ઓનલાઇન શિક્ષણનો સર્વે:ગુજરાતના 56 ટકા માસ્તરો કહે છે ‘નેટ’ જ નથી ચાલતું તો શું કપાળ ભણાવવાના હતા છોકરાઓને, 44 ટકાએ કહ્યું-છોકરાઓ પણ ટાઈમપાસ કરે છે

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઇન્ટરેટ સરખું ન ચાલતું હોવાથી અનેકવાર ક્લાસ કેન્સલ કરવા પડે છે
  • વિદ્યાર્થી અને શિક્ષકો વચ્ચે સરખું કોમ્યુનિકેશન થઇ શકતું નથી

કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને અને વિદ્યાર્થીઓનું ભણતર બગડે નહીં એ માટે ઓનલાઇન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. ઓનલાઇન શિક્ષણની સારી-નરસી બાબતો જાણવા માટે એક્સ્ટ્રામાર્ક્સ એજ્યુકેશન નામની કંપની દ્વારા ગુજરાતના 2200 શિક્ષકોનો સર્વે કરવામાં આવ્યો હતો. સર્વે અનુસાર 56 ટકા શિક્ષકોએ કહ્યું કે, નબળી ઇન્ટરનેટ કનેક્ટિવિટી છે. નેટ સરખુ ચાલતું નથી. તેવામાં આ શિક્ષકો શું કપાળ વિદ્યાર્થીઓને અમે ભણાવશે. જ્યારે 44 ટકા શિક્ષકોના મતે વિદ્યાર્થીઓ પૂરતું ધ્યાન નહીં આપીને ટાઇમપાસ કરે છે.

25થી 55 વર્ષની ઉંમરના 2200 જેટલા શિક્ષકોનો સર્વે
એક્સ્ટ્રામાર્ક્સના સર્વે સાથે જોડાયેલા શૈશવ કાયસ્થે DivyaBhaskarને જણાવ્યું હતું કે, એપ્રિલથી ઓનલાઇન ભણવામાં આવી રહ્યું છે તેમાં શિક્ષકો માટે સૌથી મોટો ઇશ્યુ કે પછી પ્રોબ્લેમ આ ડિજટલાઈઝેશનને એડપ્ટ કરવાનો હતો. ત્યારે એક્સ્ટ્રામાર્ક્સ તરફથી તેમને રેડીમેઇડ કન્ટેન્ટ બનાવીને આપ્યું અને 120 દિવસથી સુંદર રીતે બાળકો ભણાવાઈ રહ્યાં છે. તમામ જિલ્લાના 25થી 55 વર્ષની ઉમરના 2200 શિક્ષકોને ઓનલાઇન શિક્ષણ સાથે જોડાયેલા પ્રશ્નો પૂછાયા હતા અને તેમને પ્રતિભાવ નોંધવામાં આવ્યા હતા.

અનેક વખત શિક્ષકોએ ક્લાસ કેન્સલ કરવા પડે છે
નબળી ઈન્ટરનેટ કનેક્ટિવિટી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને એકબીજા સાથે સંવાદ સાધવામાં સૌથી મોટી સમસ્યા ઊભી કરી રહી છે એમ 56 ટકા શિક્ષકોએ જણાવ્યું હતું. ટેક્નિકલ સમસ્યાને લીધે અનેક વખત શિક્ષકોએ ક્લાસ કેન્સલ કરવા પડે છે. વિદ્યાર્થીઓ પણ ઘણીવાર ક્લાસ ચૂકી જાય છે અથવા ચાલુ ક્લાસે કનેક્ટિવિટીની સમસ્યાના લીધે હેરાન થાય છે.

