સ્માર્ટસિટી અમદાવાદમાં અનેક વિકાસકાર્યો થઈ રહ્યાં હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ એનો સામાન્ય જનતાને કેટલો લાભ મળે છે. એનો ઉત્તમ નમૂનો છે અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલો GST અંડરબ્રિજ. તંત્રની અણઆવડત અને ઢીલી નીતિને કારણે હજુ અંડરબ્રિજ પૂરો બન્યો નથી. આ બ્રિજ બંધ કરવામાં આવ્યો હોવાથી દરરોજ બાળકો સહિત 3 હજારથી વધુ લોકો હોસ્પિટલ, મંદિર, સ્કૂલ, શાકભાજી લેવા માટે ન્યૂ રાણીપથી રાણીપ જવા માટે જીવ જોખમમાં મૂકે છે. ત્યારે તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે?
રેલવેટ્રેક ક્રોસ કરવામાં અકસ્માતનો ભય
રાણીપ અને ન્યૂ રાણીપને જોડતા GST ફાટકને 4 વર્ષ પહેલાં બલોલનગર પાસે ઓવરબ્રિજ બનાવતાં બંધ કરવામાં આવ્યો હતો. બલોલનગર ઓવરબ્રિજ ખૂબ વળાંક અને ઢાળવાળો હોવાથી બાળકો અને મહિલાઓ સહિત ચાલતા જતા લોકો માટે એ ગાંઠિયા સમાન બની રહ્યો છે. એેને કારણે 4 વર્ષ પહેલાં સ્થાનિકોએ GST ફાટક પાસે અંડરબ્રિજ બનાવવાની માગ કરી હતી અને ઉગ્ર વિરોધ બાદ અહીં 3 વર્ષથી અંડરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે, પરંતુ 3 વર્ષ છતાં કામ પૂરું નથી થયું. એને કારણે બાળકો મહિલાઓ અને ચાલતા જતા લોકોએ રેલવેના પાટા ક્રોસ કરીને ન્યૂ રાણીપથી રાણીપ જાય છે, જેમાં અકસ્માતનો ભય રહેલો છે.
કેટલાક વિદ્યાર્થી તો સાઇકલ ખભે લઈ રેલવેટ્રેક ક્રોસ કરે છે
ચૂંટણી સમયે રાજકીય પક્ષોએ સ્માર્ટ સ્કૂલ અને સ્માર્ટ કલાસની વાતો બહુ કરી, પણ હકકીત એકદમ વિપરીત છે. શહેરની સાબરમતી વિધાનસભા સીટમાં આવેલો રાણીપ વિસ્તાર એની પ્રતીતિ કરાવે છે. મોટા ભાગની સ્કૂલો રાણીપમાં આવેલી હોવાથી ન્યૂ રાણીપમાં રહેતાં બાળકોને અભ્યાસ માટે રાણીપ જવું પડે અને એના માટે રેલવેના પાટા ક્રોસ કરવા પડે છે, પરંતુ રેલવેના પાટા ક્રોસ કરવા સાત સમુંદર પાર કરવા સમાન છે. ધોરણ 1ના વિદ્યાર્થીથી લઈ ધોરણ 12ના વિદ્યાર્થીઓ મોત માથે લઈને પાટા ક્રોસ કરે છે. તો કેટલાક વિદ્યાર્થીઓ તો સાઇકલ ખભે લઈને રેલવેના પાટા ક્રોસ કરે છે. બીજી બાજુ, આ રેલવેલાઇન અમદાવાદ સૌરાષ્ટ્રને જોડતી લાઇન હોવાથી અંદાજિત દર 10 મિનિટે એક ટ્રેન આવે છે, જેથી અનેક અકસ્માતના બનાવ પણ બન્યા છે. આમ, સ્માર્ટ સ્કૂલ અને સ્માર્ટ કલાસની વાતો સરકાર ભલે કરતી, પણ વિદ્યાર્થીઓને સ્કૂલે જવાના રસ્તા સ્માર્ટ નથી.
100થી વધુ ટ્રેન પસાર થાય છે ત્યાંથી ટ્રેક ક્રોસ કરવો પડે છે
ન્યૂ રાણીપમાં 100થી વધારે સોસાયટી અને 1 લાખથી વધારે લોકો રહે છે. ત્યારે શાકભાજી લેવા માટે મહિલાઓને કે પછી બગીચામાં કે મંદિર જવા માટે સિનિયર સિટિઝનોને ન્યૂ રાણીપથી રાણીપ જવું પડે છે, જેના માટે બલોલનગર પાસે બ્રિજ પરથી જાય તો ફરીને જવું પડે છે, સાથે સાથે બ્રિજ ઢાળવાળો હોવાથી ચાલતા જતા લોકો અને સિનિયર સિટિઝન માટે ખૂબ જ મુસીબત સમાન છે. એને લઈને મહિલાઓ અને સિનિયર સિટિઝન આ તામામ લોકો GST અંડરબ્રિજથી જવાનું પસંદ કરે છે, પરંતુ 3 વર્ષ થવા છતાં આ બ્રિજનું કામ પૂર્ણ ના થતાં દર 10 મિનિટે જ્યાંથી એક ટ્રેન પસાર થાય છે એવા વ્યસ્ત રેલવેટ્રેક ક્રોસ કરીને રાણીપથી ન્યૂ રાણીપ જાય છે.
