રિવરફ્રન્ટમાં ક્રુઝ રામ ભરોસે:સુરતની મહિલા ક્રુઝમાં બેસતા નદીમાં પડી, પાણીનું વહેણ આવતા સાબરમતી નદીમાં ડૂબી

અમદાવાદએક મહિનો પહેલા

તહેવારમાં લોકો બહારગામ ફરવા જતા હોય છે ત્યારે દિવાળીમાં સુરતથી અમદાવાદ ફરવા આવેલી મહિલાને અમદાવાદ ફરવું ભારે પડ્યું છે. મહિલા તેના પરિવાર અને પિતરાઈ ભાઈ બહેન સાથે રિવરફ્રન્ટ આવી હતી ત્યારે રિવરફ્રન્ટમાં ક્રુઝમાં બેસવા જતા જ પાણીનું વહેણ આવતા ક્રુઝની જગ્યાએ મહિલા સાબરમતી નદીમાં ડૂબી ગઈ. 4-5 મિનિટ જેટલો સમય નદીમાં ડૂબ્યા છતાં કોઈ બચાવવા ના આવતા મહિલા જાતે બહાર આવી હતી. જોકે મહિલાના પરિવારે મહિલા જીવતી બહાર આવે તેની આશા જ છોડી દીધી હતી.

ઓનલાઇન પેમેન્ટ કરીને ક્રુઝ બોટની ટિકિટ ખરીદી
સુરતથી ચિત્રા રખિયાની નામની મહિલા અમદાવાદના વાડજમાં તેમના બહેન સાથે ફરવા આવ્યા હતા. અમદાવાદમાં તે 27 ઓક્ટોબરે રિવરફન્ટ પતિ, પુત્ર, બહેન તથા અન્ય પિતરાઈ ભાઈ બહેન સાથે પહોંચ્યા હતા. આશ્રમ રોડ રિવરફન્ટમાં આવેલી એન્ટાર્ટિક સી વર્લ્ડની ક્રુઝ બોટ જોતા જ આ તમામ લોકો તેમાં બેસવા ગયા હતા. ભીડ વધારે હતી જેથી ઓનલાઇન પેમેન્ટ કરીને ઓનલાઇન ટિકિટ ખરીદી હતી. લાઈનમાં ચિત્રા અને તેમની સાથેના લોકો જઈ રહ્યા હતા. તમામ લોકો ક્રુઝમાં બેસી ગયા હતા માત્ર ચિત્રાને બેસવાનું બાકી હતું.

ક્રુઝમાં બેસવા જતા જ મહિલા સાબરમતી પડી
ચિત્રા બોટમાં જેવી બેસવા જતા હતા કે તરત જ પાણીનું વહેણ આવ્યું અને ક્રુઝને બાંધી ના હોવાથી ક્રુઝ એક જ ઝટકે કિનારેથી દૂર ખસી ગઈ હતી. ચિત્રાનો બેસવા માટે પગ તો ઉપડી ગયો હતો જેથી ક્રુઝ ખસતા પગ સીધો સાબરમતી નદીમાં પડ્યો અને બેલેન્સ ના રહેતા ચિત્રા પણ સાબરમતીમાં પડ્યા હતા. પરિવારના લોકો તો ચિત્રા ક્રુઝમાં આવે તેની રાહ જોઈ રહ્યા હતા પરંતુ વજન વધારે હોવાથી ચિત્રા નદીમાં ઊંડાણમાં જતા રહ્યા હતા. તેમની સાથેનું પાકીટ તરતા તરતા બહાર આવ્યું ત્યારે તે નદીમાં પડ્યા હોવાનું બહાર આવ્યું. લોકોને જાણ થતાં બહાર લોકો બુમો પાડવા લાગ્યા હતા. પરિવારના લોકો પણ બચાવો બચાવોની બુમો પાડતા રહ્યા પરંતુ રેસ્ક્યુ ટીમ કે કોઈ આવ્યું નહોતું.

