અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં આવેલી વિવિધ મીઠાઈ, ફરસાણ સહિતની દુકાનોમાં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેમાં છેલ્લા એક અઠવાડિયામાં 49 જેટલી વિવિધ દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં દૂધ, દૂધની બનાવટ, મસાલા, મીઠાઈ, ખાદ્યતેલ વગેરેના નમુના લઇ અને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે ચાંદખેડાના IOC રોડ ઉપર આવેલી વિનાયક સ્વીટસ નામની દુકાનમાંથી મીઠાઈના અને ગાંધી રોડ પર આવેલી મારુતિ ટ્રેડર્સ નામની દુકાનમાંથી લેવામાં આવેલા નમુના અખાદ્ય જાહેર થયા છે.
AMCના વિભાગના ખાદ્ય ચીજોના સેમ્પલ લીધા
અનેક દુકાનોમાં વેપારીઓ શહેરીજનોને ભેળસેળવાળી મિઠાઈ, ફરસાણ સહિતની વસ્તુઓ આપતા હોય છે જેના પગલે AMCના વિભાગના ખાદ્ય ચીજોના સેમ્પલ લેવામાં આવે છે. 5 નવેમ્બરથી 11 નવેમ્બર સુધીમાં શહેરની વિવિધ દૂધ અને દૂધની બનાવટની 13, મસાલા 16, મીઠાઈ 3, અન્ય 7 ખાદ્યતેલ 3 એમ કુલ 49 જગ્યાએથી નમુના લેવામાં આવ્યા હતા. આ નમૂનાને મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.
ચાંદખેડાની વિનાયક સ્વીટ્સના નમુના અપ્રમાણિત
ગત ઓક્ટોબર માસમાં જે ફૂડ વિભાગ દ્વારા નમૂના લેવામાં આવ્યા હતા તેમાં ચાંદખેડાના આયોસી રોડ પર સ્નેહ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં આવેલી વિનાયક સ્વીટ્સ નામની દુકાનમાંથી જે મીઠાઈના નમુના લેવામાં આવ્યા હતા તે અપ્રમાણિત આવ્યા હતા. જ્યારે ગાંધી રોડ પર મારુતિ ટ્રેડર્સ નામની દુકાનમાંથી પણ જે નમૂના લેવામાં આવ્યા હતા તે આ પ્રમાણિત હતાં.
45 નમૂનાના પરિણામ હજુ પેન્ડિંગ
ઓક્ટોમ્બર મહિનામાં 264 નમૂના લેવાયા હતા. પૈકી 7 નમૂના અપ્રમાણિત અને 212 નમૂના પ્રમાણિત જાહેર થયા છે. જ્યારે 45 નમૂનાના પરિણામ હજુ પેન્ડિંગ છે. 5 નવેમ્બરથી 11 નવેમ્બર સુધીમાં 69 જેટલી વિવિધ દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 32 કિલોગ્રામ અને 21 લિટર જેટલા બિનઆરોગ્યપ્રદ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે 28,000 જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. 310 જેટલા નવા રજીસ્ટ્રેશન અને લાયસન્સ ઇશ્યુ કરવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.