મ્હારી છોરિયાં છોરો સે કમ હૈ કે?:LRDની નોકરી માટે અમદાવાદમાં મહિલા ઉમેદવારોની આકરી તૈયારી, SRP ગ્રાઉન્ડમાં રોજ સવાર-સાંજ કરે છે દોડની પ્રેક્ટિસ

અમદાવાદ9 મહિનો પહેલા
  • SRP ગ્રાઉન્ડમાં નરોડા, ઠક્કરબાપાનગર, કુબેરનગર, કૃષ્ણનગર અને નરોડા પાટિયા પાસે રહેતા યુવક-યુવતીઓ દોડ માટે આવે છે
  • સાંજના સમયે પણ 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી અહીંયા દોડની પ્રેક્ટિસ ચાલતી હોય છે

ગુજરાત પોલીસની લોકરક્ષક કેડરની ભરતીમાં 9.50 લાખ ઉમેદવારોની આગામી 3 ડિસેમ્બરના રોજ પરીક્ષા યોજાવાની છે, જેની તૈયારી ઉમેદવારો કરી રહ્યા છે. અમદાવાદમાં પણ અનેક જગ્યાએ પુરુષ તેમજ મહિલા ઉમેદવાર સવાર-સાંજ દોડની પ્રેક્ટિસ કરી રહ્યાં છે. અમદાવાદના કૃષ્ણનગર SRP ગ્રાઉન્ડ પર સવારે 4.30થી 6 અને 7.30થી 10 વાગ્યા સુધી તેમજ સાંજે 4.30થી 8 વાગ્યા સુધી પુરુષ અને મહિલા ઉમેદવારો દોડની પ્રેક્ટિસ કરે છે. આ ગ્રાઉન્ડ SRP પોલીસનું ગ્રાઉન્ડ છે અને અહીં દોડવા આવતાં તમામ મહિલા અને પુરુષ ઉમેદવાર જાતે દોડની પ્રેક્ટિસ કરે છે. ક્યારેક SRPના કોઈ જવાન સાંજે ફ્રી હોય તો માર્ગદર્શન આપતા હોય છે. નરોડા, ઠક્કરબાપાનગર, કુબેરનગર, કૃષ્ણનગર અને નરોડા પાટિયા પાસે રહેતાં યુવક-યુવતીઓ અહીં દોડની પ્રેક્ટિસ માટે આવે છે.

કૃષ્ણનગરના SRP ગ્રાઉન્ડમાં મહિલા ઉમેદવારોની પ્રેક્ટિસ
કૃષ્ણનગર SRP ગ્રાઉન્ડમાં દોડની પ્રેક્ટિસ માટે આવતી યુવતી અંજલિ ચુનારાએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 8થી 10 છોકરીનું અમારું ગ્રુપ છે. દરરોજ સાંજે અમે પ્રેક્ટિસ માટે અહીં આવીએ છીએ. ચાર વાગતાં અમે પ્રેક્ટિસ માટે આ ગ્રાઉન્ડ પર આવી જઇએ છીએ. સૌથી પહેલા અમે વોર્મઅપ અને કસરત કરીએ છીએ, પછી રનિંગ કરીએ છીએ. ચાર રાઉન્ડ અમે દોડીએ છીએ. રનિંગ કર્યા બાદ જો સર આવ્યા હોય તો તેઓ અમને થોડી ટિપ્સ આપે છે અને તૈયારી કરાવે છે. સાંજે રનિંગ બાદ ફરી કસરત કરીએ છીએ અને વોર્મઅપ કરીએ છીએ.

SRP મેદાનમાં દોડની પ્રેક્ટિસ કરતા મહિલા-પુરુષ ઉમેદવારો
SRP મેદાનમાં દોડની પ્રેક્ટિસ કરતા મહિલા-પુરુષ ઉમેદવારો

ધીમે ધીમે દોડની સ્પીડ વધારવાની પ્રેક્ટિસ
જ્યારે અન્ય યુવતી નિકિતાએ જણાવ્યું હતું કે અહીં ઘણી બધી યુવતીઓ પ્રેક્ટિસ માટે આવે છે. સવારે અને સાંજે એમ બંને સમય બે-બે કલાક દોડવા આવે છે. 400 મીટરનો એક રાઉન્ડ હોય છે. અત્યારે 12થી 13 મિનિટ જેટલો સમય અમને 1600 મીટરમાં થાય છે, પરંતુ ધીરે ધીરે દોડની સ્પીડ વધારવા અત્યારે પ્રેક્ટિસ કરીએ છીએ. ઘણી યુવતીઓ 9 મિનિટમાં દોડ પૂરી પણ કરી રહી છે. દોડની પ્રેક્ટિસ અમે જાતે જ કરીએ છીએ.

સવારે 4 વાગ્યાથી ઉમેદવારો માટે ગ્રાઉન્ડ ખોલી દેવાય છે
કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા SRP કેમ્પસમાં જ આ મોટું ગ્રાઉન્ડ આવેલું છે. આ ગ્રાઉન્ડમાં દોડ માટે કોઈ મોટી ખાસ વ્યવસ્થા તો નથી કરવામાં આવેલી, પરંતુ દરેક લોકોને દોડની પ્રેક્ટિસ માટે આ ગ્રાઉન્ડ ફાળવવામાં આવ્યું છે. સવારે 4 વાગ્યાથી ગ્રાઉન્ડ ખોલી દેવામાં આવે છે. 4.30થી ઉમેદવારો આવે છે અને 6 વાગ્યા સુધી તેમને દોડવા દેવામાં આવે છે. 6થી 7 વાગ્યા સુધી પોલીસની પરેડ હોવાથી ગ્રાઉન્ડમાં દોડવા દેવામાં આવતા નથી. પરેડ પૂરી થયા બાદ જ દોડની પ્રેક્ટિસ કરી શકે છે. સાંજે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી અહીં દોડની પ્રેક્ટિસ ચાલતી હોય છે.