તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેપર વિદ્યાર્થીના, પરીક્ષા સરકારની:રાજ્યના ધોરણ 12ના વિજ્ઞાન-સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષા 1 જુલાઈથી લેવાશે; કોરોના SOP સાથે 6.83 લાખ વિદ્યાર્થી પરીક્ષા આપશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓની બોર્ડની  પરીક્ષા જૂની પદ્ધતિ મુજબ લેવાશે. - Divya Bhaskar
રાજ્યમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા જૂની પદ્ધતિ મુજબ લેવાશે.
  • રાજ્યમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહના 1.40 લાખ અને સામાન્ય પ્રવાહના 5.43 વિદ્યાર્થી પરીક્ષા આપશે
  • પરીક્ષાપદ્ધતિ અને પેપર સ્ટાઇલમાં કોઈ ફેરફાર નહીં, 3 કલાકનો સમય
  • કોરોનાની ગાઇડલાઇન્સના ચુસ્ત પાલન સાથે એક વર્ગમાં 20 વિદ્યાર્થીને બેસાડાશે, ગેરહાજરની 25 દિવસ પછી પરીક્ષા
  • પરીક્ષા કેન્દ્રોમાં વધારો કરીને વિદ્યાર્થીને સ્કૂલ નજીક પરીક્ષા કેન્દ્ર આપવામાં આવશે
  • ધોરણ 10ના 3.50 લાખ રિપીટર્સની પરીક્ષા પણ આ દરમિયાન જ લેવાશે

રાજય સરકારે ધો. 10ના નિયમિત વિદ્યાર્થીઓને પરીક્ષા નહીં લેવાનો નિર્ણય લીધા પછી ધો. 12 સાયન્સના 1.40 લાખ અને 5.43 લાખ સામાન્ય પ્રવાહના મળીને કુલ 6.83 લાખ વિદ્યાર્થીની લેખિત પરીક્ષા આગામી તા. 1 જુલાઇથી કોરોનાની ગાઇડ લાઇનના પાલન સાથે લેવાનો નિર્ણય લીધો છે. ધો. 12ની પરીક્ષા દરમિયાન વચ્ચે જે દિવસોમાં ધો. 12ની પરીક્ષા નહીં હોય તે દિવસોમાં ધો. 10ના 3.80 લાખ રિપીટર વિદ્યાર્થીઓની પણ પરીક્ષા લેવાશે તેવો મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠકમાં નિર્ણય લેવાયો છે.

ધો. 12 અને ધો. 10માં પરીક્ષા પધ્ધતિ કે પ્રશ્નપત્ર પુછવાની સ્ટાઇલમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. કોરોનાને કારણે કે અન્ય કારણથી પરીક્ષામાં ગેરહાજર રહેનાર વિદ્યાર્થીની 1 જુલાઇએ લેવાનારી પરીક્ષાના 25 દિવસ પછી નવા પ્રશ્નપત્રો તૈયાર કરીને નવા સમય સાથે લેવાશે તેમ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. જ્યારે ધો.10ના રિપીટર વિદ્યાર્થીઓની પણ પરીક્ષા લેવામાં આવશે. રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની વિશિષ્ટ પરિસ્થિતિમાં કોરોનાની SOPના ચુસ્તપણે પાલન સાથે ધોરણ-12ની બોર્ડ પરીક્ષાઓ યોજવા અંગે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.

ધો. 12ના કુલ 6.83 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
ધો. 12ના કુલ 6.83 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

SOP આ મુજબ રહેશે

  • અત્યાર સુધી એક વર્ગમાં 30 વિદ્યાર્થી પરીક્ષા આપતા હતા. આ પરીક્ષામાં એક વર્ગમાં 20 વિદ્યાર્થીઓ બેસાડાશે.
  • જે તાલુકામાં પરીક્ષા લેવા માટે વિદ્યાર્થીઓની સંખ્યા પૂરતી થઇ જાય તે તાલુકા મથકને પરીક્ષા કેન્દ્રની મંજૂરી અપાશે. વિદ્યાર્થીને નજીકનું કેન્દ્ર અપાશે.
  • દરેક વર્ગને સીસીટીવી કેમેરાથી સજ્જ કરાશે.
  • પરીક્ષા કેન્દ્ર પર સેનિટાઇઝેશન,સોશિયલ ડિસ્ટરન્સ, માસ્ક, થર્મલ ગન સહિતની કોરોનાની એસ.ઓ.પી.નું પાલન ફરજિયાત કરાશે.

