આગામી 1 જુલાઈના રોજ રથયાત્રા નીકળવાની છે શહેરના કોટ વિસ્તારમાંથી આ રથયાત્રા નીકળે છે. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રથયાત્રાની તૈયારીઓના ભાગરૂપે રથયાત્રા રૂટ ઉપર રોડ રસ્તા ભયજનક મકાનો અને હેરિટેજ મકાનો વગેરેની ચકાસણી કરવા માટેની સૂચના આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં અધિકારીઓને આપવામાં આવી હતી. રથયાત્રાના રૂટ પર કોઈ પણ પ્રકારની રથયાત્રા દરમિયાન તકલીફ ન પડે તેના માટે અત્યારથી કોર્પોરેશનના અધિકારીઓને તૈયારીઓ કરી દેવા માટે જણાવવામાં આવ્યું છે. રથયાત્રાના રૂટ પર આવતા ભયજનક મકાનોનો સર્વે કરી અને જો મકાન ગમે ત્યારે પડી શકે તેમ હોય તો તેને ઉતારી લેવા માટે પણ સૂચના આપવામાં આવી છે.
ફૂડ અને પાણીના સેમ્પલો લેવાશે
અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી દરમિયાન ફૂડ પોઈઝનીંગ ના કેસો વધુ સામે આવતા હોય છે. ઝાડા ઉલટીના કેસો શહેરમાં વધ્યા છે. ખાણીપીણીની દુકાનો, રેસ્ટોરન્ટ, હોટેલો અને પાણીના પ્લાન્ટ પર કોર્પોરેશનના ફૂડ વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગની કામગીરી કરવાની હોય છે પરંતુ ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા ચેકિંગની કામગીરી યોગ્ય થતી નથી અને જે સેમ્પલ લેવામાં આવે છે, તેના પરિણામ એક અઠવાડિયા કે 15 દિવસે આવતા હોય છે. જેથી આવા જે પણ ફૂડ અને પાણીના સેમ્પલો લેવામાં આવે છે. તેના જલ્દીથી પરિણામ લાવી અને કાર્યવાહી કરવા માટે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં અધિકારીઓને સુચના આપવામાં આવી હતી.
દુકાનોની જાહેર હરાજી કરવાનો નિર્ણય
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાએ મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યા છે. જેમાં દુકાનો પણ બનાવવામાં આવી છે. નવરંગપુરા મલ્ટીલેવલ પાર્કિગમાં પણ ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર પર બનાવવામાં આવી છે જે દુકાનોને કોર્પોરેશન દ્વારા હરાજી માટે મૂકવામાં આવી હતી, પરંતુ કોઈ પણ દુકાન વેચાતા ફરી એકવાર દુકાનોની જાહેર હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ ઉપરાંત જે પણ નવા મલ્ટીલેવલ પાર્કિંગ માં દુકાનો બનાવવામાં આવી રહી છે આ દુકાનો અને હવે બનતાની સાથે જ જાહેર હરાજી કરી અને વેચાણ માટે મુકવામાં આવે તેવી આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂઆત કરવામાં આવી હતી.
પ્રિમોન્સુન કામગીરી અંગે થઈ ચર્ચા
દર ગુરુવારે મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી મળે છે જેમાં મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરથી લઇ અને તમામ વિભાગના વડા હાજર રહેતા હોય છે જો કે આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં હવેથી એડિશનલ કક્ષાના અધિકારીઓને પણ સ્ટેન્ડિંગ કમિટીમાં હાજર રાખવા માટે જણાવવામાં આવ્યું હતું. જેથી તેઓને પણ કામગીરી અંગે જાણકારી આપી ઝડપી કામગીરીનો નિકાલ કરવામાં આવે. પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત જ્યાં પાણી ભરાવાની સમસ્યા થતી હોય છે અને ત્યાં સ્ટ્રીટ લાઇટના થાંભલા આવે છે તો આ તળાવની તપાસ કરવામાં આવે અને ક્યાંય પણ વાયરીંગ ખુલ્લું રહી જાય તેની ખાસ તકેદારી રાખવા માટે લાઇટ વિભાગના વડા અને અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.