વિદ્યાર્થીઓ દ્ધારા વિજ્ઞાનના જીવંત પ્રયોગો:પ્રદૂષણથી માંડીને ઉપગ્રહની કાર્યપ્રણાલી સમજાવતા 364 વૈજ્ઞાનિક મોડલ વિદ્યાર્થીઓ રજૂ કરશે

અમદાવાદ25 દિવસ પહેલા
 • કૉપી લિંક

અમદાવાદ શહેરમાં ખાનગી અને સરકારી શાળાઓ વચ્ચે સમન્વય બંધાય અને વિજ્ઞાન પ્રત્યે જાગરૂકતા કેળવાય તે માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્ધારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. આ માટે 2500 જેટલા વિદ્યાર્થીઓ દ્ધારા 28 ફ્રેબ્રુઆરીએ વિજ્ઞાનના જીવંત પ્રયોગોનું નિદર્શન કરાશે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્ધારા પ્રદૂષણ અટકાવવા માટે તથા વિજ્ઞાનને લગતાં વિવિધ પ્રયોગોનું નિદર્શન કરવામાં આવશે. આ ચાર દિવસીય કાર્યક્રમ માટે ટૂંક સમયમાં સ્થળ નક્કી કરવામાં આવશે.

ધો-6થી 8ના વિદ્યાર્થીઓ પ્રયોગોનું પ્રદર્શન કરશે
આ કાર્યક્રમમાં 2500 વિદ્યાર્થીઓ દ્ધારા વિજ્ઞાનના જીવંત પ્રયોગોનું નિદર્શન કરાશે. જેમાં દેશભરમાં વિકટ સમસ્યા બનેલા પ્રદૂષણન મુદ્દા પર પ્રયોગો રજૂ કરાશે. તેમજ ઉદ્યોગો- વાહનોના ધૂમાડા અટકાવવા, ઘરો અને ગટરના દૂષિત પાણી સ્વચ્છ કરી નદી- તળાવમાં વહેવડાવવા સહિતના 364 જેટલાં અનેકવિધ પ્રયોગો રજૂ કરાશે. મ્યુનિસિપલ શાળાના ધો. 6થી 8ના વિદ્યાર્થીઓ દ્ધારા આ પ્રયોગો કરવામાં આવશે. તેના માટેના સાધનો મ્યુનિ. શાળાઓને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્ધારા પહોંચાડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.

કાર્યક્રમમાં 300 શાળાના 60 હજાર વિદ્યાર્થીઓ ભાગ લેશે
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધિકારી ડૉ. લગધીર દેસાઇએ જણાવ્યું હતું કે, વિજ્ઞાનના પ્રયોગોના નિર્દેશન કાર્યક્રમ માટેના સ્થળ અંગે વિચારણાં ચાલી રહી છે. જેમાં પાલડી સ્થિત સ્કાઉટ ભવન, સરદાર પટેલ સ્ટેડિયમ અથવા નરોડા મેમ્કો સ્થિત સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં યોજવાની ગણતરી છે. આ કાર્યક્રમ ચાર દિવસ ચાલશે. જેમાં 300 શાળાના 60 હજાર વિદ્યાર્થીઓ ભાગ લેશે.

ખાનગી શાળાના વિદ્યાર્થીઓને પણ આમંત્રણ
શાળા તથા વોર્ડ તેમ જ શહેર કક્ષાએ સ્પર્ધા યોજીને જે વિદ્યાર્થીઓની કૃતિઓ શ્રેષ્ઠ હશે તેવા 364 વિજ્ઞાન મોડલ રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમ દરેક લોકો માટે ખુલ્લો રહેશે. ખાનગી શાળાના વિદ્યાર્થીઓને મુલાકાત લેવા માટે સર્ક્યુલર આપવામાં આવશે. કાર્યક્રમ પૂર્ણ થઇ ગયા બાદ સ્કૂલ બસોમાં આ મોડલ શિક્ષકો લઇને દરેક શાળામાં જઇને તેનું નિદર્શન કરશે. તેના માટે તેમને પણ તાલીમ આપવામાં આવશે.

કેવા હશે રજૂ થનારા વિજ્ઞાન પ્રયોગો?

