ રાજકોટિયન એવા તુલસી તંતીએ બિઝનેસ માટે અમદાવાદ પસંદ કર્યું હતું અને છેલ્લે 2004માં પુના સ્થાયી થયા હતા. પરિવારજનોમાં તેમનો પુત્ર અને પુત્રી અમેરિકામાં સ્થાયી થયાં છે.

કંપની દ્વારા NSE અને BSEને માહિતી અપાઈ
સુઝલોન દ્વારા એનએસઈ અને બીએસઈને પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે કે, અમને જણાવતાં ખેદ થાય છે કે અમારા સંસ્થાપક અને ચેરમેન-મેનેજિંગ ડાયરેક્ટર અને અમારા પ્રમોટર પૈકીના એક એવા તુલસી તંતીનું અકાળે નિધન થયું છે. 1 ઓક્ટોબરે તેમને કાર્ડિયાક એટેક આવ્યો અને તે જ દિવસે તેમનું નિધન થયું. આ મુશ્કેલ સમયમાં કંપનીને તેના ઉચ્ચ અનુભવી બોર્ડ ઓફ ડિરેક્ટર અને સિનિયર મેનેજમેન્ટનું સમર્થન મળશે. કંપની માટે તંતીના વિઝનને સાકાર કરવા તથા વારસો જાળવવા તેઓ સક્ષમ અને પ્રતિબદ્ધ છે. તેથી તમને અર્જન્ટ નોટિસ અને માહિતી તથા તમારા મેમ્બર અને જાહેર લોકોને મોટા પાયે માહિતી આપીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...