અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજમાં બપોરના સમયે સગીર વયના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આજથી ફાઈનલ પરીક્ષા શરૂ થઈ હતી છતાં વિદ્યાર્થી પરીક્ષા આપવા ના ગયો અને પ્રેમ પ્રકરણમાં આપઘાત કરી લીધો છે. આપઘાત પહેલા મૃતકે મોબાઈ પણ ફોર્મેટ કરી દીધો હતો. મૃતક પાસેથી સ્યુસાઈડ નોય પણ મળી આવી નથી. સમગ્ર મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ ધરી છે.
કપડાં સુકાવવાની દોરી વળે ગળે ફાંસો ખાધો
એલડી એન્જિનિયરિંગની હોસ્ટેલના B બ્લોકમાં ત્રીજા માળે 238 નંબરના રૂમમાં રહેતા દિવ્યેશ ઘોઘારી નામના સગીર વયના વિદ્યાર્થીએ બપોરના સમયે કપડાં સુકાવવાની દોરી વળે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. મૃતક સગીરનો રૂમમેટ આવ્યો ત્યારે દરવાજો બંધ હોવાથી બારી ખોલીને જોતા મૃતક સગીરનો મૃતદેહ દેખાઈ રહ્યો હતો. જેથી સિક્યુરિટી ગાર્ડને જાણ કરી અને સિક્યુરિટી ગાર્ડે પોલીસને જાણ કરી હતી.
મૃતકના પરિવારની આપઘાત અંગે પૂછપરછ કરાશે
બનાવની જાણ થતાં ગુજરાત યુનિવર્સિટી પોલીસ ઘટના સ્થળે દોડા આવી હતી. સગીરના મૃતદેહને ઉતારી પોલીસ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં તો સગીરે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ. વી.જે જાડેજાએ જણાવ્યું હતું કે, મૃતકના પરિવારને જાણ કરવામાં આવી છે. મૃતકના પરિવારને પણ આપઘાત અંગે પૂછવામાં આવશે. મૃતદેહને પીએમ માટે મોકલીને વધુ કાર્યવાહી કરવામાં આવશે.
સગીર મુળ સુરતનો રહેવાસી
મળતી માહિતી મુજબ મૃતક સગીર ટેક્સટાઈલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો હતો. પરંતુ આજથી GTUની પરીક્ષા હોવા છતાં મૃતક પરીક્ષા આપવા ગયો નહતો અને આપઘાત કર્યો હતો. આપઘાત પહેલા મૃતકે પોતાનો મોબાઈલ પણ ફોર્મેટ કર્યો હતો. સગીરે પરીક્ષાનું ફોર્મ પણ ભર્યું નહોતું. સગીર મુળ સુરતનો રહેવાસી છે. જેથી સોમવારે જ સુરતથી આવ્યો હતો. સુરતમાં સગીરને પ્રેમ પ્રકરણ બાબતે એક સગીરા સાથે બોલાચાલી થઈ હતી. જે બાબતે લાગી આવતા આજે આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.