રીટ પિટિશન:ધોરણ 12ના કોમર્સના વિદ્યાર્થીઓના માસ પ્રમોશનની રિઝલ્ટ ગણતરીમાં ધોરણ 10ના ગણિતના માર્ક્સ ન ગણાતા હાઇકોર્ટમાં દ્વાર ખખડાવ્યા

અમદાવાદએક વર્ષ પહેલા
ગુજરાત હાઈકોર્ટ
  • હાઇકોર્ટે અરજદારની દલીલ સાંભળીને GSEB બોર્ડને સોમવાર સુધી જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો
  • સાયન્સના વિદ્યાર્થીઓ માટે ધોરણ 10ના માર્ક્સ ગણવામાં આવે તો કોમર્સના વિદ્યાર્થીઓ માટે કેમ નહીં: અરજદાર
  • 12 કોમર્સના વિદ્યાર્થીઓને આંકડાશાસ્ત્ર અને એકાઉન્ટ, ગણિતના વિષય હોવાથી ગણિતના માર્ક્સ ગણવા જરૂરી

જેતપુરના એક વિદ્યાર્થીએ હાઇકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી છે. જેમાં તેની માંગ છે કે ધોરણ 12ના સામાન્ય પ્રવાહના રિઝલ્ટમાં ધોરણ 10ના ગણિતના માર્ક્સ પણ ધ્યાનમાં લેવામાં આવે. બોર્ડ માત્ર સાયન્સનાં વિદ્યાર્થીઓમાં જ ધોરણ 10ના માર્ક્સ ધ્યાને લઈને રિઝલ્ટની પેટન્ટ નક્કી કરી છે, જે ખોટું છે. હાઇકોર્ટે આ તમામ રજૂઆત સાંભળીને GSEB બોર્ડને સોમવાર સુધી જવાબ રજૂ કરવા માટે આદેશ આપ્યો છે.

ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું 12નું જાહેર નથી થયું
કોરોના મહામારીમાં સૌથી વધારે ફટકો પડ્યો હોય તો એ છે શિક્ષણ વિભાગ. જેમાં આ વર્ષે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાને રદ કરીને તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. સાથે બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓની સરખામણી ન કરતા તેઓની પરીક્ષા લેવાઈ રહી છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન બાદ તેઓનું પરિણામ પણ જાહેર કરી દેવાયું છે. જેથી તેઓને આગળ કઈ સ્ટ્રીમમાં અભ્યાસ કરવો તે ખ્યાલ આવે પરંતુ ધોરણ 12ના વિદ્યાર્થીઓનું હજી રિઝલ્ટ જાહેર કરાયું નથી. તેઓના રિઝલ્ટ બનાવવા માટેનીં પેટન્ટ પણ નક્કી કરી દેવામાં આવી છે.

ધોરણ 10ના માર્ક્સ ધ્યાને ન લેવાય તો મેરિટ ઘટે
અરજદારના એડવોકેટ રાજ તન્નાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અરજદારની રજૂઆત હતી કે સાયન્સ અને કોમર્સ માટે ગણિત વિષય સરખું મહત્વ ધરાવે છે. જેથી જો 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે 10મા ધોરણના માર્ક્સ ધ્યાને લેવાય અને કોમર્સના વિદ્યાર્થીઓ માટે તે માર્ક્સ ધ્યાનમાં ન લેવાય તો તેમનું મેરિટ ઘટે. જેથી તેમને ભવિષ્યમાં તકલીફ પડી શકે. જોકે કોર્ટમાં આ તમામ દલીલો બાદ કોર્ટે GSEB બોર્ડને પોતાના પક્ષ સાથે સોમવાર સુધી જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો છે.

શિક્ષણમંત્રીને લેખિત રજૂઆત કરાઈ પણ ધ્યાને ન લેવાઈ હોવાનો ઉલ્લેખ
ધોરણ 12 કોમર્સમાં એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રના વિષયમાં ધોરણ 10નું ગણિત ધ્યાન પર ના લેતા મોટાભાગના વિદ્યાર્થીઓના માર્કસને ટકાવારી ઘટી જશે. જેથી વિદ્યાર્થીએ આની સામે પહેલા શિક્ષણમંત્રીને લેખિત રજૂઆત કરેલી પંરંતુ તે ધ્યાન પર ના લેતા તેણે ન્યાય મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં રીટ દાખલ કરી છે. ધોરણ 12 કોમર્સમાં એકાઉન્ટ અને આંકડાશાસ્ત્ર બંને વિષય એ ગાણિતીક વિષય છે. GSEBએ આ બાબતે કરેલા અર્થઘટન મુજબ ગણિત ના ફાવતુ હોય એ જ કોમર્સમાં જાય છે તે સંદતર ખોટું છે અને વિદ્યાર્થીઓને અન્યાય કરતા છે.

કોર્મસના વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તેવી રીતે પરિણામ જાહેર કરવા માગ
આજે કોમર્સ ફીલ્ડમાં જઈને લાખો લોકોએ સીએ, ટેક્ષ પ્રેક્ટિશનર, સીએસ, ICWA, એકાઉન્ટ થયા છે. આ બધા ગણિતમાં હોંશિયાર હોય ત્યારે જ આગળ વધી શક્યા હોય છે. GSEBની આ પ્રકારની દલીલ કે ગણિતમાં નબળા હોય એટલે કોમર્સ રાખે તે બહુ મોટી ખામી ભરેલું છે. શિક્ષણમંત્રી અને GSEB બોર્ડ આ બાબત ધ્યાન પર લઈને કોમર્સના વિદ્યાર્થીઓને થતો અન્યાય અટકાવીને ગણિત વિષયના માર્ક્સને ધ્યાન પર લઈને ધોરણ 12 કોમર્સનું પરિણામ જાહેર કરવું જોઈએ. જે વિદ્યાર્થીને વિજ્ઞાન જેવા વિષયમાં રસ ના હોય એટલે જ કોમર્સ રાખતો હોય છે, તેની માર્ક્સની ગણતરી ફરીથી તે જ વિજ્ઞાન વિષય પર કરવામાં આવે તે બહુ જ અજુગતુ છે. ખોટી રીતે માર્ક્સ ગણાશે તો વિદ્યાર્થીઓ ને 8થી 10 ટકાની નુકસાની જતી હોય વિદ્યાર્થીએ લડત માટે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવી ન્યાય માટેની અપીલ કરેલી છે.