ખંભાત હિંસા કેસ:અફઘાનિસ્તાન કનેક્શનની આશંકા, પાકિસ્તાનના કેટલાક સોશિયલ મીડિયા હેન્ડલ સક્રિય હતા, રેન્જ આઇજીએ કહ્યું, આ દિશામાં તપાસ ચાલુ

અમદાવાદએક મહિનો પહેલા
  • રામનવમીની શોભાયાત્રા પર અજાણ્યા શખસોએ પથ્થરમારો કર્યો હતો
  • પોલીસ જવાનો સહિત 15થી વધુને ઈજા અને એકનું મોત થયું હતું

આણંદ જિલ્લાના સંવેદનશીલ તાલુકા ખંભાતમાં રવિવારે(10 એપ્રિલ) બપોરે રામનવમી નિમિત્તે યોજાયેલી શોભાયાત્રા પર અજાણ્યા શખસોએ પથ્થરમારો કર્યો હતો. બંને ટોળાંમાંથી સામસામો પથ્થરમારો થતાં અને કેટલાંક તોફાની તત્ત્વોએ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં બે દુકાન અને બે ચપ્પલની લારી, એક મકાનમાં આગચંપી, તોડફોડ કરતાં સમગ્ર શહેરમાં તંગદિલી વ્યાપી ગઈ હતી. બનાવને પગલે જિલ્લા પોલીસવડા સહિતનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને ટોળાંને કાબૂમાં લેવા પાંચ ટિયરગેસના શેલ છોડ્યા હતા. સમગ્ર બનાવમાં પોલીસ જવાનો સહિત પંદરથી વધુ લોકોને ઈજા પહોંચી હતી, જ્યારે એકનું મોત નીપજ્યું હતું. આ હિંસામાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન કનેક્શનની પણ તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસ પણ આ દિશામાં તપાસ કરી રહી છેઃ રેન્જ આઇજી
ખંભાતમાં હિંસા સમયે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના કેટલાક સોશિયલ મીડિયા હેન્ડલ સક્રિય હતા, જેના સ્ક્રીનશોટ પણ વાઇરલ થયા છે. જેથી પોલીસ પણ આ દિશામાં તપાસ કરી રહી છે. આ અંગે અમદાવાદ રેન્જ આઈ.જી વી.ચંદ્રશેખરે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ આ બાબતે કંઈ કન્ફર્મ કહી શકાય નહીં, પણ તપાસ કરવામાં આવશે. ત્યાર બાદ જ કંઇ કહી શકાય.

હિંસા મામલે સોશિયલ મીડિયા પર થયેલાં ટ્વીટ.
હિંસા મામલે સોશિયલ મીડિયા પર થયેલાં ટ્વીટ.

3 મૌલવી અને અન્ય બે શખસે આ ષડયંત્ર ઘડ્યું હતું
આ મામલે પોલીસના જણાવ્યા પ્રમાણે, રામનવમીની શોભાયાત્રાની મંજૂરી મળ્યા બાદ જ હિંસા ફેલાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ હિંસામાં 3 મૌલવી અને અન્ય બે શખસે આ ષડયંત્ર ઘડ્યું હતું. આ ષડયંત્રને પાર પાડવા માટે બહારથી લોકોને બોલાવવામાં આવ્યા હતા.

કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રીએ ચિંતા વ્યક્ત કરી
આજે મળેલી કેબિનેટની બેઠકમાં ખંભાત અને હિંમતનગરમાં થયેલી હિંસા અંગે ચર્ચા થઈ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ ખંભાતની સ્થિતિ અંગે ખાસ ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ ખંભાતમાં શાંતિ જળવાય તે માટે અધિકારીઓને સૂચના આપી હતી. તેમજ હિંમતનગરમાં હાલ સ્થિતિ કાબૂમાં હોવાની પણ ચર્ચા થઈ હતી. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બનાસકાંઠાના કાર્યક્રમ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

હિંસા દરમિયાન વાહનોને આગચંપી કરવામાં આવી હતી.
હિંસા દરમિયાન વાહનોને આગચંપી કરવામાં આવી હતી.

કોંગ્રેસે કરી કડક નિંદા
ગુજરાતમાં ચૂંટણી આવે અને શાંતિ સદભાવનાના વાતાવરણને ડહોળવાની બનતી ઘટનાઓમાં ભાજપ રાજકીય લાભ ખાટવાની નીતિ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી શાંતિ-સદભાવનાનું વાતાવરણ ટકી રહે તેવી કાર્યવાહી જરૂરી છે. રામનવમીના દિવસે હિંમતનગરમાં નીકળેલી શોભાયાત્રા પર થયેલા પથ્થરમારો, ધાર્મિક સ્થળો પર હુમલા, કરોડો રૂપિયાના માલ-મિલકતને સળગાવાની વગેરે ઘટનાઓ ગુજરાત માટે ચિંતાજનક છે જેની કોંગ્રેસ પક્ષ કડક શબ્દોમાં નિંદા કરે છે.

