રાજકીય આરોપ:કોંગ્રેસે લેટર શેર કરી કહ્યું- ભાજપે સમર્થક બૂટલેગરોની યાદી મગાવી, આરોપને રદિયો આપી BJPએ કોંગ્રેસ પર કિન્નાખોરીનો આક્ષેપ કર્યો

એક મહિનો પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે નેતાઓમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપો પણ શરૂ થઈ ગયા છે. ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈ પર હપતાખોરીનો આક્ષેપ કર્યો છે. ત્યારે કોંગ્રેસે પણ એક લેટર દ્વારા ભાજપ પર મોટો આક્ષેપ કર્યો છે. ભાજપે અમદાવાદમાં ચૂંટણી વ્યવસ્થા માટે ઉપયોગી એક લેટરમાં 13મા નંબરના મુદ્દામાં ભાજપ અને બૂટલેગરોની સાઠગાંઠ હોવાનો આક્ષેપ કર્યો છે.

સમર્થક ન હોય તેવા બૂટલેગરોની યાદી માગી હોવાનો દાવો
કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ પત્રકારોને જણાવ્યું હતું કે કોંગ્રેસના હાથે એક લેટર આવ્યો છે, જેમાં ભાજપ અને બૂટલેગરોની સાઠગાંઠ હોવાનું સાબિત થાય છે. આ લેટરના 13 નંબરનો મુદ્દો એ જ બતાવે છે કે ભાજપ અને બૂટલેગરની સાઠગાંઠ છે. લેટરમાં ચૂંટણી વ્યવસ્થામાં જે (આપણા સમર્થક ના હોય તેવા બૂટલેગરોની યાદી બનાવી મોકલો..) બૂટલેગરો આપણી સાથે નથી એ લોકોનાં નામ આપવામાં આવે એવી માગ કરવામાં આવી છે.

ભાજપે કોંગ્રેસ પર લગાવેલા આરોપવાળું ફેક્ટ ચેક.
ભાજપે કોંગ્રેસ પર લગાવેલા આરોપવાળું ફેક્ટ ચેક.

ભાજપે રાજકીય કિન્નાખોરીનો આરોપ લગાવ્યો
કોંગ્રેસે ભાજપ પર બૂટલેગરો સાથે સાઠગાંઠનો આરોપ લગાવતાં ભાજપે એ વાતને રદિયો આપ્યો હતો, સાથે સાથે ફેક્ટ ચેકના દાવો કરીને કોંગ્રેસે કિન્નાખોરી રાખીને ભાજપને બદનામ કરવા ભ્રમ ફેલાવતી હોવાનો આરોપ લગાવ્યો છે, સાથે જ ઓરિજિનલ પત્રના નામે એક તસવીર શેર કરી છે, જેમાં કોંગ્રેસ દ્વારા મુદ્દા નંબર 13ને જે રીતે દર્શાવવામાં આવ્યો છે એને નકારીને ઓરિજિનલ હોવાનો દાવો કરીને લેટરમાં લખ્યું છે કે દરેક સીટ પર ભરાવવા માટે દરેક સમાજના લોકો જોડાય એવું આયોજન કરવું.

કોંગ્રેસે બૂટલેગરવાળી વાત સાથેનો જાહેર કરેલો ભાજપનો કથિત લેટર.
કોંગ્રેસે બૂટલેગરવાળી વાત સાથેનો જાહેર કરેલો ભાજપનો કથિત લેટર.

કોંગ્રેસના ભાજપ પર આકરા પ્રહાર
કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે બૂટલેગરો અને ભાજપ સાથે મળીને જ રાજ્યનો કારોબાર અને વહીવટ ચલાવતા હોય એમ લાગી રહ્યું છે. ભાજપના આગેવાનોને એવી કેવી જરૂર પડી કે લેટર દ્વારા બૂટલેગરોની યાદી મગાવવી પડી. ભાજપને ચૂંટણીમાં બૂટલેગરો કોઈ મદદ કરે છે? એ હવે ભાજપે લોકોને કહેવું જોઈએ અને ભાજપ અને અસામાજિક તત્ત્વોની સાથે છે, એ આ લેટર પર દ્વારા પ્રસ્થાપિત થયું છે. ચૂંટણીમાં બૂટલેગરોનું શાસન ચાલતું હોય તેમ આવા લેટરોના મુદ્દા લોકોમાં ચર્ચાનું કારણ બન્યા છે. ભાજપની ચાલ અને ચરિત્ર આ લેટરના 13 નંબરના મુદ્દા પરથી ફલિત થાય છે.

ભાજપના ચૂંટણીલક્ષી કથિત લેટરને બતાવતાં કોંગ્રેસના પ્રવક્તા દોશી.
ભાજપના ચૂંટણીલક્ષી કથિત લેટરને બતાવતાં કોંગ્રેસના પ્રવક્તા દોશી.