 • મનુષ્ય હૃદયઃ મનુષ્ય હૃદયનું 3D મોડલ રજૂ કરી વિદ્યાર્થીઓ દ્ધારા હૃદય કેવી કાર્ય કરે છે તેની રજૂઆત કરવામાં આવશે.
 • વરસાદી પાણીનો સંગ્રહઃ વરસાદી પાણીને ભૂગર્ભમાં કેવી રીતે સંગ્રહ કરાય તે માટેનું રેઇન વૉટર હાર્વેસ્ટિંગ મોડલ વિદ્યાર્થીઓ દ્રારા રજૂ કરવામાં આવશે.
 • ઉપગ્રહની કાર્યપ્રણાલીઃ કૃત્રિમ ઉપગ્રહની નાની પ્રતિકૃતિ દ્ધારા તે કેવી રીતે કામ કરે છે અને તેના વિવિધ ઉપયોગોનું મોડેલ વિદ્યાર્થીઓ રજૂ કરશે.
 • પેરિસ્કોપઃ સબમરિનમાં ઉપયોગમાં લેવામાં આવતી પેરિસ્કોપની કામગીરીનું મોડલ વિદ્યાર્થીઓ રજૂ કરશે.
 • પ્રકાશના પરાવર્તનના પ્રયોગોઃ અરીસાના ઉપયોગથી વિદ્યાર્થીઓ પ્રકાશના પરાવર્તનના પ્રયોગો રજૂ કરશે.
 • પાચનતંત્રઃ શરીરમાં ખોરાકનું પાચન કેવી રીતે થાય છે તેનું મોડલ વિદ્યાર્થીઓ રજૂ કરશે.
 • શ્વસનતંત્રઃ શરીરમાં શ્વસનતંત્ર કેવી રીતે કામ કરે છે તેનું કાર્યાન્વિત મોડલ વિદ્યાર્થીઓ રજૂ કરશે.
 • કંકાલતંત્રઃ વિદ્યાર્થીઓ શરીરના કંકાલતંત્રની સમજૂતી રજૂ કરશે.
 • માઇક્રોસ્કોપથી ગાલ અને ડુંગળીના કોષનું નિર્દશનઃ વિદ્યાર્થીઓ ડુંગળી અને મનુષ્યના ગાલના કોષ લઇને તેની સ્લાઇડ બનાવી સજીવ કોષ અને વનસ્પતિ કોષની સમજૂતી આપશે.
 • ચુંબકના પ્રયોગોઃ ચુંબકના આકર્ષણ અને અપાકર્ષણન ઉપયોગથી સ્થિર વિદ્યુત બળ, ચુંબકીય બળ રેખાઓ, બુલેટ ટ્રેનનું મોડલ વગેરે જેવા પ્રયોગો રજૂ કરશે.
 • ખોરાકના ઘટકોની ઓળખઃ વિવિધ રસાયણોની મદદથી ખોરાકમાં કયા કયા ઘટકો આવેલા છે તેની ચકાસણી કરીને ખોરાકના ઘટકોની ઓળખ દર્શાવતાં મોડલ રજૂ કરશે.
 • એસિડ બેઇઝનું તટસ્થીકરણઃ ઘરેલું સામગ્રી જેવી કે લીંબુ રસ, સાબુ, હળદરની મદદથી એસિડ બેઇઝનું તટસ્થીકરણ દર્શાવતાં પ્રયોગો વિદ્યાર્થીઓ રજૂ કરશે.
 • ઓક્સિજન, કાર્બનડાયોકસાઇડની હાજરી દર્શાવતાં પ્રયોગોઃ હવામાં ઓક્સિજન, કાર્બન ડાયોકસાઇડ જેવા વાયુઓની હાજરીની ચકાસણી કરતાં પ્રયોગો વિદ્યાર્થીઓ દર્શાવશે.
 • ઉચ્છ્વાસની ચુનાના પાણી પર અસરઃ ઉચ્છવાસમાં રહેલાં કાર્બન ડાયોકસાઇડની ચૂનાના પાણી પર જે અસર થાય છે, તે દર્શાવતાં પ્રયાગો દર્શાવશે.
અન્ય સમાચારો પણ છે...