તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાચકોના સવાલ, ગેસ્ટ એડિટરના જવાબ:સફળતાનો ક્યારેય પણ શોર્ટકટ હોતો નથી...: મોના થીબા

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રશ્નઃ શું સુંદર જિંદગી જીવવા માટે જીવનસાથી જરૂરી છે? - રીટાબેન નટવરલાલ પરીખ, અમદાવાદ
જવાબઃ સાથી વગરનું જીવન કદાચ સુંદર હોઇ શકે પણ અધૂરું છે. સુખમાં તો સમય વીતી જશે પણ દુ:ખમાં તો એક સાથીની જરૂર પડશે એટલે મારા મત પ્રમાણે તો સાથી હોવો જરૂરી છે.

પ્રશ્નઃ એક વ્યવસાય કરતી માતા તેના નાના બાળક અને વ્યવસાય બંનેને ન્યાય આપી શકે છે? - રક્ષિત હરીશચંદ્ર શાહ, અમદાવાદ
જવાબઃ આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તો નોકરી કરવી જરૂરી છે કારણ કે બાળકના સારા ઉછેર માટે પૈસાની જરૂર પડે છે. બાળકનાં શરૂઆતનાં વર્ષોમાં બાળકનો ઉછેર સારી રીતે થાય એ કાળજી મા-બાપ રાખે એ અત્યંત જરૂરી છે. જો મા અને બાપ બંનેમાંથી કોઈ સંપૂર્ણ સમય બાળકને ન આપી શકે તો જોઇન્ટ ફેમિલીનું મહત્ત્વ સમજાય છે કારણ કે પરિવાર બાળકનું ધ્યાન રાખી શકે. જોકે આ બધું મજબૂરીમાં કરવું પડે છે પણ મારા મત પ્રમાણે તો નાનાં બાળકને પહેલાં ન્યાય આપવો જોઇએ.

પ્રશ્નઃ આપે ગુજરાતી ચલચિત્રમાં આટલી નાની ઉંમરમાં મોટી પ્રસિદ્ધિ મેળવવા માટે તમને પ્રેરણા ક્યાંથી મળી ? આપના પરિવારનો સિંહફાળો કેવો હતો? - અમરીષ ડી. મહેતા, ભાવનગર
જવાબઃ મારા પિતા બાબુભાઇ થીબા હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. આનાં કારણે ઘરમાં ફિલ્મી માહોલ હતો અને હું એમાં રંગાઇ ગઇ હતી. મને ફિલ્મોની દુનિયાનું ખૂબ આકર્ષક હતું અને એક્ટિંગ તેમજ ડાન્સ કરવાનો શોખ પણ હતો. આ શોખને મેં પ્રોફેશન તરીકે પસંદ કર્યો અને મારાં માતાએ મને સપોર્ટ કર્યો. મેં મારી કરિયરમાં અનેક રોલ કર્યા છે પણ મને લાગે છે કે ફેવરિટ રોલ હજી આવવાનો બાકી છે.

પ્રશ્નઃ ગુજરાતી સિનેમા જગતના આપ જાણીતા અભિનેત્રી છો અને આપ નાની વયે ટોચની પ્રગતિ સાધી તો આ બાબતમાં મહિલાઓને અને નવોદિત અભિનેત્રીઓને શું શીખ આપશો અને એને પ્રોત્સાહિત કરશો? - શિવાની મહેતા, અમદાવાદ
જવાબઃ હું મહિલાઓ અને નવોદિત અભિનેત્રીઓને એટલું જ કહીશ કે હાર્ડ વર્ક કર્યા વગર કંઇ મળતું નથી. કામ પ્રત્યે પ્રામાણિક રહો. શોર્ટકટ ક્યારેય નહીં અપનાવાનો પછી ભલે થોડી વાર લાગે. અમારા જીવનનાં ત્રણ મૂલ્ય છે. એક છે સફળતા ન મળે ત્યાં સુધી પ્રયાસ કરો. બીજો છે કામ છે મારી પૂજા છે અને ત્રીજો છે હું કરી શકું એમ છું અને અને હું કરીશ.

પ્રશ્નઃ તમે નાટક કરતા ફિલ્મમાં અભિનય કરવાનું કેમ પસંદ કર્યું? - હંસાબહેન ભરુચા, વિરાર મુંબઇ
જવાબઃ મેં ફિલ્મમાં અભિનય કરવાનું પસંદ કર્યું કારણ કે મને ડાન્સ કરવો બહુ ગમે છે, તૈયાર થવું બહુ ગમે છે. સારા વસ્ત્રો પહેરીને ગીતો શૂટ કરવાનું મને પસંદ છે. અલગ અલગ લોકેશન પર ગીતો શૂટ કરવાનું અને અલગ અલગ પાત્રો કરવાનું બહુ ગમે છે. આ બધાનો આનંદ ફિલ્મોમાં વધારે મળી શકે છે એટલે મેં ફિલ્મોમાં કામ કરવાનું પસંદ કર્યું છે.

પ્રશ્નઃ તમારી દૃષ્ટિએ ગુજરાતી ફિલ્મોનું ભાવિ કેવું છે? - વૃત્તિ વડેરા, વડોદરા
જવાબઃ ગુજરાતી ફિલ્મોમાં ભાવિ ખૂબ ઊજળું છું. ઇન્ડસ્ટ્રી આગળ વધશે અને દરેક પ્રકારનું ઓડિયન્સ ગુજરાતી ફિલ્મો સાથે સંકળાઇ રહ્યું છે અને આ વિકાસથી હું ખુશ છું.

અન્ય સમાચારો પણ છે...