તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાજપના નેતાએ ભાંગરો વાટ્યો:શિક્ષણમંત્રી પહેલાં ધો.12ની પરીક્ષા રદ કરવાનું 'પેપર' ફોડનારા ઋત્વિજ પટેલની કબૂલાત, મારી ગેરસમજ થઈ ગઈ

અમદાવાદ21 દિવસ પહેલાલેખક: રાજેશ વોરા
  • કૉપી લિંક
  • ઋત્વિજ પટેલે સુપર શિક્ષણમંત્રી બનીને પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી
  • શિક્ષણમંત્રીની જાહેરાતના અડધો કલાક પહેલાં ટ્વિટર પર જાહેરાત કરી, બાદમાં ટ્વીટ ડિલિટ માર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકોના હિતમાં CBSEની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધા બાદ ગઈકાલ રાતથી ધોરણ-12ની પરીક્ષા લેવી કે નહીં તે અંગે ગુજરાતનો શિક્ષણ વિભાગ અને શિક્ષણ બોર્ડ કામે લાગી ગયાં છે. આ અંગે આજે મળેલી કેબિનેટની બેઠકમાં પણ ચર્ચા કરવામાં આવી હતી. ત્યાર બાદ પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

જોકે ધોરણ-12ની પરીક્ષા રદ કરવા અંગે શિક્ષણમંત્રી જાહેરાત કરે એના અડધો કલાક પહેલાં ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખ ડો.ઋત્વિજ પટેલે ટ્વીટ કરીને પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી છે. આમ, ઋત્વિજ પટેલે સુપર શિક્ષણમંત્રી હોય એ રીતે સરકાર પહેલાં જ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી દીધી હતી.

મારી ગેરસમજ થઈ, વિવાદ ન થાય એટલે ટ્વીટ ડિલિટ કર્યુંઃ ઋત્વિજ પટેલ
આ અંગે ઋત્વિજ પટેલે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ નિર્ણય અંગે મેં ટીવી ચેનલમાં જોયું હતું. મેં ટીવીમાં જોયું તો મને લાગ્યું કે જાહેરાત થઈ ગઈ છે, એટલે મારી ગેરસમજ થઈ છે. ન્યૂઝ ચેનલનું ટ્વીટ છે, પણ છોડોને થઈ ગયું એ થઈ ગયું. વિવાદ ન થાય એટલા માટે મેં પછીથી ટ્વીટ ડિલિટ કર્યું.

ઋત્વિજ પટેલે 12ને 49 મિનિટે પરીક્ષા રદ કરી હોવાનું ટ્વીટ કર્યું હતું. ત્યાર બાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહે 1 કલાકને 20 મિનિટે પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી હતી, જોકે ભૂપેન્દ્રસિંહે પ્રેસ-કોન્ફરન્સને સંબોધન શરૂ કરતાં જ ઋત્વિજ પટેલે ટ્વીટ ડિલિટ માર્યું હતું.

કેબિનેટના નિર્ણયની ભાજપના ચોથી રેન્કના કાર્યકરને કેવી રીતે જાણ થઈ?
રાજ્ય સરકારની આજે મળેલી કેબિનેટની બેઠકમાં ધોરણ-12ની પરીક્ષા રદ કરવા અંગે ચર્ચા કરી હતી. આ બેઠક બાદ ધોરણ-12ની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે કેબિનેટની બેઠકમાં લેવાયેલા આ ગોપનીય નિર્ણય અંગે ભાજપના ચોથી રેન્કના કાર્યકરને કેવી રીતે જાણ થઈ.

ઋત્વિજ પટેલને કયા હોદ્દાની રૂએ આ અંગે માહિતી મળી?
આ નિર્ણયની મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મંત્રીઓ તથા શિક્ષણ સચિવોને જ જાણ હતી, પરંતુ ઋત્વિજ પટેલને કયા હોદ્દાની રૂએ આ અંગે માહિતી મળી? માત્ર એટલું જ નહીં, તેમણે તો શિક્ષણમંત્રી પહેલાં જ ટ્વિટર પર ધોરણ-12ની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી. શું ઋત્વિજ પટેલ સુપર શિક્ષણમંત્રી છે?

સરકાર પહેલાં જાહેરાત કરી, CM અને શિક્ષણમંત્રીનો આભાર માન્યો
ઋત્વિજ પટેલે ટ્વીટમાં જણાવ્યું છે કે કોરોનાના વર્તમાન સંજોગો પ્રમાણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પ્રત્યે સંવેદનશીલતા દાખવી, રાજ્ય સરકાર દ્વારા ધોરણ-12 બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. આ નિર્ણય બદલ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનો તેમણે ટ્વીટમાં આભાર પણ માન્યો છે. જોકે આ મુદ્દે વિવાદ થતાં અત્યારે ડો.ઋત્વિજ પટેલે ટ્વીટ ડિલિટ કરી દીધું છે.

2020માં ડિલિટ મારેલું ટ્વીટ
2020માં ડિલિટ મારેલું ટ્વીટ

પહેલી લહેર સમયે મીડિયાને વેયાયેલું કહી ટ્વીટ કર્યું હતું.
ગત વર્ષે કોરોનાની પહેલી લહેર દરમિયાન પણ ઋત્વિજ પટેલે મીડિયા વેચાઈ ગઇ હોવાનું ટ્વીટ કર્યા બાદ ઠપકો મળતાં ઋત્વિજ પટેલે ટ્વીટ ડિલિટ માર્યું અને તેમની ટીમની વ્યક્તિએ ટ્વીટ કર્યું હોવાનું કહી બચાવ કર્યો હતો. ત્યાર બાદ તેમણે મીડિયાને વ્યક્તિગત સન્માનપૂર્વક જોઉં છું કહી માફી માગી હતી. લોકોએ ઋત્વિજ પટેલના યુ ટર્ન પર કહ્યું હતું કે સાહેબ, એક જ ટ્વીટ કોપી પેસ્ટ કરીને ફેલાવવાનો શું અર્થ? તર્કબદ્ધ રીતે સ્ટેટમેન્ટ આપીને પૂરું કરો અને અસફળ તો થયા જ છો.

ગુજરાત બોર્ડે પરીક્ષાની તારીખો અને કાર્યક્રમ જાહેર કરી લીધા બાદ પીએમએ લીધેલા નિર્ણયથી ગુજરાત સરકાર કફોડી સ્થિતિમાં મુકાઈ ગઈ હતી. CBSEની પરીક્ષા અંગેના નિર્ણય બાદ 1 જૂનની મોડી રાત સુધી મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, શિક્ષણ વિભાગના અધિકારીઓ વચ્ચે સતત બેઠકો યોજાઈ હતી.

CBSEની પરીક્ષા રદ થયા બાદ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.12ની પરીક્ષા અંગેની ફેરવિચારણા કર કરવામાં આવી હતી. ત્યાર બાદ ધોરણ 12ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...