વિરોધ પ્રદર્શન:અમદાવાદમાં સિલ્વર ઑક યુનિવર્સિટીમાં અભ્યાસ ઓનલાઈન કરાવ્યો અને પરીક્ષા ઓફલાઈન લેતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા

અમદાવાદ14 દિવસ પહેલા
યુનિવર્સિટીના નિર્ણયનો વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો
  • વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ સામે ઓનલાઈન પરીક્ષાની માંગ કરી રહ્યાં

રાજ્યમાં માર્ચ 2020માં કોરોનાનું સંક્રમણ વધતાં સ્કૂલો અને કોલેજોમાં ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. હવે દોઢ વર્ષ બાદ કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે. ત્યારે ધોરણ 1થી 12ની ઓફલાઈન સ્કૂલો શરૂ કરવામાં આવી છે. તેવી જ રીતે કોલેજોમાં પણ ઓફલાઈન શિક્ષણ શરૂ થયું છે. આજે ગુજરાત યુનિવર્સિટીમાં તબક્કા વાર વિવિધ વિષયોની ઓફલાઈન પરીક્ષાઓ લેવાની શરૂ કરાઈ છે.પરંતું શહેરમાં આવેલી સિલ્વર ઑક યુનિવર્સિટીમાં અભ્યાસ ઓનલાઈન કરાવી પરીક્ષા ઓફલાઈન લેવામાં આવતા વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું છે.

મોટા ભાગના વિદ્યાર્થી ઓફલાઇન પરીક્ષા આપવા તૈયાર
સિલ્વર ઓક યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ જનક ખાંડવાલાએ જણાવ્યું હતું કે સરકારના નિયમ મુજબ અમે ઓનલાઇન અને ઓફલાઇન અભ્યાસ અને પરીક્ષા લઈ રહ્યાં છીએ. વિદ્યાર્થીઓ માટે પરીક્ષા યોજાય તે મહત્વનું હોય છે.મોટા ભાગના વિદ્યાર્થીઓ ઓફલાઇન પરીક્ષા આપવા તૈયાર છે. સરકારી યુનિવર્સિટીમાં પણ ઓફલાઇન પરીક્ષા યોજાય છે, જેથી અમે તમામ બાબત ધ્યાને રાખીને જ ઓફલાઇન પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે.

યુનિવર્સિટીના નિર્ણયથી વિદ્યાર્થીઓમાં રોષ
શહેરમાં એસ.જી. હાઈવે પર આવેલી સિલ્વર ઑક યુનિવર્સિટીમાં દોઢ વર્ષથી ઓનલાઈન અભ્યાસ ચાલુ હતો. જેમાં ગત વર્ષે બંને સેમેસ્ટરમાં પરીક્ષા ઓનલાઈન લેવામાં આવી હતી. પરંતુ આ વર્ષે એક સેમેસ્ટરમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવવામાં આવ્યાં હતાં. હવે તેમની પરીક્ષા ઓફલાઈન લેવામાં આવી રહી છે. જેથી વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના આ નિર્ણયને લઈને રોષે ભરાયાં છે. વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.

વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કર્યું
વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કર્યું

ઓનલાઈન પરીક્ષા લેવા વિદ્યાર્થીઓની માંગ
સિલ્વર ઑક યુનિવર્સિટીમાં 6 તારીખે લેવાનારી પરીક્ષા નિશ્ચિત છે. બાકીની પરીક્ષાઓ આગામી 13 તારીખે લેવાશે. જેમાં તમામ વિદ્યાર્થીઓ ફરજિયાત પણે ઓફલાઈન પરીક્ષા આપશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયને લઈને વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ સામે ઓનલાઈન પરીક્ષાની માંગ કરી રહ્યાં છે.કોલેજ કેમ્પસ અને કોલેજ બહાર વિદ્યાર્થીઓ સવારથી વિરોધ કરી રહ્યા છે.

આજથી ગુજરાત યુનિવર્સિટીમાં ઓફલાઈન પરીક્ષા શરૂ
દિવાળી વેકેશનમાં પણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ સત્રની એડમિશન પ્રક્રિયા ચાલુ હતી. પરંતુ હવે વેકેશન પૂર્ણ થયું છે અને હવે તબક્કા વાર પરીક્ષાઓ લેવાની શરૂ કરવામાં આવી છે. આજથી યુનિવર્સિટીમાં UGમાં 3 અને 5મા સેમેસ્ટરની તેમજ PGમાં પાંચમા સેમેસ્ટરની ઓફલાઈન પરીક્ષા લેવાની શરૂઆત કરવામાં આવી છે. કોરોનાના કેસો ઘટતાં પ્રથમવાર જ આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એક સાથે ઓફલાઈન પરીક્ષા આપી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...