AMCનું આયોજન:અમદાવાદમાં ફેરિયાઓને ઊભાં રહેવા માટે સ્ટ્રીટ વેન્ડર પોલિસી તૈયાર કરાઈ, પ્લાનના અમલીકરણ પાછળ રૂ.1 કરોડ ખર્ચાશે

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભદ્ર પાથરણા બજારમાં ફેરિયાઓની તસવીર - Divya Bhaskar
ભદ્ર પાથરણા બજારમાં ફેરિયાઓની તસવીર
  • સ્ટ્રીટ વેન્ડર પ્લાન બનાવવા માટે એજન્સીને કોન્ટ્રાકટ આપવાની દરખાસ્ત આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીમાં મુકાશે

શહેરમાં ફેરિયાઓ માટે સ્ટ્રીટ વેન્ડર પોલિસી બનાવવામાં આવી છે, જોકે સ્ટ્રીટ વેન્ડર પોલિસીનું અમલીકરણ અત્યાર સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરાવી શકી નથી. શહેરમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર રીતે ફેરિયાઓ ઉભા રહે છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. 1 કરોડ જેટલો ખર્ચ કરી અને ફરી એકવાર ફેરીયાઓને નિયત જગ્યાઓ પર ઉભા રાખવા સ્ટ્રીટ વેન્ડર પ્લાન બનાવવામાં આવશે. આશરે 90,000 જેટલા સ્ટ્રીટ વેન્ડરો માટે પ્લાન બનાવવા ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટને કોન્ટ્રાકટ આપવાની દરખાસ્ત આવતીકાલે ગુરુવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં મુકવામાં આવી છે.

એકતરફ 82,000થી વધુ ફેરિયાઓને ઓળખકાર્ડ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે ત્યારે માત્ર તેઓને નિયત કરેલી જગ્યાઓ પર ઉભા રાખવાના છે અને તેના અમલીકરણ કરવાનું છે જે કામ કોર્પોરેશનનું એસ્ટેટ વિભાગ કરી શકે છે છતાં પણ આઉટસોર્સીગથી કામ આપવામાં આવશે જે મામલે અનેક સવાલો ઉભા થયા છે.

અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સર્વે મુજબ 62,100 જેટલા ફેરિયાઓ છે. 44,328 જેટલા ફેરિયાઓને ઓળખ કાર્ડ આપવામાં આવ્યા છે. 10811ને વેન્ડિગ સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે. બાકીના ફેરિયાઓ હજી સુધી મળી આવ્યા નથી. પ્રધાનમંત્રી મોદી યોજના અંતર્ગત કામગીરીમાં વધુ 22158 ફેરિયાઓને નોંધવામાં આવ્યા છે, આમ કુલ 82858 જેટલા શેરી ફેરિયાઓ છે. જેમને સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે. અંદાજે 90,000 જેટલા ફેરિયાઓ માટે સ્ટ્રીટ વેન્ડર પ્લાન બનાવવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. જેમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટને પ્રતિ ફેરિયા દીઠ રૂ. 95+ GST મુજબ રકમ આપવા અંગેના કોન્ટ્રાકટ આપવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મુકાઈ છે.

ધી સ્ટ્રીટ વેન્ડિગ એક્ટ 2014 મુજબ શહેરની વસ્તીના 2.5 ટકાના ધોરણે સ્ટ્રીટ વેન્ડર પ્લાન બનાવવાનો હોય છે જે મુજબ અમદાવાદની અંદાજે 71 લાખ જેટલી વસ્તી ગણતરી મુજબ 1.78 લાખ જેટલા સ્ટ્રીટ વેન્ડરનો પ્લાન બનાવવાનો થાય છે. સ્ટ્રીટ વેન્ડર પ્લાનમાં જે પણ ફેરિયાઓને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓળખકાર્ડ અથવા તો વેન્ડર સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે તેઓને ફોન કરી અને તેઓ અત્યારે હાલમાં ક્યાં ઊભા રહે છે અને તેઓની પાસે કઈ જગ્યાએ ઊભા રહેવા માટેની પરમિશન છે તેની માહિતી એકત્રિત કરવામાં આવશે. ત્યારબાદ તેઓને નિયત કરેલી જગ્યા ઉપર ફેરિયાઓને ઉભા રાખવા માટે અમલીકરણ કરવું તે વગેરેનો પ્લાન બનાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...