GTUમાં 2022નો યુવક મહોત્સવ:સંગીત,નાટક, નૃત્ય,સાહિત્ય અને ફાઈન આર્ટ્સની કુલ 32 સ્પર્ધામાં વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વિદ્યાર્થીઓમાં વિવિધ લલિતકળાઓ પ્રત્યે રૂચી કેળવાય અને દેશના કલા વારસાથી અવગત થાય તે અર્થે , ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના સ્પોર્ટ્સ અને કલ્ચર વિભાગ દ્વારા દર વર્ષે યુવક મહોત્સવ - ક્ષિતિજનું આયોજન કરવામાં આવે છે. આઝાદી કા અમૃત મહોત્સવની થીમ આધારીત વર્ષ 2022નો 10મો યુવક મહોત્સવ જીટીયુ દ્વારા વિવિધ 5 ઝોન ખાતે યોજવામાં આવશે.

વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે જીટીયુ હરહંમેશ કાર્યરત રહે છે
જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે જીટીયુ હરહંમેશ કાર્યરત રહે છે. માત્ર ટેક્નિકલ શિક્ષણ ક્ષેત્રે જ નહીં પરંતુ વિવિધ લલિતકળાઓમાં પણ જીટીયુના વિદ્યાર્થીઓને સ્ટેજ પૂરું પાડવા માટે યુવક મહોત્સવ - ક્ષિતિજ શ્રેષ્ઠ માધ્યમ છે.જીટીયુના વિદ્યાર્થીઓએ અગાઉના વર્ષોમાં પણ રાષ્ટ્રીય કક્ષાએ એઆઈયુ આયોજીત યુવક મહોત્સવમાં પણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને રાજ્યનું નામ રોશન કરેલ છે. યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના પૂર્વ નિયામક અને જીટીયુ કલ્ચરલ બોર્ડના સભ્ય મનોજ શુક્લના માર્ગદર્શન હેઠળ વર્ષ - 2022નો યુવક મહોત્સવ યોજવામાં આવશે.

યુવક મહોત્સવ જીટીયુના વિવિધ 5 ઝોન ખાતે યોજવામાં આવશે
સંગીત,નાટક,નૃત્ય,સાહિત્ય અને ફાઈન આર્ટ્સની કુલ 32 સ્પર્ધામાં વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. જેમાં સંગીતમાં કંઠ્ય અને વાદ્ય સંગીત, સમૂહગીત, નૃત્યમાં લોક નૃત્ય અને શાસ્ત્રીય નૃત્ય,સાહિત્યમાં વકૃત્વ સ્પર્ધા,ડિબેટ,ક્વિઝ,નાટકમાં એકાંકી,લધુનાટીકા,માઈમ અને ફાઈન આર્ટ્સમાં કોલાજ,ચિત્ર,રંગોળી,મહેંદી જેવી 27 સ્પર્ધાઓ યોજાશે. આ ઉપરાંત પ્રાદેશિક સંસ્કૃતિ અને કલા વારસાને પણ યોગ્ય સ્થાન આપતાં જીટીયુ દ્વારા 5 બિન એ.આઈ.યુ સ્પર્ધા જેવી કે ભજન, દુહા-છંદ,પાદ પૂર્તિ, કાવ્ય પઠન અને ટેક્નોલોજી સંદર્ભે એડ મેકિંગ જેવી કુલ 32 સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. આગામી તારીખ 14 થી 25 સપ્ટેમ્બર સુધી ત્રિ-દિવસીય યુવક મહોત્સવ જીટીયુના વિવિધ 5 ઝોન ખાતે યોજવામાં આવશે. જેમાં અમદાવાદ અને ગાંધીનગર સયુંક્ત ઝોનની સ્પર્ધા 23 થી 25 સપ્ટેમ્બરના રોજ સાલ કોલેજ ખાતે યોજાશે.

5 ઝોન ખાતે ઓબ્ઝર્વરની પણ નિમણૂક કરવામાં આવી
વિદ્યાનગર ઝોનની સ્પર્ધા 15 થી 17 સપ્ટેમ્બર એસ.વી.આઈ.ટી. કોલેજ વાસદ ખાતે , રાજકોટ ઝોનની સ્પર્ધા 15 થી 17 સપ્ટેમ્બર લાભુભાઈ કોલેજ રાજકોટ ખાતે સુરત ઝોનની સ્પર્ધા 14 થી 16 સપ્ટેમ્બરના રોજ એસ.એન.પટેલ કોલેજ ઉમરખ ખાતે અને ડિપ્લોમા આંતર ઝોનની સ્પર્ધા ડિ.એ. ડિપ્લોમા અન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજી મહેમદાવાદ ખાતે તારીખ 14 થી 16 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. યુવક મહોત્સવ દરમિયાન દરેક સ્પર્ધાનું યોગ્ય મૂલ્યાંકન કરતાં તજજ્ઞો ઉપરાંત આ વર્ષે જીટીયુ દ્વારા 5 ઝોન ખાતે ઓબ્ઝર્વરની પણ નિમણૂક કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...