‘દિવ્ય ભાસ્કર’એ એક સ્ટ્રક્ચરલ એન્જિનિયરને સ્થળ પર લઈ જઈ તપાસ કરાવી આવું શા માટે થયું તે જાણવા પ્રયાસ કર્યો. સ્ટ્રક્ચરલ એન્જિનિયરે જે કંઈ કહ્યું તે તેમના જ શબ્દોમાં અહીં રજૂ કરવામાં આવ્યા છે. ‘દુકાનોમાં જે રીતે વચ્ચોવચ પિલ્લર સ્પષ્ટ જણાવે છેકે, આ બિલ્ડિંગમાં સ્ટ્રક્ચરલ ખામી છે. દુકાન બનાવતી વખતે કોઇપણ રીતે પિલર વચ્ચે ન આવે તે જોવું જરૂરી છે. ખાનગી બિલ્ડરો જ્યારે પણ દુકાન બનાવે ત્યારે દુકાનને નાની કે મોટી બનાવીને પિલર સાઇડમાં આવે તેનું ધ્યાન રાખે છે. પરંતુ અહીં સ્ટ્રક્ચર અને ડિઝાઈનમાં મોટી ખામી દેખાય છે.’
સ્ટ્રક્ચરલ એન્જિનિયરે ટેપથી દુકાનમાં માપ લેતા જાણવા મળ્યું હતું કે, પિલર 22 ઇંચ (લગભગ બે ફૂટ) એક તરફ 33 ઇંચ (2.75 ફૂટ) બીજી તરફ 38 ઇંચ (3.15 ફૂટ) જેટલો છે. કોઈપણ દુકાનમાં આ પ્રકારે સ્ટ્રક્ચર ચલાવી શકાય નહીં.
આવાસનું લોકાર્પણ થયાને હજુ માંડ મહિનો થયો છે જે દર્શાવે છે કે, બાંધકામમાં જરૂરી સિમેન્ટ-કોંક્રિટની માત્રા ઓછી છે, અથવા તો થ્રેસીંગ મશીન યોગ્ય રીતે ચલાવી બાંધકામમાં કોઇપણ જગ્યાએ એર (હવા) ન રહી જાય તેનું ધ્યાન રાખવું પડે. પરંતુ આ બિલ્ડિંગમાં તેનું યોગ્ય ધ્યાન ન રખાયું હોવાથી પાણી ટપકે છે. યોગ્ય લેબોરેટરી ટેસ્ટ કરાવો તો જ આ બાબત પુરવાર થઈ શકે. 6 દુકાનો પાર્કિંગની જગ્યામાં બનાવી હોવાનું લાગે છે. આ 6 દુકાનો બનાવવાની જે પદ્ધતિ છે તે જોતાં સ્પષ્ટ કહી શકાય કે તે પાર્કિંગની જગ્યામાં પછીથી બનાવવામાં આવી છે. દુકાનની વચોવચ પિલર આવી જવા માટેનું આ પણ એક કારણ હોઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.