અમદાવાદની આર સી ટેક્નિકલ કોલેજમાં અભ્યાસ કરતા પ્રિન્સ નામના વિદ્યાર્થીને એક યુવતી સાથે મિત્રતા હતી, જે સાગર નામના યુવકને ગમતું નહોતું. જેથી તેણે અગાઉ પ્રિન્સને ધમકી પણ આપી હતી. જ્યારે ગઈકાલે પ્રિન્સ કોલેજની બહાર હતો ત્યારે સાગરે પ્રિન્સને છરીના ઘા માર્યા હતા. જેથી પ્રિન્સને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન આજે પ્રિન્સનું મોત થયું છે. સમગ્ર મામલે સોલા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
15 દિવસ અગાઉ છરી બતાવીને લાફો માર્યો હતો
મૃતક વિદ્યાર્થી પ્રિન્સને તમન્ના (ઓળખ છુપાવવા નામ બદલેલું છે) વિદ્યાર્થિની સાથે મિત્રતા હતી. તમન્નાને સાગર પટેલ નામના યુવક સાથે પણ મિત્રતા હતી. સાગરને તે ગમતું નહોતું જેથી 15 દિવસ અગાઉ પણ સાગર અને તેના મિત્રોએ પ્રિન્સને ધમકાવ્યો હતો અને છરી બતાવીને લાફો માર્યો હતો. જો કે, તે સમયે પ્રિન્સે ખાસ ધ્યાન ન આપ્યું ત્યારે ગઇકાલે સાગરે પ્રિન્સને છરી પેટમાં મારી ગંભીર ઇજા પહોંચાડી હતી.
રજા હોવા છતાં પ્રિન્સને કોલેજ બોલાવ્યો
મૃતક પ્રિન્સ ડિપ્લોમા મિકેનિકલના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો જેની અત્યારે GTUની પરીક્ષા પણ ચાલી રહી હતી. જ્યારે તમન્ના સિલ્વર ઓક યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહી હતી. ગઈકાલે રજા હોવા છતાં પ્રિન્સને કોલેજ બોલાવ્યો હતો. પ્રિન્સ છેલ્લા 3 દિવસથી કોલેજ આવતો નહોતો. પરંતુ કાલે તે કોલેજ આવ્યો અને તેની હત્યા થઈ છે.
યુવકને જાનથી મારી નાખવાની ધમકી
બારેજામાં રહેતા બિપીનભાઈ ભાઈલાલભાઈ પટેલ ખાનગી કંપનીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાત ચલાવે છે. જેમાંનો મોટો પુત્ર પ્રિન્સ સોલામાં આવેલી આર.સી. ટેક્નિકલ કોલેજમાં ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. પ્રિન્સ સાથે તમન્ના નામની યુવતી પણ અભ્યાસ કરે છે. આથી બંને એકબીજા સાથે અભ્યાસની અવારનવાર વાતચીત કરતાં હોય છે. પરંતુ વસ્ત્રાલમાં રહેતા સાગર યતીનભાઈ પટેલને આ બંને વચ્ચેની મિત્રતા પસંદ ન હતી. જેથી થોડા દિવસ પહેલાં સાગરે પ્રિન્સને કહ્યું હતું કે, તું તમન્નાથી દૂર રહેજે નહીં તો જાનથી મારી નાંખીશ.
છરી વડે હુમલો કરતા પેટમાં ગંભીર ઇજા
આ સમગ્ર બનાવની જાણ પ્રિન્સે પરિવારજનોને કરી હતી પરંતુ પરિવારજનોએ સામાન્ય વાત સમજીને કોઈ કાર્યવાહી કરી ન હતી. પ્રિન્સ જ્યારે કોલેજ આવ્યો હતો, ત્યારે સાગરે તમન્ના સાથે કેમ વાતચીત કરે છે તેમ કહીને ઝઘડો કર્યો હતો. બાદમાં સાગરે છરી વડે પ્રિન્સ પર હુમલો કરતા પેટમાં ગંભીર ઇજા પહોંચી હતી. આથી પ્રિન્સને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
હત્યા બાદ આરોપી સાગર ફરાર
આ અંગે બિપીનભાઈએ સોલા પોલીસ સ્ટેશનમાં સાગર પટેલ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાવ્યો હતો. જોકે, પ્રિન્સની સારવાર ચાલી રહી હતી, તે દરમિયાન આજે પ્રિન્સનું મોત થયું છે. જે મામલે સોલા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે. જો કે, હજુ સુધી હત્યા કરનાર આરોપી સાગર ફરાર છે જેની શોધખોળ ચાલી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.