કોરોનાની ત્રીજી લહેરને પગલે પૂર્વ તૈયારી:જિલ્લામાં 0થી 15 વર્ષનાં બાળકોનો સરવે; સોલા સિવિલ, 20 ખાનગી હોસ્પિટલમાં 225 બેડ તૈયાર કરાયા

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોગ્ય વિભાગની ટીમોએ ગામડાઓમાં ફરી બાળકોના આરોગ્યની તપાસ શરૂ કરી. - Divya Bhaskar
આરોગ્ય વિભાગની ટીમોએ ગામડાઓમાં ફરી બાળકોના આરોગ્યની તપાસ શરૂ કરી.
  • સરવેમાં બાળકોના આરોગ્યની ચકાસણી કરી કુપોષિત અને સામાન્ય બાળકોનો ડેટા તૈયાર કરાશે

કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને અમદાવાદ જિલ્લામાં 0થી 15 વર્ષ સુધીના બાળકોનો સરવે હાથ ધરાયો છે. સરવેમાં બાળકોના આરોગ્યની ચકાસણી કરી કુપોષિત અને સામાન્ય બાળકોનો ડેટા તૈયાર કરવામાં આવશે. સોલા સિવિલમાં 100 અને અને જિલ્લાની 20 ખાનગી હોસ્પિટલમાં 125 પીડિયાટ્રિક બેડ ઊભા કરવામાં આવી રહ્યા છે. જેમાં ઓક્સિજન સહિતની સુવિધા હશે.

જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 0થી 5, 5થી 10 અને 10થી 15 વર્ષ સુધીના બાળકોનો સરવે કરી ડેટા તૈયાર કરવા માટે આંગણવાડી, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના વિદ્યાર્થીઓના ડેટાનો ઉપયોગ કરાયો છે. ડીડીઓ અરૂણ મહેશ બાબુએ કહ્યું કે, સરવેમાં અતિશય કુપોષિત, કુપોષિત અને સામાન્ય બાળકોના નામ, સરનામા અને તેઓના માતા-પિતાના મોબાઇલ નંબર સાથેનો ડેટા તૈયાર કરાશે. કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થાય તો આરોગ્ય વિભાગની ટીમ મોકલીને અતિકુપોષિત બાળકોને હોમ આઈસોલેટ કરાશે. જેથી કરીને આ પ્રકારના બાળકોમાં સંક્રમણ વધતું અટકાવી શકાય.

રાજ્યમાં કોરોનાને ધ્યાનમાં રાખી બાળકોનો સરવે કરવામાં અમદાવાદ જિલ્લો પ્રથમ હોવાનું મનાય છે. જિલ્લામાં 12 જેટલા ઓક્સિજન પ્લાન્ટ પણ તૈયાર કરાયા છે. બાળકો માટે 14 જેટલા પીડિયાટ્રિક ડોક્ટરોની પણ વ્યવસ્થા કરાઇ છે. હાલ બાળકોને ઉકાળાનું વિતરણ પણ કરાઇ રહ્યું છે.

ઔડાએ શેલા-કઠવાડામાં કોમ્યુનિટી હોલમાં ઓક્સિજન બેડ ઊભા કરવાનું કામ શરૂ કર્યું
શેલા અને કઠવાડામાં કોમ્પ્યુનિટી હોલમાં ઓક્સિજન લાઇન માટે વ્યવસ્થા કરાઇ છે. જો ત્રીજી લહેરમાં કેસની સંખ્યા વધે તો હોલમાં ઓક્સિજન, બેડ સહિતની સુવિધા હોય તો હોસ્પિટલમાં રૂપાંતર કરી શકાય. સેન્ટ્રલી એસી હોલમાં હાલ કામગીરી ચાલે છે. સપ્ટેમ્બર સુધીમાં તૈયાર થઇ જશે. ઔડાના અધિકારીઓએ કહ્યું કે, કોરોનાલક્ષી ટેમ્પરરી હોસ્પિટલો ઊભી કરાઇ રહી છે.

સગર્ભાઓનો સરવે કરી ધ્યાન રાખવા સૂચના
જિલ્લામાં ત્રીજી લહેરની શરૂઆત થાય અને કોરોનાનું સંક્રમણ વધે તે દરમિયાન સગર્ભા કેવી રીતે પોતાની અને ગર્ભમાં રહેલા બાળકની જાળ‌ણી કરી શકે. તે માટે હાલ સગર્ભા માતાઓને સરવે કરી તેઓને સ્થળ પર માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. સરવેનો આ ડેટા અલગથી રખાશે. જેથી કરીને સંક્રમણ ફેલાય ત્યારે ઝડપથી કોવિડ પૂર્વેની સારવાર આપી શકાય.

અન્ય સમાચારો પણ છે...