તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘મત’ની રમત:ગુજરાતમાં વસતિ નિયંત્રણનો કડક કાયદો આવશે, સરકાર વિધાનસભાના ચોમાસુ સત્રમાં ખાસ બિલ લાવે એવી શક્યતા

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • ગુજરાતમાં 2005થી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે બે બાળકનો કાયદો અમલી છે
  • ઉત્તરપ્રદેશને પગલે ગુજરાત સરકાર વસતિ નિયંત્રણનો કડક કાયદો લાવવા અભ્યાસ શરૂ કરી રહી છે

વસતિ નિયંત્રણ બાબતે ગુજરાત સરકાર દ્વારા અભ્યાસ કરવામાં આવશે અને જરૂરી લાગશે તો યુપી સરકારની જેમ વિધાનસભામાં ખાસ બિલ લાવવામાં આવશે. ગાંધીનગર ખાતે મહારાષ્ટ્ર ભવનના લોકાર્પણ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને વસતિ નિયંત્રણ અંગે પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે ગુજરાત સરકાર આ અંગે અભ્યાસ કરી રહી છે. દેશની અલગ-અલગ સરકારો દ્વારા રાજ્યોમાં જુદી જુદી રીતે વસતિ નિયંત્રણ માટે કવાયત હાથ ધરી છે, ત્યારે ગુજરાત સરકાર પણ રાજ્યમાં વસતિ નિયંત્રણ માટે અભ્યાસ કરશે. જોકે આ કામગીરી અંતર્ગત કેટલાક સમયથી સરકાર દ્વારા આરોગ્ય વિભાગની સાથે કેટલીક કામગીરી કરવામાં આવી રહી હોવાનું નીતિન પટેલે જણાવ્યું હતું.

ગુજરાત સરકારે કાયદો ઘડવા ચક્રો ગતિમાન કર્યાં
તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં ઘણાં વર્ષ પહેલાં વસતિ નિયંત્રણ બાબતે શરૂઆત થઈ છે. ઉત્તરપ્રદેશમાં રાજ્ય સરકારે વસતિ નિયંત્રણ માટેના કાયદાનો મુસદ્દો જાહેર કરવાની સાથે જ ગુજરાત સરકારે પણ યુપીના ધોરણે કાયદો ઘડવા ચક્રો ગતિમાન કર્યાં છે. પ્રત્યાઘાતો-પરિણામોનો અભ્યાસ શરૂ કર્યો છે. મહત્ત્વની બાબત એ છે કે યુપી તથા ગુજરાત એમ બંને રાજ્યોમાં ભાજપનું શાસન છે અને આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.

કાયદાના મુસદ્દાના આઘાત-પ્રત્યાઘાતો ચકાસવામાં આવી રહ્યા છે
રાજ્ય સરકારનાં વિશ્વાસપાત્ર સૂત્રોએ જણાવ્યું હતું કે ઉત્તરપ્રદેશ સરકારે જારી કરેલા કાયદાના મુસદ્દાના આઘાત-પ્રત્યાઘાતો ચકાસવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારે ભલે કોઇ ચોક્કસ નિર્ણય લીધો નથી પરંતુ નિષ્ણાતોનાં મંતવ્યો લેવામાં આવી રહ્યાં છે અને નાગરિકો તરફથી કેવા પ્રત્યાઘાતો મળે એ વિશે ચર્ચા શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ઉત્તરપ્રદેશના વસતિ નિયંત્રણ કાયદાના મુસદ્દાનો અભ્યાસ કરવામાં આવી જ રહ્યો છે.

UPમાં વસતિ નિયંત્રણનો ડ્રાફ્ટ તૈયાર.
UPમાં વસતિ નિયંત્રણનો ડ્રાફ્ટ તૈયાર.

વિધાનસભાના ચોમાસુ સત્રમાં ખાસ બિલ આવી શકે
ગુજરાતમાં પણ એ લાગુ પાડવાનો નિર્ણય લેવામાં આવે તો વિધાનસભાના આગામી ચોમાસુ સત્રમાં આવી શકે છે. ઉત્તરપ્રદેશના વસતિ નિયંત્રણ કાયદાનો મુસદ્દો ગત સપ્તાહમાં જાહેર કરવામાં આવ્યો હતો. બેથી વધુ સંતાનો ધરાવતા લોકોને સ્થાનિક ચૂંટણી લડવા રોકવા, સરકારી નોકરી પર પ્રતિબંધ તથા સબ્સિડી સહિતની સરકારી યોજનાઓનો લાભ નહીં આપવાની મુસદ્દામાં જોગવાઇ કરવામાં આવી છે. ગુજરાત સરકારના અધિકારીએ કહ્યું હતું કે રાજ્ય સરકાર વસતિ નિયંત્રણ કાયદો લાગુ કરવાનું નકકી કરશે ત્યારે સંબંધિત વર્ગો સાથે વ્યાપક પરામર્શ કરશે.

ઉત્તરપ્રદેશના ધોરણે જ જોગવાઇઓ લાગુ પાડી શકે છે
ઉત્તરપ્રદેશના ધોરણે જ જોગવાઇઓ લાગુ પાડી શકે છે, જે અંતર્ગત સરકારી યોજનાઓના લાભ અટકાવવાની જોગવાઇ રાખશે. મહત્ત્વની બાબત એ છે કે બેથી વધુ બાળકો ધરાવતી વ્યક્તિ સ્થાનિક ચૂંટણી લડી ન શકે એનો કાયદો ગુજરાતમાં 2005થી અસ્તિત્વમાં છે. રાજ્ય સરકારે 2005માં ગુજરાતમાં લોકલ ઓથોરિટી એકટમાં સુધારો કર્યો હતો, જે અંતર્ગત બેથી વધુ સંતાન ધરાવનારાને પંચાયત, નગરપાલિકા તથા કોર્પોરેશનની ચૂંટણી લડવા પર પ્રતિબંધ છે. ચૂંટણી લડતા રોકવાનો કાયદો છે જ, એ આગળ વધારીને સરકારી યોજનાઓનો લાભ આપવાનું બંધ કરી શકાય છે.