એલડી એન્જિનિયરિંગ કોલેજમાં ટેક્સટાઈલ એન્જિનિયરિંગના પહેલા વર્ષમાં અભ્યાસ કરતા સુરતના વિદ્યાર્થીએ કોલેજની હોસ્ટેલના રૂમમાં ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. ગુરુવારથી શરૂ થઈ રહેલી ફાઈનલ પરીક્ષા માટે વિદ્યાર્થીએ ફોર્મ પણ ભર્યું ન હતું, જ્યારે પ્રેમ પ્રકરણમાં વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હોવાની પ્રાથમિક માહિતીના આધારે પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.
મૂળ સુરતનો રહેવાસી દિવ્યેશ ઘોઘારી એલડી એન્જિનિયરિંગ કોલેજમાં ટેક્સટાઈલ એન્જિનિયરિંગમાં પહેલા વર્ષમાં અભ્યાસ કરતો હતો. આ સાથે દિવ્યેશ કોલેજની હોસ્ટેલના બી- 238 નંબરના રૂમમાં અન્ય મિત્રો સાથે રહેતો હતો. ગુરુવારથી કોલેજની ફાઈનલ પરીક્ષા શરૂ થઇ હોવાથી રૂમમાં સાથે રહેતા મિત્રો પરીક્ષા આપવા ગયા હતા. બપોરે જ્યારે આ મિત્રો પરીક્ષા આપીને પાછા આવ્યા ત્યારે દિવ્યેશના રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. ખખડાવવા છતાં દરવાજો ન ખોલતા અન્ય વિદ્યાર્થીઓએ બારીમાંથી રૂમમાં જોયું તો દિવ્યેશે કપડા સૂકવવાની દોરી પંખા સાથે બાંધીને ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
હોસ્ટેલના રૂમમાં ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી
આ ઘટનાની જાણ થતા ગુજરાત યુનિર્વસીટી પોલીસ સ્ટાફ સાથે આવી પહોંચ્યા હતા. જો કે દિવ્યેશ એ આત્મહત્યા કરતા પહેલા કોઈ પણ ચિઠ્ઠી કે લખાણ લખ્યું ન હતંુ. તેમજ મોબાઈલ ફોનને પણ ફોર્મેટ મારી દીધો હતો. જેથી દિવ્યેશ એ કયા કારણથી આત્મહત્યા કરી લીધી તેનું ચોક્કસ કારણ હજુ પોલીસ જાણી શકી નથી. પરંતુ દિવ્યેશે કોઈ સગીરા સાથેના પ્રેમ સબંધના કારણે આત્મહત્યા કરી હોવાની માહિતીના આધારે પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.
પરીક્ષાનું ફોર્મ ભર્યું ન હોવાનું મિત્રોને કહ્યું હતું
ગુરુવારથી દિવ્યેશની ફાઈનલ પરીક્ષા શરૂ થઇ રહી હતી, પરંતુ તેણે પરીક્ષાનું ફોર્મ ભર્યુ જ ન હતું. જેથી તેના મિત્રોએ દિવ્યેશને પૂછતા તેણે કહ્યું હતુ કે, મેં પરીક્ષાની તૈયારી બરાબર કરી નથી એટલે હું પરીક્ષા આપવાનો નથી. તેવું કહીને દિવ્યેશ એ પરીક્ષાનું ફોર્મ પણ ભર્યુ ન હતુ.
મૃત યુવકના પિતા ડાયમંડ કંપનીમાં નોકરી કરે છે
દિવ્યેશના પિતા સુરતની ડાયમંડ કંપનીમાં નોકરી કરે છે. જો કે દિવ્યેશએ આત્મહત્યા કરી લીધી હોવા અંગે તેના પિતાને જાણ કરવામાં આવતા તેઓ સુરતથી અમદાવાદ દોડી આવ્યા હતા. બીજી બાજુ પોલીસે પોસ્ટ મોર્ટમ સહિતની વિધી પૂરી કરીને દિવ્યેશનો મૃતદેહ પરિવારને સોંપવા તજવીજ હાથ ધરી હતી.
સાથીકર્મીની અભદ્ર માગથી કંટાળી યુવતીનો આપઘાત
બેંકમાં નોકરી કરતી યુવતી પૈસા પરત ન આપી શકતા યુવક ઘણાં સમયથી પરેશાન કરતો હતો
એચડીએફસી બેંકમાં નોકરી કરતી યુવતીને પૈસાની જરૂર હોવાથી સાથે નોકરી કરતા યુવાન પાસેથી રૂ.40 હજાર ઉછીના લીધા હતા. જેમાંથી માત્ર રૂ.10 હજાર જ પાછા આપ્યા હતા. જ્યારે યુવતી બાકીના પૈસા આપી નહીં શકતા યુવાન અભદ્ર માગણી કરતો હતો. સહ કર્મચારીની અભદ્ર માંગણીઓથી કંટાળીને આખરે યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે યુવતીના પિતાએ દૂષપ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી.
રાણીપ ભગવતીનગર સોસાયટીમાં રહેતા જિનલબહેન કાંતિલાલ પરમાર(26) એચડીએફસી બેંકના લોન ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા હતા. જિલનબહેનને પૈસાની જરૂર હોવાથી સાથે નોકરી કરતા મહેશ વસેટા પાસેથી રૂ.40 હજાર ઉછીના લીધા હતા. જેમાંથી જિનલબહેને મહેશભાઈને રૂ.10 હજાર પાછા આપ્યા હતા. જ્યારે બાકીના રૂ.30 હજાર પાછા આપી શકયા ન હતા. જેથી મહેશ અવારનવાર પૈસાની માગણી કરતો હતો.
પોલીસે મહેશ વસેટાની ધરપકડ કરી
જો કે છેલ્લા કેટલાક સમયથી મહેશ પૈસાના બદલામાં જિનલબહેન પાસે અભદ્ર માંગણી કરતો હતો. જેથી કંટાળીને જિનલબહેને 22 ફેબ્રુઆરીએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ અંગે પિતા કાંતિલાલ પરમારે રાણીપ પોલીસ સ્ટેશનમાં દૂષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં એટ્રોસિટી સહિતની કલમો લગાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે મહેશ વસેટાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.