મૂળ મુદ્દાથી ધ્યાન ભટકાય એટલે એનકેન પ્રકારે આવા બનાવો સામે આવી છેઃ કોંગ્રેસ ભાજપ સરકાર નિષ્ફળ જાય ત્યારે જનતાનું ધ્યાન ભટકાવવા એનકેન પ્રકારે એવા બનાવો સામે આવે છે, હિંસાના બનાવો બનતા હોય છે જેથી મુળ મુદ્દાથી જનતાનું ધ્યાન ભટકી જાય. પ્રધાનમંત્રી આવવાના હોય છે ત્યારે કોંગ્રેસના કાર્યકરોને પકડી પાડી છો બીજી બાજુ હિંસક બનાવો બનતા પહેલા કેમ કાર્યવાહી થઈ નહિ? સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ થવી જોઈએ, વિસ્તારની દુકાનો – ઓફિસો – રસ્તા પરના CCTV ફુટેજના માધ્યમથી જે લોકો સંડોવાયા છે તેમની ધરપકડ કેમ નથી થઈ ? વિપક્ષના નેતાના ફોન આંતરી શકો છો તો આ વિદેશી ફોન કેમ ટેપ ન થયા? તે ગુજરાત જાણવા માંગે છે.

ભીંસમાં આવે ત્યારે જ અફઘાનિસ્તાન-પાકિસ્તાન કનેક્શન યાદ આવે છે?
ટેકનોલોજીની વાતો કરતી ભાજપ સરકારમાં કાયદો વ્યવસ્થા જાળવવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. મોંઘવારી, વારંવાર પેપરલીક, સતત વધતી બેરોજગારી સહિતના મુદ્દે જયારે ભાજપ સરકાર ભીંસમાં આવે ત્યારે જ અફઘાનિસ્તાન-પાકિસ્તાન કનેક્શન યાદ આવે છે ? ષડયંત્રકારીઓ ધર્મ, જાતિના નામે ભેદભાવ, વૈમનસ્ય ફેલાવી ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે ગાંધી – સરદારના ગુજરાત માટે યોગ્ય નથી. મોંઘવારી મુદ્દે ભાજપ સરકારના મંત્રીઓના યુક્રેનના યુદ્ધના કારણે મોંઘવારી વધી રહી છે તેવા હાસ્યાસ્પદ નિવેદન આપે છે. ત્યારે ગુજરાત જાણવા માંગે છે કે, દૂધ, શાકભાજી, પેટ્રોલ શું યુક્રેનથી આવે ? ભાજપની અણઆવડતના કારણે ભાવો વધી રહ્યા છે. જેનો ભોગ ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગ સતત બની રહ્યો છે.

શું છે મામલો
ખંભાત શહેરના શક્કરપુર વિસ્તાર સ્થિત રામજી મંદિર ખાતેથી રામનવમી નિમિત્તે રવિવારે બપોરે ચાર વાગ્યે પગપાળા ડીજે સાથે શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં ત્રણ હજારથી વધુ ભક્તજનો જોડાયાં હતાં. શોભાયાત્રા એ પછી ત્રણ દરવાજા, ચિતારી બજાર, પીઠ બજાર, મંડાઈ ચોકી વિસ્તારમાંથી પસાર થવાની હતી. જોકે શક્કરપુર વિસ્તારથી નીકળીને યાત્રા થોડે જ દૂર પહોંચી, એ સાથે જ બાવળનાં ખેતરો અને અવાવરૂ જગ્યાએથી અચાનક કેટલાંક તોફાની ટોળાંએ શોભાયાત્રા પર પથ્થરમારો શરૂ કર્યો હતો. એને પગલે શોભાયાત્રામાં જોડાયેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. જોતજોતાંમાં બંને ટોળાંએ સામ-સામે પથ્થરમારો શરૂ કર્યો હતો. એક તરફ કેટલાંક તોફાની ટોળાં શહેરના ચગડોળ ગ્રાઉન્ડ અને સરદાર ટાવર પાસે આવી પહોંચ્યાં હતાં અને તેમણે તોડફોડ અને આગચંપી કરી હતી. વિસ્તારમાં બે ચપ્પલની લારીઓ અને બે દુકાનમાં આગચંપી કરી તોડફોડ કરી હતી. એ જ રીતે રાજપૂત વાડાના નાકે આવેલા એક ઘરને પણ સળગાવ્યું હતું.

પોલીસે રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કર્યું
સમગ્ર બનાવની જાણ થતાં જ આણંદ જિલ્લા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને સ્થિતિને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો. જોકે સ્થિતિ તંગ રહેતાં અને ટોળાં કાબૂમાં ન આવતાં પોલીસે પાંચ ટિયરગેસના શેલ છોડ્યા હતા. સમગ્ર બનાવમાં સામ-સામે પથ્થરમારો થતાં પાંચથી વધુ પોલીસ જવાનો સહિત પંદરથી વધુ લોકોને નાની-મોટી ઈજા પહોંચી હતી. એમાં ખંભાતના કનૈયાલાલ રાણા નામના એક આધેડનું મોત નીપજ્યું હતું. ઉશ્કેરાયેલાં ટોળાંને વિખેરવા માટે પોલીસે રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરીને ધરપકડની કાર્યવાહી હાથ ધરી હતી. એને પગલે આખરે મામલો થાળે પડ્યો હતો.