‘બલોલનગરબ્રિજ દૂર હોવાથી બાળકો માટે ત્યાં જવું મુશ્કેલ’
આ અંગે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ગુજરાત વાલી એકતા મંડળના કન્વીનર ગણપત કલાલે કહ્યું હતું કે હું 15 વર્ષથી ન્યૂ રાણીપમાં રહું છું. બલોલનગરનો બ્રિજ બનતાં GST ફાટક બંધ કરવામાં આવ્યો હતો. બલોલનાગરબ્રિજની ડિઝાઇનમાં ખામી હોવાથી અને દૂર હોવાથી બાળકો ત્યાંથી જઈ શકતાં નથી. બાળકોને જલદી સ્કૂલે જવા માટે GST ફાટકના રેલવે પાટા ક્રોસ કરવા પડે નહિ એ માટે 4 વર્ષ પહેલાં ઉગ્ર વિરોધ કરીને જ્યાં GST ફાટક હતું ત્યાં અંડરબ્રિજ બનાવવા માટે માગ કરાઈ હતી, પરંતુ ઘણાં વર્ષોથી અંડરબ્રિજનું કામ ધીમી ગતિએ ચાલે છે, જેથી 15 જેટલી સ્કૂલનાં બાળકો રેલવેના પાટા ઓળંગીને ન્યૂ રાણીપથી રાણીપ જાય છે. અમે ગુજરાત વાલીમંડળ તરીકે રજૂઆત કરીશું. થોડા સમય પહેલાં આ જ રીતે સ્કૂલે જવા માટે GST પાસે રેલવેના પાટા ક્રોસ કરતાં બે બાળકોનાં મોત થયાં છે. આમ, તમામ સુવિધાઓ, જેવી કે દવાખાનાં, સ્કૂલ, મંદિર, પાર્ક બધે જ જવા માટે આ અંડરબ્રિજ બને એ જરૂરી છે, પરંતુ અંડરબ્રિજનું કામ ત્રણ વર્ષથી અટવાઈ પડ્યું છે.
‘ચોમાસામાં તળાવ બની જાય છે અંડરબ્રિજ’
ન્યૂ રાણીપ વિસ્તારમાં રહેતા રિતેશ પટેલે કહ્યું હતું કે મારો છોકરો આઠમા ધોરણમાં રાણીપમાં આવેલી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણે છે, જ્યાં જવા માટે રેલવેના પાટા સાઇકલ સાથે કૂદવા પડે છે, ઘણીવાર વાલી તરીકે અમને અકસ્માત થવાની બીક રહે છે. બીજી બાજુ, ચાર વર્ષથી અંડરબ્રિજ બની રહ્યો છે, પરંતુ બનતો નથી. ચોમાસામાં આ અંડરબ્રિજ તળાવ સામાન બને છે. ખાસ બાળકો અને મહિલાઓ માટે અંડરબ્રિજ જરૂરી છે. બાળકોને સ્કૂલ જવા અને મહિલાઓને શાકભાજી લેવા જવા માટે GST અંડરબ્રિજ મુખ્ય માર્ગ છે. બીજી બાજુ, બલોલનગર ઓવરબ્રિજ એક જ છે અને સિટીમાં જવા માટેનાં વાહનો આ બ્રિજ પરથી પસાર થાય છે, જેથી બાળકોને અકસ્માતનો ભય રહે છે. એની સાથે સાથે ઓવરબ્રિજ ઊંચો હોવાના કારણે બાળકોને ચડવામાં પણ વધારે સમય જાય છે, એને કારણે ચાલતા જતા લોકો અને બાળકો GST પાસેથી રેલવેના પાટા ક્રોસ કરવા મજબૂર બને છે.
‘અંડરબ્રિજ બંધ છે અને કચરો ભરાયો છે’
ધોરણ 8માં ભણતી વિદ્યાર્થિની જાનવી પ્રજાપતિએ કહ્યું હતું કે અમારે રેલવેના પાટા ઓળગીને સ્કૂલે જવું પડે છે. કોઈવાર ટ્રેન નજીક આવે ત્યારે અમને ડર પણ લાગે છે. પાટા ક્રોસ કરતી વખતે કપચી હોવાને કારણે પડી જવાનો કે લાગવાનો ભય પણ રહે છે. આટલા દિવસથી અંડરબ્રિજ બંધ છે તો એને ચાલુ કરાય એ જરૂરી છે. જ્યારે સ્વામિનારાયણ સ્કૂલમાં 8માં ધોરણમાં ભણતા અર્થવ પટેલે કહ્યું હતું કે હું ન્યૂ રાણીપમાં રહું છું. મારે સ્કૂલે જવા માટે રેલવેના પાટા ક્રોસ કરીને જવું પડે છે, કારણ કે અંડરબ્રિજ બંધ છે અને એમાં કચરો ભરાયેલો છે.
ધારાસભ્ય જવાબ આપવા તૈયાર નથી
આ અંગે સાબરમતીના ધારાસભ્ય હર્ષદ પટેલને દિવ્ય ભાસ્કરે પૂછ્યું કે GST અંડરબ્રિજનું કામ કેમ ધીમી ગતિએ ચાલી રહ્યું છે? તો તેમણે જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો. આમ, જો લોકોને પડતી મુશ્કેલીઓનો ધારાસભ્ય જવાબ નહીં આપે તો કોણ આપશે?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.