કાર્યકરોએ મહામહેનત કરી એટલે તમે ધારાસભ્ય બન્યા:કોંગ્રેસના પ્રવક્તા
આ મુદ્દે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે IBના રિપોર્ટ પ્રમાણે ભાજપની હાર થશે એટલે તેણે તોડજોડની રાજનીતિ શરૂ કરી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને કોઈ ને કોઈ કારણસર ભાજપ તરફ લઈ જવામાં આવી રહ્યા છે, પરંતુ કોંગ્રેસના નેતાએ એ વાત ભૂલવી ન જોઈએ કે તેમને પક્ષે ટિકિટ આપી હતી અને કાર્યકરોએ મહામહેનત કરી, હતી એટલે તેઓ કોંગ્રેસના ધારાસભ્ય બની શક્યા. પક્ષ છોડતાં પહેલાં એ નેતાઓએ કાર્યકરોની મહેનત અને રાત-દિવસના ઉજાગરાઓને ભૂલવા ન જોઈએ. કોંગ્રેસે જે-તે સમયે આવા નેતાઓને નામ આપ્યું, ટિકિટ આપી અને કપરા સંજોગોમાં પણ કોંગ્રેસ પક્ષે દલબદલું ને કોંગ્રેસ છોડનારા નેતાઓને જે -તે સમયે સાથ આપ્યો છે.

ભાજપ નીતિનિયમો કોરાણે મૂકીને કામ કરે છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે કાર્યકરોએ રાત-દિવસ એક કરીને તેમનો પ્રચાર કર્યો છે અને એને લઈને જ આવા નેતાઓનું એક કદ બન્યું છે.. હવે જ્યારે આવા કાર્યકરોને મહેનતોથી આગળ આવેલા નેતાઓ એવાં તો કયાં કારણોથી કોંગ્રેસ છોડી અને ભાજપ તરફ પ્રયાણ કરી રહ્યા છે તેનું કારણ કોંગ્રેસ પક્ષને અને તેના વફાદાર કાર્યકરોને જણાવવું પડે. IBના રિપોર્ટ અનુસાર આ ચૂંટણીમાં ભાજપ 70થી વધુ બેઠક મેળવે તેમ હાલની પરિસ્થિતિ મુજબ લાગતું નથી અને એને લઈને ભાજપ નીતિનિયમો કોરાણે મૂકીને કોંગ્રેસના નેતાઓને આકર્ષી રહી છે.

અલ્પેશ ઠાકોર અને રઘુ દેસાઈ કાર્ડ મુદ્દે સામસામે
પાટણના રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઈએ પોતાની માતાના નામે શરૂ કરેલી હોસ્પિટલમાં ફ્રી સારવાર માટેના સ્વાસ્થ્ય કાર્ડના વિતરણ પર પ્રતિબંધ લગાવી દેવાતાં રાજનીતિ ગરમાઈ છે. આ મામલે રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઈ અને પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર વચ્ચે જુબાની જંગ છેડાયો છે. રાધનપુરના કૉંગ્રેસી ધારાસભ્ય રઘુ દેસાઈએ પોતાની માતા નામે આધુનિક સારવાર સાથેની હોસ્પિટલનું નિર્માણ કર્યું છે. આ હોસ્પિટલમાં લોકોને તમામ પ્રકારની સારવાર ફ્રી આપવાનો ધારાસભ્યએ દાવો કર્યો હતો. સુવિધા માટે ધારાસભ્યએ પોતાની તસવીર સાથેના સ્વાસ્થ્ય કાર્ડ પણ તૈયાર કરાવ્યા હતા. રઘુ દેસાઈએ કહ્યું હતું કે આ કાર્ડ માટે તેમને ચૂંટણીપંચ પાસેથી મંજૂરી માગી હતી અને એ આપી દેવામાં આવી હતી.

અલ્પેશ ઠાકોરની અરજી બાદ મંજૂરી રદ કરવામાં આવી-રઘુ દેસાઈ
રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઈએ કહ્યું હતું કે રાધનપુરના પૂર્વ ધારાસભ્યએ અરજી કર્યા બાદ સ્વાસ્થ્ય કાર્ડના વિતરણની મંજૂરી રદ કરી દેવામાં આવી છે. ધારાસભ્યએ કહ્યું હતું કે આ કાર્ડમાં અલ્પેશ ઠાકોરને શું વાંધો પડ્યો એ ખબર નથી.

રઘુ દેસાઈની હોસ્પિટલ.
રઘુ દેસાઈની હોસ્પિટલ.

મત મેળવવા માટે કાર્ડનો ઉપયોગ કરે છે- અલ્પેશ ઠાકોર
રઘુ દેસાઈના પ્રહાર બાદ આજે અલ્પેશ ઠાકોરે વળતો પ્રહાર કરતાં કહ્યું હતું કે આ સ્વાસ્થ્ય કાર્ડનું કોઈ વજૂદ નથી. ચૂંટણીમાં હાર ભાળી ગયા છે એટલે મત મેળવવા માટે કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે. અલ્પેશ ઠાકોરે મતદારોને ચેતી જવા કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...