બરવાળા બાદ અમદાવાદ પણ લઠ્ઠાકાંડના આરે:સોલા જેવા પોશ એરિયામાં ખુલ્લેઆમ દેશીદારુના ધંધાનું દિવ્ય ભાસ્કરે કર્યું 'સ્ટિંગ', પેકિંગથી લઈ વેચાણ કરતા નાના છોકરા!!

અમદાવાદ22 દિવસ પહેલાલેખક: ચેતન પુરોહિત

ગાંધીના ગુજરાતમાં દારુબંધી નામમાત્રની જ છે અને હાથ નાંખો ત્યાં દારુ મળે છે તે ફરી એકવાર સાબિત થયું છે. એટલું જ નહીં, ઝેરી દારુ એટલે કે લઠ્ઠો પીને બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં 29 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ ઘટનાથી ગુજરાતે ફરી દારુબંધી વચ્ચે દારુની રેલમછેલના કારણે બદનામી વેઠવાનો વારો આવ્યો છે. આ લઠ્ઠાકાંડથી ફરી રાજ્યમાં દારુના ધંધાર્થી અને પોલીસની મિલિભગત છતી થઈ છે. પોલીસ ભલે દારુ પર કડક નિયંત્રણના દાવા કરતી હોય પરંતુ દિવ્ય ભાસ્કરે દૂર અંતરિયાળ વિસ્તારો નહીં પણ અમદાવાદ શહેરમાં જ ખુલ્લેઆમ દારુ વેચાતો હોવાના વીડિયો ફૂટેજ થોડા દિવસ પહેલાં મેળવ્યા હતા.

સોલામાં નાના-નાના બાળકો વેચે છે દેશી દારુ
અમદાવાદના શાંત અને સમૃદ્ધ તથા પોશ ગણાતા સોલા વિસ્તારમાં તો દારુના વેચાણ માટે જાણે મેળો ભરાય છે. ખુલ્લેઆમ ખાટલા નાંખીને દેશી દારુની પોટલીઓ નારિયેળપાણીની જેમ વેચાય છે. તેથી પણ વધુ શરમજનક બાબત તો એ છે કે આ દેશી દારુ નાના બાળકો વેચે છે. તો ચાલો જાણીએ કેવી રીતે અમદાવાદમાં દેશી દારુના પેકિંગથી માંડીને તેના વેચાણ સુધીનો કારોબાર ખુલ્લેઆમ ચાલે છે. એટલું જ નહીં, આમાં કેવી રીતે નાના બાળકોનું પણ શોષણ કરવામાં આવે છે.