રજની રિપોર્ટર:કોંગ્રેસ નેતાગીરીમાં ફેરફાર પહેલાં પરેશ ધાનાણીનો મિજાજ બદલાતા આશ્ચર્ય

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોંગ્રેસના સૂત્રોના મતે આવતા મહિને કોંગ્રેસના પ્રદેશ માળખામાં બદલાવ આવી શકે છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને પ્રભારી રાજીવ સાતવ પણ બદલાશે તેવી ચર્ચા ચાલી રહી છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતના ખૂબ વિશ્વાસુ ગણાતા રાજસ્થાનના જ એક સાંસદને પ્રભારી પદે મુકવામાં આવશે તેવી ચર્ચા ચાલી રહી છે. પરંતુ અચાનક વિપક્ષના નેતા પરેશ ધાનાણીમાં આશ્ચર્યજનક બદલાવ આવ્યો. ગયા અઠવાડિયે આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યોજેલી એક સરકારી બેઠકમાં ધાનાણી મંચ પર હાજર હતા. અલબત્ત આ એક ઔપચારિકતા હતી, પણ અત્યાર સુધી ધાનાણી ઔપચારિકતા માટે પણ સરકારી કાર્યક્રમના મંચ પર આવ્યા નથી અને પહેલી વખત અહીં જોઇ ઘણાંને આશ્ચર્ય થયું.

પ્રિયંકાના કાર્યાલયે ગુજરાત કોંગ્રેસના નેતાને કહી દીધું, રૂ. 8 કરોડના પ્લોટનો ઉકેલ લાવો,નહિ તો સજા માટે તૈયાર રહો
કોંગ્રેસમાં આજકાલ કડી- સાણંદ રોડ પર જે નવી રાજપથ અને કર્ણાવતી કલબ બને છે તેની નજીક પ્લોટિંગની સ્કીમમાં 8 કરોડના 4 પ્લોટની માલિકી કોની તે નકકી કરવા તપાસ થઈ રહી છે. આ 4 લગડી ગણાતા પ્લોટ કોંગ્રેસના આઇટી સેલ સાથે સંકળાયેલા એક નેતા પાસે છે. કોંગ્રેસ કહે છે માલિકી અમારી, આઇટી સેલ સાથે સંકળાયેલા નેતા કહે છે હું માલિક છું, એક સ્વ. નેતાના પુત્ર કહે છે પૈસા મારા પિતાએ આપ્યા હતા એટલે આ પ્લોટની માલિકી મારી! હવે આ 4 પ્લોટની માલિકી નક્કી કરવા માટે તપાસ થઈ રહી છે, દરમિયાનમાં એવી વાત પણ જાણવા મળી છે કે, પ્રિયંકા ગાંધીની કાર્યાલયે આઇટી સેલ સાથે સંકળાયેલા નેતાને લાલ આંખ કરી કહી દીધું કે, સાનમાં સમજી જાવ, નહિ તો શિક્ષા માટે તૈયાર રહો.

અનીલ મુકીમના સ્થાને મહાપાત્ર કે અપર્ણા આવશે એવી અટકળો શરૂ
વર્તમાન મુખ્યસચિવ અનિલ મુકીમ ઓગસ્ટ મહિના સુધી એક્સટેન્શન મેળવી ચૂક્યા છે, પણ તેમના પછી નવા મુખ્યસચિવ દિલ્હીમાં કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પર રહેલા ગુજરાત કેડરના સનદી અધિકારીઓ ગુરુપ્રસાદ મહાપાત્ર અથવા એસ. અપર્ણા આવી શકે છે તેવી ચર્ચાઓ સનદી અધિકારીઓના વર્તુળમાં જામી છે. મહાપાત્ર કરતાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અપર્ણા પર વધુ વિશ્વાસ મુકીને તેમને મુખ્ય સચિવ બનાવે તેવી શક્યતા પ્રબળ હોવાનું ગણતરીપૂર્વક અધિકારીઓ જણાવે છે. નવા આવનારા મુખ્યસચિવને આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પાર પાડવાની હોવાથી કોઇ મજબૂત ચહેરો જ ગુજરાતના મુખ્યસચિવ પદે આવશે તેવું ચર્ચાઇ રહ્યું છે.

ભાજપની સરકારમાં ભાજપના જ એક મોટા નેતાની જાસૂસી?
ભાજપના એક મોટા નેતાએ થોડા સમય પહેલાં રાજ્ય સરકારનું સુરક્ષા તંત્ર તેમની જાસૂસી કરી રહ્યું છે તેવી ફરિયાદ છેક વડાપ્રધાન કાર્યાલય સુધી કરી દીધી. આ ફરિયાદને કારણે ગુજરાત સરકારનું તંત્ર પણ હલી ગયું. વડાપ્રધાન કાર્યાલય વતી ત્યારબાદ ગુજરાત સરકારે પાટીલ સુધી સ્પષ્ટતા પહોંચાડી કે આ કોઇ જાસૂસી થઇ નથી રહી પરંતુ કોઇપણ મોટા ગજાના નેતાને સુરક્ષાના કારણોસર અમુક તાંત્રિક અવલોકન હેઠળ રાખવામાં આવે છે. નેતાએ તો તેમ પણ કહી દીધું કે તેમને કોણ મળે છે, કેટલાં સમય સુધી મુલાકાત થાય છે તેઓ ક્યાં જાય છે તે તમામ બાબત પોતાની વ્યક્તિગત છે તેથી સુરક્ષાના કારણોસર પણ તેમને વધુ હસ્તક્ષેપ સહન થશે નહીં. જો કે હજુ પણ મળતી માહિતી અનુસાર તેમનું નિયમિત સુરક્ષા અવલોકન થઇ જ રહ્યું છે.