અનેક બાબતો વિદ્યાર્થીઓનું ધ્યાન ભંગ કરે છે
અનેક શિક્ષકો શિસ્તના મામલે પણ ઘણા નારાજ છે. 44 ટકા શિક્ષકોએ એવો મત વ્યક્ત કર્યો હતો કે ઓનલાઈન ક્લાસ દરમિયાન વિદ્યાર્થીઓ પૂરતું ધ્યાન નથી આપતા. ચાલુ ક્લાસે સૂઈ જવું, વારંવાર બાથરૂમ જવું, કંઈક ખાતા કે પીતા રહેવું જેવી અનેક બાબતો છે, જે ભણતી વખતે વિદ્યાર્થીઓનું ધ્યાન ભંગ કરે છે.

ઓનલાઈન શિક્ષણ એક પડકાર
57 ટકા શિક્ષકોના મતે ઓનલાઈન શિક્ષણ એક પડકારજનક કામ છે, જ્યારે 35 ટકા શિક્ષકો માને છે કે તેઓ ઓનલાઈન કે પરંપરાગત કોઈપણ પ્રકારે શિક્ષણ આપવામાં કોઈ સમસ્યા નથી. જોકે 45થી વધુ વયજૂથના શિક્ષકો માટે જરૂરી કમ્પ્યુટર નિપુણતા કેળવવી ખૂબ જ મુશ્કેલ હતું.

અનેક કમ્પ્યુટર સંબંધિત ફંક્શન્સ શીખ્યાં
45 કે તેથી વધુ ઉંમરના 77 ટકા શિક્ષકોએ માન્યું હતું કે અગાઉ તેઓ કમ્પ્યુટર કે લેપટોપથી કામ કરવા માટે ટેવાયેલા ન હતા. ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર વિદ્યાર્થીઓને ભણાવવાને લીધે તેઓ ફોટો એડિટ કરવો, પીડીએફ બનાવવી, પ્રિન્ટર કનેક્ટ કરીને વિવિધ પ્રકારના ડોક્યુમેન્ટ્સ પ્રિન્ટ કરવા, વિડિયો કોલિંગ વગેરે જેવાં અનેક કમ્પ્યુટર સંબંધિત ફંક્શન્સ શીખ્યા હતા.

ભણાવવાની પદ્ધતિમાં ઘણાં પરિવર્તનો આવ્યાં
75 ટકા શિક્ષકોએ કબૂલ્યું હતું કે ડિજિટલ પ્લેટફોર્મના ઉપયોગના લીધે તેમની ભણાવવાની પદ્ધતિમાં ઘણાં પરિવર્તનો આવ્યાં છે. યુટ્યૂબ પર શિક્ષણ સંબંધિત વિડિયો જોઈને શીખવું, કેમેરા સામે આત્મવિશ્વાસભેર બોલવું, ડોક્યુમેન્ટને ઈમેજમાં કન્વર્ટ કરવું કે વિડિયોમાંથી ખાલી ઓડિયો ડાઉનલોડ કરવો જેવાં ઘણાં કામ અગાઉ તેમના માટે લગભગ અશક્ય સમાનં હતાં.

ઓનલાઇન શિક્ષણથી અંગત જીવનને અસર થઈ
75 ટકા શિક્ષકો માને છે કે ઓનલાઇન શિક્ષણને લીધે તેમના અંગત જીવનને અસર થઈ છે. સ્કૂલો ક્યારે ખૂલશે અને નિયમિત વર્ગો કેવી રીતે લેવાશે એ અંગે કોઈ સ્પષ્ટતા નથી, આથી 45 ટકા શિક્ષકો જ્યારે કોવિડ-19ની રસી બજારમાં આવશે પછી જ સ્કૂલે જવા માગે છે, કારણ કે તેમને પોતાની સુરક્ષાની વધુ ચિંતા છે. જોકે 22 ટકા શિક્ષકો સ્કૂલો ફરી શરૂ થાય પછી પણ વિદ્યાર્થીઓને ઓનલાઈન માધ્યમથી જ ભણાવવા માગે છે, જ્યારે 72 ટકા શિક્ષકોએ પરંપરાગત અને ઓનલાઈન એમ બંને શિક્ષણ માધ્યમ પર ભાર મૂક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...