રજની રિપોર્ટર:સુનયના તોમરને કેન્દ્રમાં સેક્રેટરી સમકક્ષ હોદ્દો

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત કેડરના 1989 બેચના આઇએએસ અને સમાજ કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમરને કેન્દ્ર સરકારે સેક્રેટરી સમકક્ષ હોદ્દા માટે એમ્પેનલ કર્યાં છે. કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ પર જવાનું થાય તો તેમની નિમણૂક સેક્રેટરી કક્ષાના અધિકારી તરીકે થઇ શકે છે. જો કે હાલ ગુજરાત સરકાર કોઇપણ અધિકારીને કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પર મોકલવા માટે ઇચ્છુક નથી. તેમ છતાં આગામી વિધાનસભા ચૂંટણી બાદ સુનયના તોમરને પ્રતિનિયુક્તિ પર જવાનો અવસર મળી શકે તેમ સચિવાલયના સૂત્રો જણાવી રહ્યાં છે.

CMની તુલાવિધિમાં કમલમ્ ફળને બદલે કેળા કોણે મુક્યાં
થોડા સમય પહેલાં કચ્છમાં પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કમલમ્ ફળથી તુલાવિધિ કરવાનો કાર્યક્રમ્ યોજાયો હતો. જેમાં કમલમ્ ફળના બોક્સમાં પાછળથી કેળાં નીકળતાં ખાસો હંગામો થયો હતો. હવે ભાજપ એ તપાસ કરી રહ્યું છે કે કમલમ્ ફળને બદલે કેળાં મુકવાનો આઇડીયા કોનો હતો. આમ તો જિલ્લા પ્રમુખ હોવાના નાતે આખાય કાર્યક્રમની જવાબદારી કેશુભાઇ પટેલની બને છે પરંતુ કહેવાય છે કે કમલમ્ ફળની તુલાવિધીમાં તેમણે હાથ ઊંચા કરી દીધાં હતાં. હવે કેશુભાઇ આ આખોય મામલો ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ અને ભૂતપૂર્વ આઇએએસ એમ. એસ. પટેલ પર ઢોળી રહ્યા છે. જે અગાઉ કચ્છ જિલ્લાના કલેક્ટર પણ રહી ચૂક્યા છે અને આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર પણ હોઇ શકે છે. પ્રદેશ કક્ષાએથી આ વાતની તપાસ થઇ રહી છે અને જે કસૂરવાર હશે તેની સામે પગલાં ચોક્કસ લેવાશે.

મુખ્યમંત્રીની મુલાકાત પહેલાં રાજીવ ગુપ્તા દુબઇ પહોંચ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતાં મહિને પોતાની પહેલી ઓફિશિયલ વિદેશ યાત્રામાં દુબઇ જવાના છે અને અહીં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટેનો રોડશો યોજવાના છે. આ દરમિયાન ઉદ્યોગ સચિવ રાજીવ કુમાર ગુપ્તા તેમની સાથે રહેશે. જો કે આ મુલાકાત પહેલાં ગુપ્તા દુબઇના પ્રવાસે ગયા છે. અહીં તેઓ મુખ્યમંત્રીના પ્રવાસ પહેલાં તમામ આયોજનો ચકાસી રહ્યાં છે અને દુબઇના રોકાણકારો અને વ્યાવસાયિકો સાથે મુલાકાત કરીને અહીંની સરકાર વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં પાર્ટનર કંટ્રી તરીકે જોડાય તે માટે પ્રયત્ન કરી રહ્યા છે. કોરોનાના પેન્ડેમિકના સમયમાં વિદેશી પ્રતિનિધિઓની હાજરી સમિટમાં ઓછી ન થાય તે માટે ગુપ્તા હાલ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

ચુઆંગો વહેલી નિવૃત્તિ બાદ મિઝોરમમાં કમિશનર બન્યા
ગુજરાત કેડરના 1987 બેચના અધિકારી લાલનુનમાવીઆ ચુઆંગોએ 31 ઓક્ટોબરે સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ લીધી હતી. આમ તો તેઓ આગામી માર્ચ 2022માં નિવૃત્ત થવાના હતા પરંતુ તેમણે વહેલી નિવૃત્તિ લીધાં બાદ કેન્દ્ર સરકારે તેને ત્વરિત મંજૂરી આપી દીધી હતી. હવે મિઝોરમ સરકારે તેમને પોતાના મુખ્ય માહિતી કમિશનર તરીકે નિયુક્ત કરી દીધા છે. આસામ અને મિઝોરમના નાગરિકો વચ્ચે થયેલાં ઘર્ષણમાં તેમની ભૂમિકાની આલોચના બાદ આ નિર્ણય લેવાયો હોવાનું સચિવાલયના સૂત્રો જણાવે છે. આ અગાઉ તેઓ જ્યારે મિઝોરમ સરકારમાં ગૃહ સચિવ હતા ત્યારે ચૂંટણીમાં તેમની ભૂમિકાને લઇને મુખ્ય ચૂંટણી કમિશનરે પણ કેટલાંક પ્રશ્નો ઉઠાવ્યા હતા.

