અમદાવાદ સહિત રાજ્યમાં હીટવેવનું જોર વધ્યું છે. અમદાવાદમાં બુધવારે સિઝનનું સૌથી વધુ 45.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તેમાં પણ ખાસ કરીને બપોરે 12થી 5માં ગરમી 6 ડિગ્રી વધી ગઈ હતી. હીટવેવની અસરથી શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જવાથી શરીરના કેમિકલ્સ અસંતુલિત થતાં વ્યક્તિ હીટસ્ટ્રોકનો શિકાર બની શકે છે. જ્યારે કોઇ વ્યકિતના પગની પિંડી-જાંઘ કે પીઠના સ્નાયુ ખેંચાવા લાગે ત્યારે ડિહાઇડ્રેશનની નિશાની સમજીને ચેતી જવું જોઇએ. કારણ કે, સારવારને અભાવે વ્યકિતના શરીરમાંથી પાણીની માત્ર ઘટતાં હીટસ્ટ્રોકની અસરથી હાઇગ્રેડ ફીવર, ખેંચ કે લક્વો થઇ શકે છે.
સૌથી વધુ અસર નાના બાળકો, વૃદ્ધો, લિવર-કિડની સહિત અન્ય રોગના પીડિતોને થાય છે, વ્યકિત બેભાન થવાથી લક્વાની શક્યતા હોવાથી વિશેષ તકેદારી રાખવાનું તબીબો જણાવી રહ્યાં છે. ગરમી-ઠંડીની સિઝનમાં માનવ શરીરનું તાપમાન 37 ડિગ્રી મેઇન્ટેઇન રહે છે. પરંતુ, વાતાવરણમાં ગરમી વધે અને વ્યક્તિ પાણી ઉપરાંત જ્યુુસ, છાશ જેવા પ્રવાહી ઓછા લે તો હીટસ્ટ્રોક લાગી શકે છે. જ્યારે પગની પિંડી-જાંઘ અને પીઠના સ્નાયુ ખેંચાવા લાગે તેને ડીહાઇડ્રેશનની પ્રથમ નિશાની સમજવી, સારવારને અભાવે હીટસ્ટ્રોકની શક્યતા વધુ હોવાથી તાત્કાલિક સારવાર જરૂરી છે. વ્યકિતને સખત થાક, ઊલટી-ઉબકા, ચક્કર, ભૂખ ન લાગે, હાઇગ્રેડ તાવથી વ્યકિત બેહોશ-ભાન ભૂલે અને લક્વો પણ થઇ શકે છે.
શરીર પાણીથી ઠંડું અને સ્વચ્છ (વોટર કૂલ્ડ-વોટર ક્લીન) રહે છે. પરંતુ, ગરમીનો પારો 40 ડિગ્રીથી વધે ત્યારે ગરમીને લીધે શરીરમાં પાણીનું પ્રમાણ 60 ટકાથી ઓછું થવાથી શરીરમાં જરૂરી કેમિકલ ઇનબેલેન્સ થાય છે. જેથી પરસેવા વાટે પાણી બહાર નીકળતા શરીરમાં પાણીનું પ્રમાણ ઘટતાં લોહીની ઘટ્ટતા વધે, પેશાબનું પ્રમાણ ઘટતા પેશાબ વાટે કચરો નીકળવાનું પ્રમાણ ઘટે છે, સાથે આંતરિક અંગોમાં પ્રોટીન જામવાથી અંગોની આંતરિક ક્ષમતા ઘટે છે. (ડો. કમલેશ ઉપાધ્યાય, સિવિલ હોસ્પિટલ અને ડો. પાર્થિવ મહેતા, પલ્મોનોલોજિસ્ટની સમીર રાજપૂત સાથે થયેલીની વાતચીતને આધારે)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.