ગુજરાત શિક્ષણ બોર્ડનો નિર્ણય:ધોરણ-12ના પરિણામથી અસંતુષ્ટ હોય તેવા તમામ પ્રવાહના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે, માર્કશીટ 15 દિવસમાં જમા કરાવવી પડશે

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ અલગથી પરીક્ષા યોજશે
  • હવે પછી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે

ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ધો. 12ના તમામ પ્રવાહના વિદ્યાર્થીઓ સરકારના આપેલા પરિણામથી અસંતુષ્ટ હોય તો પરિણામ ગાંધીનગર જમા કરાવીને ફરી પરીક્ષા આપી શકશે. તેમના માટે અલગ પરીક્ષા યોજાશે.

શિક્ષણ બોર્ડની ગાંધીનગર સ્થિત કચેરીએ પરિણામ જમા કરાવવું પડશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ રીલિઝ કરેલી અખબારી યાદીમાં જણાવ્યું કે, ધોરણ 12ના તમામ પ્રવાહના નિયમિત ઉમેદવાર માટે સરકાર દ્વારા ગુણાંકન પદ્ધતિ અનુસાર પરિણામ તૈયાર કરવામાં આવશે. આ પરિણામ પ્રસિદ્ધ થયા બાદ કોઈ વિદ્યાર્થીને પરિણામથી અંસતોષ હોય તો તેવા વિદ્યાર્થી પરિણામ પ્રસિદ્ધ થયાના 15 દિવસમાં પોતાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની કચેરીમાં જમા કરાવવાનું રહેશે. આવા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ દ્વારા અલગથી પરીક્ષા યોજવામાં આવશે. આ અંગેનો કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે.

માર્કશીટ તૈયાર કરવાની ફોર્મ્યુલા
તાજેતરમાં ગુજરાત શિક્ષણ બોર્ડે ધો.12ના પરિણામની માર્કશીટનું માળખુ જાહેર કર્યું છે. આ ફોર્મ્યુલા પ્રમાણે ધો.10ના પરિણામના 50 માર્ક્સ, ધો.11ના પરિણામના 25 માર્ક્સ તેમજ ધો.12ની સામયિક અને એકમ કસોટીના 25 ગુણ ધ્યાનમાં લેવાશે. જુલાઇના બીજા અઠવાડિયામાં માર્કશીટ મળી જશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ધો. 12 સાયન્સના 1.40 લાખ અને 5.43 લાખ સામાન્ય પ્રવાહના મળીને કુલ 6.83 લાખ વિદ્યાર્થીની પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો હતો.

ધો.12ના પરિણામ માટે વિષય મુજબ બોર્ડની ગાઈડલાઈન
આ પહેલા શનિવાર(19 જૂન)ના રોજ ગુજરાત બોર્ડે વિદ્યાર્થીઓની સરળતા માટે માધ્યમ પ્રમાણેના વિષયો અને તેની સાથે ધો.10ના કયા વિષયને જોડવામાં આવશે તેની સંપૂર્ણ યાદી આ સાથે જાહેર કરી છે. જેમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહના 20 વિષયો, સામાન્ય પ્રવાહના 29 વિષયો ધો.10ના કયા વિષયોને આધાર તરીકે લેવા તેની સંપૂર્ણ સ્પષ્ટતા પરિપત્રમાં કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાની પરિસ્થિતિને કારણે રાજ્ય સરકારે ધોરણ 10 ઉપરાંત ધોરણ 12માં પણ માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી.

કેમિસ્ટ્રી-ફિઝિક્સ માટે ધો.10ના ગણિત અને વિજ્ઞાનના માર્ક ગણતરીમાં લેવાશે

  • ધો.12 વિજ્ઞાન પ્રવાહના ગ્રૂપ -એ ના વિદ્યાર્થીઓને ગણિત વિષય સામે ધો.10માં ગણિતના વિષયમાં મેળવેલા ગુણ ધ્યાને લેવાશે
  • ધો.12 વિજ્ઞાન પ્રવાહના ગ્રૂપ-બીના વિદ્યાર્થીઓને જીવ વિજ્ઞાનના ગુણ ધો.10ના વિજ્ઞાન વિષયમાં મેળવેલા ગુણને ધ્યાને લેવાશે.
  • ધો.12 વિજ્ઞાન પ્રવાહના ગ્રૂપ - એબીના વિદ્યાર્થીઓને ગણિતના ગુણ માટે ધો.10ના ગણિતના ગુણ ધ્યાને લેવાશે. જ્યારે જીવ વિજ્ઞાનના ગુણ ધો.10ના વિજ્ઞાનના ગુણ ધ્યાને લેવાશે.
  • ધો.12 રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન માટેના ગુણ માટે ધો.10ના ગણિત અને વિજ્ઞાનના સરેરાશ ગુણને ધ્યાને લેવાશે.
  • ધો.12 સામાન્ય પ્રવાહમાં પ્રથમ ભાષા અને દ્વિતીય ભાષાના ગુણને ધો.10ની પ્રથમ ભાષા અને દ્વિતીય ભાષાના ગુણને ધ્યાને લેવાશે.

પ્રેક્ટિકલના માર્ક માટે આ ફોર્મ્યુલા
ધો.12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાના ગુણમાં વિદ્યાર્થીએ ધો.11 અને 12ના વર્ષ દરમિયાન કરેલી પ્રવૃત્તિ ધ્યાને લેવાશે. બોર્ડના પરિપત્ર પ્રમાણે રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનની પ્રાયોગિક પરીક્ષાના ગુણ માટે વિદ્યાર્થીએ ધો.11 અને 12માં વર્ષ દરમિયાન કરેલી પ્રાયોગિક પ્રવૃત્તિને આધારે ગુણ આપવાના રહેશે.

અંગ્રેજીના માર્ક વિદ્યાર્થીએ ધો.10માં મેળવેલા ઈંગ્લિશના માર્ક મુજબ મુકાશે
ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં અંગ્રેજી (પ્રથમ ભાષા) અને અંગ્રેજી દ્વિતીય ભાષાના ગુણ માટે ધો.10માં વિદ્યાર્થીએ અંગ્રેજી (પ્રથમ ભાષા) અને અંગ્રેજી (દ્વિતીય ભાષા)ના ગુણને ગણતરીમાં લેવાશે. ઉપરાંત કોઇ એક દ્વિતીય ભાષા અથવા કમ્પ્યૂટર વિષયના ગુણ માટે ધો.10મા વિદ્યાર્થીએ પસંદ કરેલ દ્વિતિય ભાષા અથવા તૃતિય ભાષામાં મેળવેલા ગુણને ગણતરીમાં લેવાશે.

ધો.10-12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા 15 જુલાઈથી
19મી જૂને શિક્ષણ બોર્ડે ગુજરાતના ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા 15 જુલાઈથી યોજવાનો નિર્ણય કર્યો છે. આ પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ. પટેલે જણાવ્યું હતું કે રાજ્યની હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈ બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.