પરિવારે મહિલાની આશા જ છોડી દીધી
ચિત્રાને સ્વિમિંગ આવડતું હોવાથી શ્વાસ રોકી રાખ્યો હતો અને મોકો મળતા ઝડપથી નદીમાં ઉપર આવવાનો પ્રયત્ન કર્યો હતો. થોડા પ્રયત્નમાં ચિત્રા ઉપર આવી ગઈ હતી. પરંતુ ઉપર આવ્યા બાદ પણ વજન વધારે હોવાને કારણે બહાર તો ના જ આવી શક્યા જેથી રેલિંગના સહારે લટકી રહ્યા હતા ત્યારે ક્રુઝની ટીમ બહાર આવી અને હાથ પકડીને બહાર લાવી હતી. જોકે બહાર આવ્યા બાદ પરિવાર આઘાતમાં હતો. થોડીક ક્ષણ માટે તો તમામ લોકોને હતું કે હવે ચિત્રા જીવતી બહાર નહીં આવી શકે. બહાર આવ્યા બાદ તરત જ પોતાની બેદરકારી ભૂલીને એન્ટાર્ટિકા સી વર્લ્ડની ટીમ પરિવારને પાણી અને કોફી આપીને વાતો કરવા લાગી અને તેમની પાસેથી ટિકિટ લઇને તેમને પૈસા પણ તાત્કાલિક રીફન્ડ આપી દીધા હતા. ત્યારબાદ અન્ય પેસેન્જર સાથે ક્રુઝ ચાલુ કરીને રવાના કરી દેવામાં આવી હતી. આ મામલે ચિત્રાએ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશનને ફરિયાદ કરી છે.

રિવરફ્રન્ટનો અનુભવ જીવનમાં ક્યારેય નહીં ભુલાય: ચિત્રા રખિયાની
ચિત્રા રખિયાનીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું મારી બહેનના ત્યાં ફરવા આવી હતી. રિવરફ્રન્ટનો અનુભવ જીવનમાં ક્યારેય નહીં ભુલાય. હું કેવી રીતે બચી તે જ ખબર ના પડી. 2 દિવસ થયા છતાં હજુ રાતે ઊંઘ નથી આવતી અને ખાવાનું ઉતરતું નથી. મારી જગ્યાએ બીજું કોઈ હોય અથવા નાનું બાળક હોત તો તે મરી જ જતું. ક્રુઝની કંપની તરફથી કોઈ બચાવવા ના આવ્યું. આટલી ગંભીર બેદરકારી વચ્ચે ક્રુઝ ચાલે છે. લાઈવ જેકેટ પણ બોટમાં બેસીને પહેરવાનું હતું. કોર્પોરેશનને આ મામલે ગંભીરતાથી તપાસ કરીને કાર્યવાહી કરવી જોઈએ નહીં તો બીજું કોઈ પણ મારી જેમ ડૂબી શકે છે.

હું રડતા રડતા બુમો પાડતી હતી કે બચાવો પરંતુ કોઈ ના આવ્યું: મીનું મુલતાની
ચિત્રાના બહેન મીનું મુલતાનીએ જણાવ્યું હતું કે, અમને તો એમ જ હતું કે મારી બહેન હવે પાછી નહીં આવે. હું રડતા રડતા બુમો પાડતી હતી કે બચાવો પરંતુ કંપનીમાંથી કોઈ બચાવવા ના આવ્યું. મારા જીજાજી બચાવવા જતા હતા તેમને જવા ના દીધા.મારી બહેનને સ્વિમિંગ આવડતું હતું એટલે જેમ તેમ કરીને ઉપર આવી ગઈ છે. અમારા બધાનો જીવ હજુ ગભરાયેલો છે. મેં ફરિયાદ કરી છે પરંતુ હવે દંડ કરીને છોડવામાં આવે તેવી કાર્યવાહી થાય તેવું નથી ઈચ્છતી પરંતુ કંપની સામે કડક પગલાં લેવામાં આવે, નિયમિત સુરક્ષાના સાધનો ચકાસવામાં આવે તેવી મારી માંગણી છે. મને ન્યાય નહિ મળે ત્યાં સુધી હું લડત આપીશું.

અમારી ટીમના 4 સભ્યોએ જ બચાવી: ક્રુઝ બોટના માલિક
એન્ટાર્ટિકા સી વર્લ્ડના માલિક હિતેશ ભોજણાનીએ જણાવ્યું હતું કે, અમે નિયમિત સુરક્ષા રાખીએ જ છીએ. બનાવ બન્યો ત્યારે ભીડ બહુ જેથી લાઈવ જેકેટ પહેરવાનું રહી ગયું હતું પરંતુ ક્રુઝમાં જેકેટ હતું. મહિલા પડી ગઈ હતી તેને અમારી ટીમના 4 સભ્યોએ જ બચાવી હતી. અમારી ટીમના સભ્યોએ જ તેમના હાથ પકડીને ઉપર ખેંચ્યા હતા.

તપાસ બાદ કંપની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવ: દિપક પટેલ
સબરમતજ રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશનના ઇન્ચાર્જ જનરલ એડમીન મેનેજર દિપક પટેલે જણાવ્યું હતું કે, અમને લેખિતમાં ફરિયાદ મળી છે. મેં કંપની સાથે વાત કરી છે ત્યારે જાણવા મળ્યું કે અગાઉ આવો બનાવ બન્યો નથી પરંતુ મહિલાની ફરિયાદ આવી છે તો હજુ વધુ તપાસ કરવામાં આવશે. તપાસ બાદ કંપની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...