અમદાવાદના એસજી હાઈવે પર વહેલી સવારે અકસ્માત થતાં વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું છે. એસજી હાઈવે પર ડમ્પર અને એક્ટિવા વચ્ચે થયેલા અકસ્માતમાં ગણપત યુનિવર્સિટીની વિદ્યાર્થિનીનું ઘટના સ્થળે મોત નીપજયું હતું. અકસ્માત બાદ ડમ્પર ચાલક ટ્રક મૂકીને નાસી ગયો હતો. સમગ્ર બાબતે પોલીસે ગુનો નોંધી અકસ્માત કેવી રીતે થયો હતો તે મામલે પોલીસ તપાસ શરૂ કરી છે.
એક્ટિવા ચાલક વિદ્યાર્થિનીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના એસ.જી હાઇવે પર ઝાયડસ બ્રિજ ઉપર વહેલી સવારે એક્ટિવા અને ડમ્પર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ડમ્પરની પાછળના ભાગમાં એક્ટિવા અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં એક્ટિવા ચાલક વિદ્યાર્થિનીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. એક્ટિવા ચાલક વિદ્યાર્થિની નિકિતા પંચાલ ગણપત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હોવાનું સામે આવતા યુનિવર્સિટીના સ્ટાફને પણ અકસ્માત અંગેની જાણ કરવામાં આવી હતી.
પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
એક્ટિવા ચાલકે હેલ્મેટ પહેર્યું હોવા છતાં પણ અકસ્માતમાં બચી શકી ન હતી. બ્રિજની ઉપર રોડની સાઈડમાં રેતી ભરેલું ડમ્પર ઉભુ હતું કે આગળ તરફ જઇ રહ્યું હતું એને લઈને અસમંજસની સ્થિતિ સર્જાઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અકસ્માતની જાણ થતાં ટ્રાફિક પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. સમગ્ર બાબતે પોલીસે ગુનો નોંધી અકસ્માત કેવી રીતે થયો હતો તે મામલે પોલીસ તપાસ કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.