રાજકુમાર નવા મુખ્ય સચિવ બનશે, 2024ની લોકસભા ચૂંટણી પણ પાર પાડી શકશે
કેન્દ્રમાં ડિફેન્સ મેન્યુફેક્ચરિંગના સચિવ અને 1987 બેચના આઇએએસ રાજકુમારને ગુજરાત પરત મોકલવામાં આવી રહ્યા છે. રાજકુમાર ગુજરાતના ભવિષ્યના મુખ્ય સચિવ બનશે તેવું અત્યારથી જોવાઇ રહ્યું છે અને તે વાત ખોટી સાબિત થાય તેમ પણ નથી. આવતાં મે મહિનામાં પંકજ કુમાર નિવૃત્ત થાય તે પછી તરત જ રાજકુમાર આ ચાર્જ લઇ લેશે અને તેમને ઘણો લાંબો સમય મળી શકશે. રાજકુમાર છેક 2025ના જાન્યુઆરી માસમાં રિટાયર થવાના છે. તેથી તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ઉપરાંત 2024માં આવનારી લોકસભા ચૂંટણી પણ પાર પાડી શકશે. લોકસભા ચૂંટણી પૂરી થયાં બાદ પણ તેઓ ઇચ્છે તો કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ પર પરત ફરી શકે છે. જો તેમને જાન્યુઆરી 2025માં છ માસનું એક્સટેન્શન અપાય તો તેમના પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ ગણાતાં અને હાલ મસૂરીમાં આઇએએસ ટ્રેઇનિંગ એકેડેમીમાં ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા કે શ્રીનિવાસ ગુજરાતના મુખ્ય સચિવ બની શકે છે.

હર્ષ સંઘવીની પ્રતીક્ષા હવે પૂરી થશે
હાલ ગૃહ સચિવનો વધારાનો હવાલો ઉદ્યોગ સચિવ રાજીવ કુમાર ગુપ્તા સંભાળી રહ્યા છે. પરંતુ આગામી સમયમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટના આયોજન પાછળ ગુપ્તા વ્યસ્ત થઇ જવાના હોવાથી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોતાના વિભાગના સચિવ તરીકે કોઇ સિનિયર અધિકારીની રેગ્યુલર નિમણૂક થાય તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી. સંઘવી હાલ ડ્રગ્સ અને મહિલાઓ પરના દુષ્કર્મો સહિતના દૂષણોને ડામવા માટે અભિયાન તરીકે કામ હાથ ધરી રહ્યા છે અને તેવા સમયે ગૃહ સચિવની નિયમિત નિમણૂક થવી જોઇએ તેવો તેમનો આગ્રહ હતો. આ ઉપરાંત આઇપીએસ અધિકારીઓના પ્રમોશન અને બદલીઓની કામગીરી માટે પણ પૂરો સમય આપી શકે તેવાં અધિકારીની જરૂર છે. હવે ગુજરાત કેડરના અધિકારી રાજ કુમાર દિલ્હીથી પાછા ફરી રહ્યા છે ત્યારે તેમને ગૃહ સચિવ બનાવાય તેવી શક્યતા જોવાઇ રહી છે.

દાસને ગતિશક્તિની મોટી જવાબદારી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આઝાદીના અમૃતપર્વની ઉજવણી સંદર્ભના ડ્રીમ વિઝન ગતિશક્તિ મિશનની મોટી જવાબદારી ગુજરાતના પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગના સચિવ મનોજકુમાર દાસને મળી છે. ગુજરાત સહિત દેશભરમાં આ વિઝન પૂર્ણ કરવા માટે કયા મુદ્દાઓને આવરી શકાય તેનો ડ્રાફ્ટ દાસ હાલ તૈયાર કરી રહ્યા છે. આગામી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં પણ ગતિશક્તિને લઇને એક ઇવેન્ટ થવાની છે તેની જવાબદારી પણ મનોજકુમાર દાસને સોંપવામાં આવી છે. ગુજરાત અને સમગ્ર દેશમાં વિમાન, રેલ, જળમાર્ગ અને રસ્તાઓ સહિતની ટ્રાન્સપોર્ટની સુવિધાઓ ઉપરાંત અન્ય માળખાકીય સુવિધા વિકસાવવા માટેનું એક મોટું કામ કેન્દ્ર સરકારે હાથમાં લીધું છે તે માટે હાલ મનોજકુમાર દાસ પોતાની તમામ તાકાત લગાડીને કામ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...