બેસ્ટ ઓફ ટૂની નવી પદ્ધતિ:પરિણામથી સંતુષ્ટ નહીં હોય તો ગુજરાત યુનિ.ના વિદ્યાર્થી એકથી વધુવાર પરીક્ષા આપી શકશે, જેમાં વધુ માર્ક્સ હશે તે માન્ય ગણાશે

અમદાવાદ6 દિવસ પહેલાલેખક: આનંદ મોદી
  • ચાલુ શૈક્ષણિક વર્ષમાં સિલેક્ટેડ વિષયમાં બેસ્ટ ઓફ ટૂની પદ્ધતિ લાગુ થશે
  • આવતા વર્ષથી લગભગ બધા કોર્સમાં આ પદ્ધતિ લાગુ થઈ જશે

ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓન ડીમાન્ડ પરીક્ષાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત હવે પરીક્ષાના પરિણામથી સંતુષ્ટ ના હોય તેવા વિદ્યાર્થીઓને પણ બીજી પરીક્ષા આપવાનો વિકલ્પ આપીને પરિણામ સુધારવાની તક આપવામાં આવશે. વિદ્યાર્થીએ ઈચ્છે ત્યાં સુધી પરીક્ષા આપી શકશે અને સારું પરિણામ મેળવી શકશે.

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું કે, વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ ટૂ આપવામાં આવશે, જેમાં અત્યારે વિદ્યાર્થી પરીક્ષા આપે છે એમાં એને 40 માર્ક્સ આવે છે અને બે ત્રણ દિવસ પછી ફરી તૈયારી કરીને ફરી પરીક્ષા આપે ત્યારે 50 માર્ક્સ આવે તો તેને ધ્યાનમાં લેવામાં આવશે. આ આખી વસ્તુ યોગ્ય સત્તા મંડળની મંજૂરી સાથે યુનિવર્સિટી ખાતે ચાલુ શૈક્ષણિક વર્ષમાં સિલેક્ટેડ વિષયમાં અને આવતા વર્ષથી લગભગ બધા કોર્સમાં આ પદ્ધતિ લાગુ થઈ જશે.

પરીક્ષા પુરી થતા જ રિઝલ્ટ સામે દેખાશે
કુલપતિ હિમાંશુ પંડ્યાએ આ આખી પદ્ધતિ સમજાવતા જણાવ્યું કે, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન(UGC) દ્વારા યુનિવર્સિટીને એવી તાકીદ કરવામાં આવેલી છે કે, જે એન્યુઅલ પેટર્ન પરીક્ષા ચાલે છે, જેનાથી ફક્ત ત્રણ કલાકમાં વિદ્યાર્થીના પર્ફોર્મન્સ પરથી તેનું પરિણામ નક્કી થાય છે. આ સંદર્ભમાં સતત મૂલ્યાંકન અને બીજા ઓપ્શનલ સ્ટેપ્સ લેવાના સૂચનો કરવામાં આવ્યા હતા. જેથી ગુજરાત યુનિવર્સિટીએ ચાલુ શૈક્ષણિક વર્ષથી વિદ્યાર્થીને સતત મૂલ્યાંકનની સાથે સાથે ઓનલાઈન ઓન ડિમાન્ડ એક્ઝામ આપવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. આમા વિદ્યાર્થી જ્યારે ઈચ્છે ત્યારે પોતાના સ્થળેથી બેસીને પરીક્ષા આપી શકે અને જેવી પરીક્ષા પુરી થાય તે સાથે જ તેનું રિઝલ્ટ સામે દેખાય.

વિદ્યાર્થી લોગિન થશે ત્યારે એક નવું પેપર જનરેટ થશે
‘આ વ્યવસ્થા માટે યુનિવર્સિટીએ એક પ્રશ્ન બેંક તૈયાર કરવાની થાય, આ પ્રશ્ન બેંકને યુનિવર્સિટી પોતાની વેબસાઈટ પર અથવા તો સબ્જેક્ટના પોર્ટલ પર અગાઉથી જ ડિસ્પ્લે કરવામાં આવશે. આમાંથી વિદ્યાર્થી જ્યારે લોગિન થાય ત્યારે એની સામે એક નવું પેપર જનરેટ થાય અને એ પેપરના આધારે વિદ્યાર્થી પોતાનું પરિણામ નક્કી કરી શકે. બેસ્ટ ઓફ ટૂ આપવામાં આવશે, જેમાં અત્યારે વિદ્યાર્થી પરીક્ષા આપે છે એમાં એને 40 માર્ક્સ આવે છે અને બે ત્રણ દિવસ પછી ફરી તૈયાર કરે છે અને ફરી પરીક્ષા આપે ત્યારે 50 માર્ક્સ આવે તો તેને માન્ય ગણવામાં આવશે. આ આખી વસ્તુ યોગ્ય સત્તા મંડળની મંજૂરી સાથે યુનિવર્સિટી ખાતે ચાલુ શૈક્ષણિક વર્ષમાં સિલેક્ટેડ વિષયમાં અને આવતા વર્ષથી લગભગ બધા કોર્સમાં આ પદ્ધતિ લાગુ થઈ જશે’

અડધી રાતે પણ પરીક્ષા આપી શકાશે
હવે UGના વિદ્યાર્થીઓ પરીક્ષા ઓનલાઇન અને ઓફલાઇન આપી શકશે. જ્યારે UGના વિદ્યાર્થીઓ ઓન ડિમાન્ડ પરીક્ષા આપી શકશે, એટલે કે વિદ્યાર્થી ઈચ્છે ત્યારે ગમે તે સમયે પરીક્ષા આપી શકશે. આ ઉપરાંત PGના વિદ્યાર્થીઓએ માટે પણ આ પદ્ધતિ શરૂ કરવામાં આવી છે. PGના કોર્સમાં વિદ્યાર્થીઓની ઓન ડિમાન્ડ પરીક્ષા યોજવામાં આવશે. આ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ ઈચ્છે ત્યારે અને કોઈપણ સમયે કોઈપણ જગ્યાએથી પરીક્ષા આપી શકશે.પરીક્ષા માટે કોઈ સમય કે સ્થળ નક્કી કરવામાં નહીં આવે, વિદ્યાર્થીઓ તૈયારી કરીને પરીક્ષા આપવાનો નિર્ણય કરી શકે છે ત્યારે વિદ્યાર્થીઓની ઓનલાઇન પરીક્ષા યોજવામાં આવશે. આ સાથે ઓફલાઇન પરીક્ષાનો વિકલ્પ તો રહેશે પરંતુ ઓન ડિમાન્ડનો વિકલ્પ આપવામાં આવશે.