રાજ્યમાં ઓમિક્રોનના કેસ આવ્યા બાદ કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો સામે આવી રહ્યો છે. રાજકીય મેળાવડા, લગ્નની સીઝન વગેરેના કારણે દિવાળી બાદથી કોરોનાના કેસ વધ્યા છે. ગુજરાતની સ્કૂલોમાં પણ કોરોનાના 33થી વધુ કેસ અત્યાર સુધીમાં આવી ચૂક્યા છે, એવામાં હવે આ વધતા કેસોની અસર બોર્ડ તથા ધો.9થી 11ની પરીક્ષા પર પડી છે. સરકાર દ્વારા ધો. 10 તથા 12 બોર્ડ અને ધો. 9થી 11ની વાર્ષિક પરીક્ષા બે અઠવાડિયા સુધી પાછળ લઈ જવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે હવે ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષા 14ને બદલે 28 માર્ચથી શરૂ થશે. સાથે જ ઉનાળું વેકેશન પણ પાછું ખસેડવામાં આવ્યું છે.
ધો.10, 12 બોર્ડની પરીક્ષા બે અઠવાડિયા પાછળ ખસેડાઈ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આજે જાહેર કર્યું હતું કે રાજ્યની માન્યતા ધરાવતી તમામ માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ-9 થી12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના હિતમાં શૈક્ષણિક વર્ષ-2021-22 માં હવે પછી લેવાનાર ધોરણ-9 થી 12ની બીજી પરીક્ષા પ્રિલીમ પરીક્ષા, ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા, પ્રાયોગિક પરીક્ષા તેમજ ધોરણ-9 અને11 ની વાર્ષિક પરીક્ષાની તારીખો લંબાવવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પરીક્ષા પાછળ ખસેડવાથી અભ્યાસક્રમ પૂરો કરી શકાશે
શૈક્ષણિક વર્ષ-2021-22માં કોવિડ-19 ની પરિસ્થિતિમાં સરકાર દ્વારા કરવામાં આવેલ નિર્ણય મુજબ તા.15/07/2021થી ધોરણ-12 માં તેમજ તા.26/07/2021 થી ધોરણ-9 થી 11 માં શાળાઓમાં પ્રત્યક્ષ શૈક્ષણિકકાર્ય શરૂ કરવામાં આવેલ છે. જેથી અભ્યાસક્રમ પૂરો કરી શકાય તેમજ વિદ્યાર્થીઓને ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાની તૈયારી કરવા માટે વધારે સમય મળી શકે તે માટે ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરીને આ પરીક્ષાઓ બે અઠવાડિયા જેટલી પાછળ લઇ જવાનો વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવેલ છે.
ધો.9થી 12ના 32 લાખ વિદ્યાર્થીઓને રાહત મળશે
ગુજરાત સરકારના આ નિર્ણયથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ધોરણ-9 થી 12ના અંદાજીત 32 લાખ જેટલા વિદ્યાર્થીઓને લાભ થશે. વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી સારી રીતે કરી શકશે. તેમજ પરીક્ષામાં સારો દેખાવ કરીને પોતાની પસંદગી મુજબના આગળના ઉચ્ચ અભ્યાસમાં જોડાઈ શકશે. આમ, ગુજરાત સરકારના નિર્ણયથી વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટે પુરતી તૈયારી કરવાની વિશાળ તકો ઉપલબ્ધ થશે. તેમજ તેઓ પોતાની કારકિર્દી ઉજ્જવળ બનાવી શકશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.