એક્સક્લૂઝિવ ઇન્ટરવ્યુ:UPSCમાં ગુજરાતમાં 2જા ક્રમના ટોપર વલય વૈદ્યે જણાવ્યું તેની સફળતાનું સિક્રેટ, 'નોકરી સાથે રોજના 5-6 કલાકનો સમય કાઢી વાંચતો'

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: યોગેશ ગજ્જર
  • કૉપી લિંક
  • UPSC પાસ કર્યા બાદ મારી સૌથી પહેલી પસંદગી ઈન્ડિયન ફોરીન સર્વિસ છે: વલય વૈદ્ય

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, એટલે કે UPSCએ સિવિલ સેવાની મુખ્ય પરીક્ષા 2020નું ગઈકાલે પરિણામ જાહેર કર્યું હતું, જેમાં કુલ 761 ઉમેદવારની પસંદગી થઈ. આ પરીક્ષામાં ગુજરાતના 13 ઉમેદવારો પાસ થયા છે, જેમાં વડોદરાના વલય વૈદ્યએ ઓલ ઈન્ડિયામાં 116મી રેન્ક સાથે ગુજરાતમાં બીજો ક્રમ મેળવ્યો છે. વલય આ પહેલાં UPSCમાં ઈન્ટરવ્યુ આપી ચૂક્યો છે, પરંતુ થોડાક માર્ક્સ માટે તે રહી ગયો હતો. આ ચોથા પ્રયાસમાં તેણે આખરે પોતાનું ધ્યેય પ્રાપ્ત કરી લીધું. વલયે દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં પોતાની સફળતાનું સિક્રેટ શેર કર્યું.

'UPSC પાસ કર્યા બાદ મારી સૌથી પહેલી પસંદગી IFS'
આ વિશે દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીતમાં વલય વૈદ્યએ કહ્યું હતું કે 'UPSC પાસ કર્યા બાદ મારી સૌથી પહેલી પસંદગી ઈન્ડિયન ફોરીન સર્વિસ છે અને મેં એવું વિચાર્યું છે કે જો મને આ સર્વિસ મળી જાય છે તો ભારતનો નેશનલ ઈન્ટરેસ્ટ જેટલો આગળ વધારી શકાય એ માટે હું કામ કરીશ. અલગ અલગ દેશોમાં ટ્રેડ અને કોમર્સની આપણી અમુક વરાઇટી બહાર મૂકી શકાય તો એવી વસ્તુઓના એક્સપોર્ટના પ્રોત્સાહન માટે હું કામ કરવા માગું છું. આપણા ડાયસ્ફોરા અલગ અલગ દેશમાં છે તેમના જે પ્રશ્નો છે એ માટે હું કામ કરવા માગીશ. તેવી રીતે હું અલગ અલગ કલ્ચરલ ટુ ઈકોનોમિક બધા સેક્ટરમાં કામ કરવા માગીશ.'

વલય વૈદ્યની તસવીર.
વલય વૈદ્યની તસવીર.

નોકરી સાથે રોજના 5-6 કલાક વાંચન
વલયનો પરિવાર મૂળ રાજકોટનો છે, પરંતુ તેનો જન્મ વડોદરામાં જ થયો છે. તેના પિતા અંકિતભાઇ વૈદ્ય કતારમાં નોકરી કરે છે. વલયે ગાંધીનગરમાં આવેલી ધીરુભાઇ અંબાણી ટેક્નિકલ કોલેજમાંથી બી.ટેક ઇન આઇ.સી.ટી. કર્યું છે. વલયે વર્ષ-2017-18માં જી.પી.એસ.સી. અને યુ.પી.એસ.ની તૈયારી શરૂ કરી હતી. અને જુલાઇ-2019માં ગુજરાતમાં 21મા રેન્ક સાથે જી.પી.એસ.સી.માં ઉત્તીર્ણ થયો. હાલમાં તે પંચમહાલ જિલ્લામાં ડેપ્યુટી કલેક્ટર અને SDM તરીકે ફરજ બજાવે છે. નોકરીની સાથે જ રોજના 5-6 કલાક સુધીનો સમય કાઢી વાંચન કરીને વલયે સૌથી અઘરી મનાતી UPSCની પરીક્ષા પાસ કરી.

મિત્રો સાથે ગ્રુપમાં જવાબનો રિવ્યુ કરતા
વલય કહે છે, 'હું જેટલા વધારે આન્સર લખી શકું એની તૈયારી કરતો અને એનું ચેકિંગ અમે બે-ત્રણ લોકોનું ગ્રુપ બનાવ્યું હતું જેમણે સાથે પહેલા પરીક્ષા બે-ત્રણ વખત આપી હતી. આ ગ્રુપ બનાવીને અમે એકબીજા પાસે જવાબને રિવ્યુ કરાવતા, જેનાથી બધા પ્રશ્નો તૈયાર થઈ જતા અને 60 ટકા જેટલા પ્રશ્નો એમાંથી જ આવે, એટલે હોટ ટોપિક અમે તૈયાર કરતા. આવી રીતે જવાબ લખવાની રીત પર મેં ઘણું ફોકસ કર્યું હતું, જેથી સમયથી પેપર પતી જાય.'

'સફળતાનું શ્રેય સૌથી પહેલા મારા ફેમિલીને'
ડેપ્યુટી કલેક્ટરની નોકરી સાથે વાંચનથી યુપીએસસી પાસ કરનાર વલય એનું શ્રેય આપતા કહે છે, હું આનું શ્રેય તો મારા ફેમિલીને સૌથી પહેલા આપું છું. મારું આ પાંચમું વર્ષ છે ત્યારથી તૈયારી કરી છું. તેમણે મને ક્યારેય એવું નથી કીધું કે તું આ મૂકી દે. હવે નહીં થાય આપણાથી, એવું ક્યારેય નથી કીધું અને મારા મિત્રો, જેમણે સતત સપોર્ટ આપ્યો કે ભાઈ થઈ જ જશે, થઈ જ જશે. તું પ્રયાસ કર. એ ખૂબ મહત્ત્વનું હતું. આ પહેલાં મેં યુપીએસસીનો ઈન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં થોડા માર્ક્સ માટે રહી ગયો. આ મારો ચોથો પ્રયાસ હતો.

પોતાને વાંચન માટે પ્રોત્સાહિત કેવી રીતે કરતા?
'મારે બુક વાંચવી, ફોટોગ્રાફી કરવી વગેરે શોખ છે, એટલે હું આ બધું સતત કરતો. રોજ અડધો કલાક વાંચવાની આદત છે, હું એ બધું સાથે સાથે કરતો રહેતો. એટલે ક્યારેક વાંચવાનો કંટાળો આવે એટલે હોબી ફોલો કરી લેવાની. ક્યારેક નોર્મલ સિલેબસ વાંચવાનું મન ન થાય તો બે કલાક પુસ્તક વાંચી લેવાનું, કંઈ વાંધો નહીં, બીજા દિવસે. પણ તેનાથી એટલું રહે કે સાવ ડિમોટિવેટ ન થઈ જઈએ, આ સિવાય બીજી પણ કંઈક લાઈફ હોય.'