અમદાવાદમાં ઓક્સિજનની અછત:હજુ 50 ટન ઓક્સિજનની ઘટ, રાજ્ય બહારથી આવતો ઓક્સિજનનો જથ્થો નહીં મળે

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઓક્સિજન ટેન્કની તસવીર - Divya Bhaskar
ઓક્સિજન ટેન્કની તસવીર
  • 1200 બેડમાં સોમવારે 16 દર્દીને દાખલ કરાયા, બાકીનાને મંજુશ્રી કેમ્પસની હોસ્પિટલમાં ટ્રાન્સફર કરાયા

મ્યુનિ.ની હોસ્પિટલો, ખાનગી હોસ્પિટલ અને નર્સિંગ હોમમાં રોજ આશરે 375 મેટ્રિક ટન ઓક્સિનનો વપરાશ છે, જેની સામે ઉત્પાદકો પાસેથી આશરે 325 મેટ્રિક ટન ઓક્સિજન ઉપલબ્ધ થઈ રહ્યો છે. આમ દરરોજ આશરે 50 મેટ્રિક ટનથી વધારે ઓક્સિજનની ઘટ અમદાવાદમાં પડી રહી છે.

બીજી તરફ સિવિલના સુપરિન્ટેન્ડન્ટ ડો. જયપ્રકાશ મોદીએ જણાવ્યું કે, 1200 બેડમાં રોજ દાખલ કરાયેલાં દર્દીમાંથી 90 ટકા ઓક્સિજનની જરૂરવાળા હતા. 24 કલાક ચાલતી ઓક્સિજનની ટેન્કમાં ખામી ન સર્જાય અને દર્દીને પૂરતો ઓક્સિજન મળી રહે તેના અગમચેતીના પગલારૂપે સરકાર પાસેથી નવા બે વેપોરાઇઝરની માગણી કરી છે તેમ જ જૂની ઓક્સિજન ટેન્કની નજીક 20 હજાર લિટરની નવી ટેન્ક તૈયાર થઈ ગઈ છે, જેની મંજૂરી મળી ગઈ છે. ટ્રાયજમાં આવતાં દર્દીને 100 ઝમ્બો સિલિન્ડર મૂકીને ઓક્સિજન પૂરો પડાય છે, પણ ઝમ્બો સિલિન્ડર રીફિલિંગમાં સમય વધુ જતો હોવાથી સોમવારે 16 દર્દીને ટ્રાયજમાં દાખલ કરાયા હતા.

બંને ટેન્કમાંથી વારાફરતી સપ્લાય અપાશે
1200 બેડમાં વધુ નવી 20 હજાર લિટરની ટેન્ક તૈયાર થઈ છે. દર્દીને અવિરત ઓક્સિજન મળી રહે તે માટે આ બંને ટેન્કમાંથી વારાફરતી ઓક્સિજન સપ્લાય આપીને ઓક્સિજન ટેન્ક પર પડતું ભારણ ઘટાડાશે.

બરફ ઓગાળવા માટે વધુ 2 વેપોરાઇઝર મગાવાયાં
ટેન્કમાં ગેસ માઇનસ 180 ડિગ્રીમાં હોય છે, પણ બહાર કુદરતી વાતાવરણમાં આવતાં તરત ઝીરો ડિગ્રી સુધી ગગડીને બરફ થઈ જતાં કોઇલમાં ફરીને પ્રથમ લિક્વિડ અને ત્યાર બાદ ગેસમાં પરિવર્તિત કરવાનું કાર્ય વેપોરાઇઝર કરે છે. દર્દીને ઓક્સિજન ઓછો ન પડે અને બરફ ઓગાળવા માણસો રોકવા ન પડે તે માટે ટેન્કમાં વધુ 2 વેપોરાઇઝર લગાવાશે.

સોમવારે ટ્રાયજ વિભાગમાં 16 દર્દી દાખલ કરાયા
હોસ્પિટલના વોર્ડમાં દાખલ દર્દીને સેન્ટ્રલ ઓક્સિજન પાઇપથી જ્યારે ટ્રાયજના દર્દીને ઝમ્બો બોટલ દ્વારા ઓક્સિજન પૂરો પડાય છે, પણ વેપોરાઇઝરની કાર્યક્ષમતા ઘટતાં ઓક્સિજનની બોટલો ભરાતા વધુ સમય લાગતો હોવાથી નાની બોટલોથી ઓક્સિજન અપાય છે, સાથે ટ્રાયજમાં 40 બેડની કેપિસિટી હોવા છતાં સોમવારે સવારથી બપોર સુધીમાં માત્ર 6 અને દિવસ દરમિયાન 16 દર્દીને ટ્રાયજમાં દાખલ કર્યા હતા.

9 હોસ્પિટલમાં 86 ઓક્સિજન સિલિન્ડર પૂરા પડાયાં
શહેરમાં સોમવારે 9 હોસ્પિટલને મ્યુનિ. દ્વારા 86 ઓક્સિજન સિલિન્ડર પૂરાં પાડવામાં આવ્યાં હતાં.​​​​​​​

હોસ્પિટલસિલિન્ડરની સંખ્યા
સામવેદ હોસ્પિટલ10
સુશ્રૃષા હોસ્પિટલ20
સિદ્ધિ વિનાયક હોસ્પિટલ25
જયદીપ હોસ્પિટલ5
સત્યમેવ હોસ્પિટલ70
શૌવા ચિલ્ડ્રન હોસ્પિટલ4
આરના હોસ્પિટલ5
લિટલ ફ્લાવર5
જગમોહન હોસ્પિટલ5

​​​​​​​શહેરને મળતો જથ્થો બીજા જિલ્લાઓને આપી દે‌વાશે

રાજ્ય બહારથી આ‌વતો ઓક્સિજન અમદાવાદને નહિ મળે. એ જથ્થો રાજકોટ, મોરબી અને કચ્છ મોકલાશે. સરકારના ઓડિટમાં અમદાવાદનું ઓક્સિજન વિતરણ બાબતે શ્રેષ્ઠ પરફોર્મન્સ હોવાનું ધ્યાને આવ્યું છે. આ હિસાબે આગામી દિવસોમાં રાજ્યમાં ઓક્સિજનની આયાત થશે તેમાંથી અમદાવાદ શહેરને જથ્થો આપવામાં આવશે નહીં. આ તમામ જથ્થો અન્ય જિલ્લા જેવા કે રાજકોટ, મોરબી, કચ્છમાં મોકલાશે. રાજ્ય આખામાં હાલ રોજ આશરે 1200 મેટ્રિક ટન ઓક્સિજનનો વપરાશ છે. પાલિકાએ દાણીલીમડામાં ચેપી રોગની હોસ્પિટલ ખાતે નવો ઓક્સિજન પ્લાન્ટ બનાવવાની તૈયારીઓ કરી લીધી છે. આ પ્લાન્ટ ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...