સોમવારથી શરૂ થતા ધોરણ 9થી11ના વર્ગો માટે માત્ર 20 ટકા વાલીઓએ જ સંમતિ આપી છે, જો કે, સ્કૂલ સંચાલકોને આશા છે કે આગામી દિવસોમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થશે. વાલીઓ સ્કૂલની સુવિધા અને નિયમ પાલનને જોઇને જ બાળકને સ્કૂલે મોકલવાની મંજૂરી આપશે. સરકારે 50 ટકા વિદ્યાર્થી સાથે સ્કૂલો ફરી શરૂ કરવાની મંજૂરી આપી છે. પરંતુ આ માટે વિદ્યાર્થીઓનું થર્મલ સ્ક્રીનિંગ કરી પ્રવેશ આપવાનો રહેશે તેમજ વાલીનું સંમતિ પત્રક હોવું જરૂરી છે.
આ પહેલાં સરકારે ધો.12ના ઓફલાઇન ક્લાસ શરૂ કર્યા હતા, હાલ રાજ્યમાં 55 ટકા વિદ્યાર્થીઓ ઓફલાઇન ક્લાસમાં હાજર રહે છે. હવે ધો.9થી 11ના વર્ગો શરૂ કરવા માટે મંજૂરી અપાઇ છે. સ્કૂલો શરૂ કરવાને લઇને વાલીઓમાં મિશ્ર પ્રતિભાવ જોવા મળ્યા છે. ઘણાં વાલીઓ માને છે કે, કોરોનાની ત્રીજી લહેરની સંભાવના છે અને હજુ સુધી બાળકોની વેક્સિન પણ આવી નથી. આ સ્થિતિમાં સ્કૂલો શરૂ કરવી બાળકો માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.
બીજી તરફ ઘણાં વાલીઓને બાળકોના અભ્યાસની ચિંતા છે, તેથી તેઓ માને છે કે જે બાળકોમાં પૂરતી જાગૃતિ અને સમજ શક્તિ છે માટે તેમના ઓફલાઈન ક્લાસ શરૂ કરાય તો કોઈ પ્રકારનો વાધો નથી. હાલ માત્ર ગણતરીના વાલીઓએ બાળકોને સ્કૂલે મોકલવાની સંમતિ આપી છે. ઘણી સ્કૂલો સોમવારે વાલીઓને સંમતિપત્ર મોકલશે, તેથી સંખ્યા વધશે. ઓફલાઈન ક્લાસની સાથે સાથે ઓનલાઈન ક્લાસ પણ ચાલુ જ રહેશે.
માતા-પિતા નોકરી કરતાં હશે તો ઝડપથી સંમતિ
સંચાલકોના જણાવ્યા પ્રમાણે, બાળકના માતા-પિતા બંને નોકરી કરતા હોય તેવા કિસ્સામાં તેઓ બાળકોને સ્કૂલે મોકલવા જલ્દી સંમત થશે. પેરેન્ટ્સ નોકરી પર ગયા બાદ બાળકો ઓનલાઇન એજ્યુકેશનમાં યોગ્ય ધ્યાન આપી શકતા નથી. રિંગરોડની આસપાસનાની સ્કૂલોમાં વધારે સંખ્યામાં નોકરિયાત વાલીઓ છે. તેથી આ વિસ્તારના સંચાલકોને આગામી સમયમાં ઓફલાઇનમાં વિદ્યાર્થીની સંખ્યા વધશે તેવી આશા છે.
વાલીઓને સંચાલકો પર પૂરતો વિશ્વાસ નથી
વાલીઓને જણાવ્યા પ્રમાણે, કોરોનાની પહેલી લહેર બાદ સ્કૂલો શરૂ કરાઇ તે સમયે વાલીઓના ઉત્સાહ કરતાં બીજી લહેર બાદ સ્કૂલો શરૂ કરવામાં વાલીઓનો ઉત્સાહ વધારે જોવા મળી રહ્યો છે. પરંતુ ઉત્સાહની સામે વાલીઓની મંજૂરી ઓછી છે. વાલીઓ સ્કૂલ સંચાલકો પર તુરંત વિશ્વાસ મુકતા નથી. પહેલાં સ્કૂલોની તૈયારી જોઇને વાલીઓ બાળકોને સ્કૂલે મોકલશે. ધીરે ધીરે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થશે.
ફી માટે સ્કૂલો ધો.10ની માર્કશીટ આપતી નથી
ધો.10ના પરિણામનું વિતરણ સ્કૂલોમાં શરૂ થયું છે. જે વાલીઓના બાળકોની ફી બાકી હોય તેઓને પરિણામ મેળવતા પહેલા સ્કૂલોએ ફી ભરી જવાની સૂચના આપી છે. સ્કૂલોએ વાલીઓને મેસેજ કરીને જણાવ્યું છે કે, ધો.10નું પરિણામ લેવા આવતા સમયે વાલીએ ફીની રસીદ સાથે લાવવી અને જો ફી ભરવાની બાકી હોય તો બાકી નીકળતી રકમ સાથે લાવવી. ફી ન ભરનારા વાલીને ધો.10ની માર્કશીટ અપાશે નહીં.
100 ટકા વિદ્યાર્થીને સમાવવા સ્કૂલો તૈયાર
ખાનગી સ્કૂલો પાસે હાલમાં પ્રાથમિક સ્કૂલોના વર્ગો ખાલી હોવાથી સંચાલકોની 100 ટકા વિદ્યાર્થીઓને સમાવવાની તૈયારી છે. પરંતુ ઓછા ઓરડા ધરાવતી અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારની ગ્રાન્ટેડ સ્કૂલોમાં મુશ્કેલી આવશે. જો એસઓપી પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાય તો વધુ ઓરડાની જરૂરિયાત ઉભી થશે. તેથી ગ્રાન્ટેડ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને ઓડ ઇવન પદ્ધતિએ બોલાવાઇ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.