આતુરતાનો અંત:ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યે જાહેર કરાશે, સ્કૂલો પ્રિન્ટ કાઢીને પરિણામ વિદ્યાર્થીઓને આપશે

અમદાવાદ3 મહિનો પહેલા
ફાઈલ તસવીર
  • ધો.12ના 5.43 લાખ રેગ્યુલર વિદ્યાર્થીઓનું આવતીકાલે પરિણામ
  • કોરોનાને કારણે આ વર્ષે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું આવતીકાલે 31 જુલાઈએ પરિણામ જાહેર કરવામાં આવશે. પરિણામ સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ result.gseb.org પર મૂકવામાં આવશે. આ પરિણામ સ્કૂલો પોતાની શાળાના પરિણામ ઈન્ડેક્સ નંબર અને પાસવર્ડ દાખલ કરીને લોગ-ઇન કરી શકશે તથા પ્રિન્ટ કરી શકશે. શાળાઓએ વિદ્યાર્થીઓને તેમના પરિણામની ઝેરોક્સ આપીને એની જાણ કરવાની રહેશે.

5.43 લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન
રાજ્ય સરકારે ધો. 10ના નિયમિત વિદ્યાર્થીઓને પરીક્ષા નહીં લેવાનો નિર્ણય લીધા પછી ધો. 12 સાયન્સના 1.40 લાખ અને 5.43 લાખ સામાન્ય પ્રવાહના મળીને કુલ 6.83 લાખ વિદ્યાર્થીને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો હતો. એવામાં પહેલીવાર ધો. 12 બોર્ડમાં સામાન્ય પ્રવાહના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન સાથે 100 ટકા પરિણામ જાહેર કરાશે.

પ્રતીકાત્મક તસવીર.
પ્રતીકાત્મક તસવીર.

ધો.10ના ગણિતના માર્ક ગણતરીમાં લેવાની અરજી કોર્ટે ફગાવી
શિક્ષણ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, અમદાવાદની 550 સ્કૂલોએ ધોરણ 12નું પરિણામ તૈયાર કરીને બોર્ડની વેબસાઈટ પર મૂક્યું છે. નોંધનીય છે કે ગઈકાલે જ ધોરણ-10ના ગણિતના માર્ક ધોરણ 12ના આંકડાશાસ્ત્રમાં ગણતરીમાં લેવા થયેલી અરજી હાઇકોર્ટે ફગાવી હતી. એ બાદ શિક્ષણ વિભાગ દ્વારા પરિણામ જાહેર કરવાની જાહેરાત કરાઈ છે.

શું હતી વિદ્યાર્થીઓની માગણી?
કોમર્સમાં અકાઉન્ટ અને આંકડાશાસ્ત્રનો વિષય એ ગણિતનો વિષય છેઅને ધોરણ-10નું ગણિત એનો પાયો છે તેથી એને ગણતરીમાં લેવા જોઇએ. સરકારે કરેલો નિર્ણય વિદ્યાર્થીઓના ભવિષ્યને નુકસાનકર્તા છે. 10મા ધોરણના ગણિતના માર્ક ગણતરીમાં નહીં લેવાય તો વિદ્યાર્થીઓને 8થી 10 ટકા જેટલું પરિણામ નીચું જશે. બોર્ડે જાહેર કરેલા પરિપત્રને હાઇકોર્ટમાં પડકારાયો હતો. ધો. 10ના ગણિતના માર્ક ધો.12 સામાન્ય પ્રવાહના આંકડાશાસ્ત્રમાં ઉમેરવાનો નિયમ સરકારે રદ કર્યો હતો.

પ્રતીકાત્મક તસવીર.
પ્રતીકાત્મક તસવીર.

આ રીતે બનશે ધોરણ 12ની માર્કશીટ
ધોરણ 12ની માર્કશીટ કેવી રીતે બનશે એ અંગે શિક્ષણવિદ અને GST એક્સપર્ટ ડો.જયેશ મોદીએ DivyaBhaskarને જણાવ્યું હતું કે કોઈ વિદ્યાર્થીને ધોરણ-10ની બોર્ડની પરીક્ષાના 70માંથી 49 માર્ક આવ્યા હોય તો ધોરણ-12ની માર્કશીટમાં ગુણભાર મુજબ તેને 50માંથી 35 માર્ક મળે તેમજ કોઈ વિદ્યાર્થીને ધોરણ-11ની પ્રથમ કસોટીમાં 50 માર્કમાંથી 38 માર્ક આવ્યા હોય અને બીજી કસોટીમાં 50માંથી 42 આવ્યા હોય તો આમ કુલ 100માંથી 80 મેળવેલા માર્ક થાય. એની સરેરાશ કરતાં 40 માર્ક થાય અને જેના 50 ટકા કરીએ તો 12માંની માર્કશીટમાં 25માંથી 20 માર્ક લખાશે તેમજ કોઈ વિદ્યાર્થીને ધોરણ 12ના જે-તે વિષયની પ્રથમ સામયિક કસોટીમાં 100 માર્કમાંથી 80 માર્ક આવ્યા હોય અને વર્ષ દરમિયાનની એકમ કસોટીમાં 25માંથી 20 માર્ક આવ્યા હોય તો 125માંથી 100 માર્ક મેળવેલા ગણાય, જેના 20 ટકા કરતાં 20 માર્ક થાય, જે 25 માર્કમાંથી મેળવેલા ગણાશે. આમ, એકંદરે જોવા જઈએ તો 50માંથી 35, 25માંથી 20 અને 25માંથી 20 માર્ક. આમ, કુલ 100માંથી 75 માર્ક થાય.