કોરોનાનો ડર:ધોરણ 9થી 12ની સ્કૂલો શરૂ થઈ પણ ત્રીજી લહેરના ડરને કારણે વાલીઓ બાળકોને સ્કૂલમાં નથી મોકલતાં

અમદાવાદએક વર્ષ પહેલા
સ્કૂલમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી
  • સ્કૂલો ઓફલાઈન શરૂ થઈ હોવા છતાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી.
  • વિદ્યાર્થીઓને ઓછી હાજરીને કારણે સ્કૂલોએ બાળકોને સ્કૂલે મોકલવા વાલીઓને વિનંતી કરી.

રાજ્યમાં કોરોના ઓસરતાં હવે સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. ગત 26 જુલાઈથી ધોરણ 9થી11ની સ્કૂલો શરૂ કરાઈ હતી. એ પહેલાં 15 જુલાઈએ ધોરણ 12ની ઓફલાઈન સ્કૂલો શરૂ થઈ હતી. સ્કૂલો શરૂ થઈ હોવા છતાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી રહી છે. ત્રીજી લહેરની સંભાવનાને કારણે વાલીઓમાં બાળકો સંક્રમિત થવાનો ડર છે. જેના કારણે વાલીઓ બાળકોને સ્કૂલે મોકલતાં નથી. બાળકો સ્કૂલમાં આવે એ માટે સ્કૂલ તરફથી વાલીઓને વિનંતી કરવામાં આવી રહી છે.

વાલીઓ બાળકોને સ્કૂલમાં મોકલતાં અચકાય છે
વાલીઓ બાળકોને સ્કૂલમાં મોકલતાં અચકાય છે

વાલીઓ બાળકોને સ્કૂલે મોકલતાં અચકાય છે
કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ વચ્ચે સ્કૂલો ઑફલાઈન શરૂ કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓને 50 ટકા કેપેસીટી સાથે ભણાવવામાં આવી રહ્યા છે. વાલીઓને પણ મનમાં ત્રીજી લહેરની ચિંતા સતાવી રહી છે. જેના કારણે તેઓ પોતાનાં બાળકને સ્કૂલમાં ઑફલાઈન અભ્યાસ માટે મોકલવાનું ટાળી રહ્યા છે. વાલીઓએ સરકાર પાસે ઓનલાઇન શિક્ષણમાં જ સારો અભ્યાસ કરાવવા અપીલ કરી છે. બીજી તરફ સ્કૂલો પર પણ ઓફલાઈન શિક્ષણ શરૂ થતાં ઓનલાઇન ભણાવવાનું પણ ભારણ વધ્યું છે. જેથી સ્કૂલો પણ વાલીઓને પોતાના બાળકને સ્કૂલે ઑફલાઈન ભણાવવા મોકલવા સમજવી રહી છે.

ડાબેથી વાલી અમિત પંચાલ અને સ્કૂલના આચાર્ય પ્રવિણભાઈ નાયી
ડાબેથી વાલી અમિત પંચાલ અને સ્કૂલના આચાર્ય પ્રવિણભાઈ નાયી

સ્કૂલો તરફથી વાલીઓને વિનંતી કરવામાં આવી
અમિત પંચાલ નામના વાલીએ જણાવ્યું હતું કે હું મારા બાળકને સ્કૂલે મોકલતો નથી. ત્રીજી લહેરની સંભાવનાની વચ્ચે બાળકોને સ્કૂલે મોકલવા જોખમી છે. અમારા બાળકો ઓનલાઇન ભણે છે તો ઓનલાઇન અભ્યાસમાં સારી રીતે અભ્યાસ કરાવવામાં આવે તેવી વિનંતી છે. પ્રવિણભાઇ નાયી નામના આચાર્યએ જણાવ્યું હતું કે ત્રીજી લહેરની શક્યતાનો ડર રાખીને વાલીઓએ બાળકોને સ્કૂલે મોકલવા બંધ ના કરવા જોઈએ. બાળકોને ઓફલાઈન સ્કૂલે ભણવા મોકલવા જોઈએ જેથી સારું શિક્ષણ મળી રહે. અમે સ્કૂલમાં તેમના સગવડ રાખી છે.બાળકો કોરોના થી સંક્રમિત ના થાય તેની તમામ તકેદારી અમે રાખી રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...