માંડવિયા બંગાળ-આસામ જઈ શકે તો રૂપાણી કે રૂપાલા કેમ નહીં?
ભાજપના રાષ્ટ્રીય માળખાએ બંગાળ અને આસામની વિધાનસભાની ચૂંટણી માટે સ્ટારપ્રચારકોની યાદી જાહેર કરી હતી. જેમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓના નામ છે, પરંતુ વિજય રૂપાણીનું નામ નથી. ભાજપના જ કેટલાંક નેતાઓમાં આ અંગે આશ્ચર્ય ફેલાયું છે કે હમણાં જ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મોટી જીતનો શ્રેય મેળવનારા રૂપાણીની આ યાદીમાં બાદબાકી કેમ કરાઇ. યાદીમાં પ્રચારસભાઓના માસ્ટર ગણાતા પરષોત્તમ રૂપાલા પણ નથી, જો કે મનસુખ માંડવીયાને બંગાળમાં સ્ટાર પ્રચારક બનાવાયા છે.

ટ્રાઇના ચેરમેન પી ડી વાઘેલાનો ગુજરાત માટે સોફ્ટ કોર્નર
ટ્રાઇના ચેરમેન અને ગુજરાત કેડરના નિવૃત્ત સનદી અધિકારી પી ડી વાઘેલા થોડા સમય પહેલાં ગુજરાતમાં આવ્યા હતા અને તેમણે રાજ્ય સરકારના અધિકારીઓ સાથે ટેલિકમ્યુનિકેશનના મામલે કેટલીક ચર્ચા અને બેઠકો કરી હતી. કોઇ રાજ્યની ટેલિકોમને લગતી સમસ્યા માટે ટ્રાઇના ચેરમેન સ્વયં જે-તે રાજ્યની મુલાકાતે જતા નથી. પરંતુ વાઘેલાએ સામે ચાલીને ગુજરાતના કેટલાંક ઇશ્યુને લઇને રસ દાખવીને તેને હલ કરવા માટે આ બેઠક યોજવા જણાવ્યું હતું. વાઘેલા પોતે પોતે ગુજરાતી જ છે અને પોતાના રાજ્ય માટે આટલો સોફ્ટ કોર્નર હોય તે સ્વાભાવિક છે.

બજેટનો શિરપાવ, પંકજ જોષીને બિગ ટિકિટ પોસ્ટિંગ મળવાની ચર્ચા
નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ જોષીએ હમણાં જે બજેટ રજૂ કર્યું તે અપેક્ષા કરતાં સારું હતું તેવો સરકારનો મત છે. કોરોનાકાળમાં સરકારની આવકો ઘટી છતાં પૂરાંત બજેટ રજૂ કરી તેમણે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. તેમના આ પ્રદર્શનને કારણે ગુજરાત સરકાર તેમને આગામી બદલીઓના રાઉન્ડ વખતે કોઇ બિગ ટિકિટ પોસ્ટિંગ આપી શકે છે તેવું સચિવાલયના સૂત્રો જણાવે છે. જોષીને સંભવતઃ મહેસૂલ વિભાગમાં મુકવામાં આવશે તેવું જણાવાઇ રહ્યું છે. પરંતુ સાથે સાથે કેટલાંક અન્ય અધિકારીઓ પણ મહેસૂલ વિભાગમાં પોસ્ટિંગ માટે પોતાનું જોર લગાવી રહ્યાં છે.

હવે ઉદ્યોગમાં ‘હારિત’ ક્રાંતિ? બદલીઓ થશે ત્યારે ભેદ ખૂલશે
સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સચિવ હારિત શુક્લા આગામી ટ્રાન્સફરોના ચક્કર ફરે ત્યારે ઉદ્યોગ કમિશનર બની શકે છે. 1999 બેચના આઇએએસ અધિકારી શુક્લા પોતે ખૂબ ધીર ગંભીર અને દરેક વિભાગમાં લગનથી મહેનત કરનારા અધિકારી તરીકે ઓળખાય છે. કોરોના અને લૉકડાઉન બાદ હવે રાજ્યના અર્થતંત્રને બળ આપવા માટે ઉદ્યોગ કમિશનર તરીકે આવા જ એક અધિકારીની સરકાર શોધમાં છે અને સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર આગામી સમયમાં શુક્લાને આ પદ મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...