લૉકડાઉનનો ભંગ:ગોમતીપુરમાં રસ્તા પર બેઠેલા લોકોનો પોલીસ પર પથ્થરમારો, કોન્સ્ટેબલને ઘેરી તૂટી પડ્યા

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચારતોડા કબ્રસ્તાન નજીક પતરાવાળી મસ્જિદ પાસે લોકો રસ્તા પર બેસી ટોળે વળ્યા હોવાની માહિતી મળતા ગોમતીપુર પોલીસ સ્થળ પર પહોંચી હતી.

ગોમતીપુરમાં બુધવારે પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણના બે બનાવો બન્યા હતા, જેમાં દિલ્હીના નિઝામુદ્દીનથી આવેલા લોકોને કવોરન્ટાઇન કરવાની ઘટના પણ બની હતી. આ ઘટના વચ્ચે તપાસ કરવા માટે આવેલા હેલ્થ વિભાગના કર્મચારીઓ અને પોલીસ પર પથ્થરમારો થયો હોવાની વાત વહેતી થઈ હતી. જોકે ગોમતીપુર પોલીસે આ બાબતને રદિયો આપી નિઝામદ્દીનથી પાછા આવેલા લોકોના કારણે પથ્થરમારાની ઘટના બની નહિ હોવાનું સ્પષ્ટ કર્યું હતું.
પોલીસ અને સ્થાનિકો વચ્ચે બોલાચાલી બાદ પથ્થરમારાની ઘટના સર્જાઈ
ચારતોડા કબ્રસ્તાન નજીક પતરાવાળી મસ્જિદ પાસે લોકો રસ્તા પર બેસી ટોળે વળ્યા હોવાની માહિતી મળતા ગોમતીપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. આ સમયે વાહન પર બેઠેલા કેટલાકે પોલીસ સાથે બોલાચાલી કરી હતી, જેમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે બોલાચાલી અને પરિણામે પથ્થરમારાની ઘટના સર્જાઈ હતી. આ સમયે ગોમતીપુર પોલીસ સ્ટેશનના ડી સ્ટાફમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ભરતસિંહ મનુભાઈ ત્યાંથી નીકળવા જતા હતા તે સમયે કેટલાક યુવાનોએ તેમને નીચે પાડી દીધા હતા અને તેમને માર મારવાનું શરૂ કર્યું હતું. જોકે કેટલાક વડીલોએ વચ્ચે પડી કોન્સ્ટેબલને બચાવી લીધો હતો. આ ઘટનામા ભરતસિંહને ઈજા થતાં નારાયણી હોસ્પિટલમાં લઈ જવાયા હતા તેમને હાથના ભાગે ફેક્ચર થયું હોવાનું હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું. પીઆઈ સી.બી. ટંડેલે જણાવ્યું હતું કે લોકોના ટોળાને પોલીસે સમજાવટથી ઘરે જવા અપીલ કરી હતી જેથી બોલાચાલી થતા પથ્થરમારાની ઘટના સર્જાઈ હતી.
ટોળું કરીને બેઠેલા સ્થાનિકોને સમજાવવા પોલીસ ગઈ હતી
ડીસીપી ઝોન-5 રવિ તેજાએ જણાવ્યું હતું કે, ગોમતીપુરમાં મહોલ્લા પાસે કેટલાંક લોકો ટોળું કરીને બેઠાં હતાં, જેથી પોલીસ તેમને ટોળું કરી ન બેસવા તથા ઘરે જવા સમજાવ્યું હતું. જોકે તે સમયે ટોળાએ મોહલ્લાનો દરવાજો બંધ કરી ત્યાં જ બેસી રહેવાની જીદ કરી હતી. આથી પોલીસે અંદર જવાનો પ્રયાસ કર્યો હતો અને જણાવ્યું હતું કે, કોરોના ગંભીર બીમારી છે, ટોળું કરી ન બેસો. અમે તમારા માટે જ કામ કરીએ છીએ પોલીસને સહકાર આપો. આ સમયે પોલીસે અંદર જવાની કોશિશ કરી હતી અને ત્યારે ટોળું એકત્ર થઈ ગયું હતું. ત્યાર બાદ પોલીસ પર હુમલો કર્યો હતો. આ અંગે અમે ટોળાં સામે ફરિયાદ નોંધી તપાસ ચાલુ છે. 
ગોમતીપુર, રખિયાલ, રાજપુરમાં હાલ 103 ઘર ક્વોરન્ટાઇન હેઠળ
ગોમતીપુર વિસ્તારમાં જ્યાં કેટલીક બાબતોને લઈ તોફાન થયું છે ત્યાં બીજી તરફ ગોમતીપુર, રખિયાલ અને રાજપુર વિસ્તારમાં જ 244 જેટલા લોકો હોમ ક્વોરન્ટાઇન કરાયેલા છે, જેમાં 103 જેટલા મકાનો ક્વોરન્ટનાઇન કરાયા છે. બીજી તરફ 7 મકાનોમાં ગ્રીન સ્ટિકર લગાવ્યા હોવાથી આ લોકોને હવે ક્વોરન્ટાઇનમાંથી મુક્તિ મળી શકી છે. બીજી તરફ કોર્પોરેટર ઇકબાલ શેખે જણાવ્યું કે, મ્યુનિ.એ આજે ગોમતીપુરની 15 ચાલીમાં ફ્યુમિગેશન અને ફોગિંગ મશીનોથી કામગીરી કરવામાં આવી હતી. 
ગોમતીપુર, દરિયાપુરમાં કુલ 31ની તપાસ કરાઈ
નિઝામુદ્દીનમાં એકત્ર થયેલા લોકો પૈકી કેટલાક ગોમતીપુર, દરિયાપુરમાં પરત ફર્યા  હોવાનું જાણવા મળતા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે ગોમતીપુર અને દરિયાપુરમાં તપાસ કરવા ગયા હતા. આ દરમિયાન હેલ્થ વિભાગે તેમને તપાસી કુલ 31ને ક્વોરન્ટાઇન કરવાની સલાહ આપી હતી. શરૂઆતના તબક્કામાં હેલ્થ વિભાગ તેમ જ પોલીસ પર પથ્થરમારાની ઘટના બની હોવાની અફવા ફેલાઈ હતી. જોકે સ્થાનિક પોલીસે પથ્થરમારાને આ બાબત સાથે કોઈ લેવાદેવા ન હોવાનું સ્પષ્ટ કર્યું હતું.
ગોમતીપુરમાં અનાજ ન મળતા દુકાન પર પથ્થરમારો કરાયો
ગોમતીપુરમાં પતરાવાળી મસ્જિદ કસાઈની ચાલી પાસે આવેલી રેશનિંગની દુકાનો પર કાયમ આવતા લોકો સિવાયનાને રાશન નહીં અપાતા  સ્થાનિક કોર્પોરેટર ઈકબલ શેખે આ મામલે પુરવઠા વિભાગનું ધ્યાન દોર્યું હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતા કેટલાક લોકોએ ઉશ્કેરાટમાં રેશનિંગની દુકાનો પર પથ્થરો માર્યા હતા, જેના પરિણામે વાતાવરણ તંગ થઇ ગયું હતું.આ બનાવની જાણ થતા ગોમતીપુર પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને લોકોને વિખેરી નાખી આ મામલે રાયોટિંગનો ગુનો દાખલ કરી શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...