બોર્ડની પરીક્ષાઃ પેપર સ્ટાઇલ, માર્ક્સ આ મુજબ રહેશે

  • વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનો સમય અગાઉની એક્ઝામની જેમ 3 કલાકનો જ રહેશે
  • વિજ્ઞાન પ્રવાહના 100 ગુણના પ્રશ્નપત્રમાં 50 ગુણના પ્રશ્નો વૈકલ્પિક-એમસીકયુ ઓએમઆર પદ્ધતિના રહેશે અને 50 માર્કના પ્રશ્નો વર્ણનાત્મક રહેશે.
  • પ્રશ્ન પૂછવાની પદ્ધતિ જે અગાઉ શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જાહેર કરાયેલી છે તે જ પદ્ધતિ રહેશે એટલે વિદ્યાર્થીએ જે પ્રમાણે અત્યાર સુધી તૈયારી કરી તે પ્રમાણે જ પરીક્ષા લેવાશે.
  • સામાન્ય પ્રવાહમાં કુલ 100 માર્કના પ્રશ્નપત્રમાં તમામ પ્રશ્નો વર્ણનાત્મક રીતે લેવાશે
  • સામાન્ય પ્રવાહમાં પણ પ્રશ્નો પૂછવાની પદ્ધતિ એટલે કેે પ્રશ્નપત્ર સ્ટાઇલ પણ શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જે સત્તાવાર જાહેર કરાય તે પ્રમાણેની રહેશે
  • જે વિદ્યાર્થી કોરોના કે અન્ય કારણોસર પરીક્ષા નહીં આપી શકે એમના માટે 25 દિવસ પછી ફરી પરીક્ષા યોજાશે.
કોરોનાની મહામારી વચ્ચે SOPનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે.
કોરોનાની મહામારી વચ્ચે SOPનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે.

CBSEના વિદ્યાર્થી સુપ્રીમમાં
સીબીએસઇની ધો.12ની એક્ઝામનો મુદ્દો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ધોરણ 12ના 300થી વધુ વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન.વી. રમન્નાને પત્ર લખ્યો છે. વિદ્યાર્થીઓે ધો.12ની ઑફલાઇન પરીક્ષા નહીં યોજવા તથા આ મુદ્દાને સુઓમોટો લેવા વિનંતી કરી છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમનું એસેસમેન્ટ અન્ય માધ્યમો દ્વારા કરાવવામાં આવે.

ધો.10ના વિદ્યાર્થીઓની પરીક્ષા ફી પરત કરવા અંગે કોઈ નિર્ણય નહીં
જ્યારે ધોરણ 10ના વિદ્યાર્થીઓને પરીક્ષા ફી પાછી આપવા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહે સ્પષ્ટતા કરી કે આ અંગે હાલ કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. આગામી સમયમાં સંચાલકો અને વાલીઓ સાથે બેઠક કરી નિર્ણય કરાશે.

6.83 લાખ વિદ્યાર્થી પરીક્ષામાં બેસશે
​​
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરી દવેએ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં 1.40 લાખ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં અને 5.43 વિદ્યાર્થી સામાન્ય પ્રવાહના મળી કુલ 6.83 લાખ વિદ્યાર્થી આ પરીક્ષામાં બેસવાના છે.

વિજ્ઞાન પ્રવાહની 3 કલાકની પરીક્ષા રહેશે
તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ રાજ્યના વિદ્યાર્થીઓની ભાવિ કારકિર્દીના ઘડતર માટે મહત્ત્વપૂર્ણ એવી આ ધોરણ-12ની બોર્ડની પરીક્ષાઓ કોરોના સંક્રમણના આ વિશિષ્ટ સંજોગોમાં કોવિડ-19 પ્રોટોકોલના ચુસ્ત પાલન સાથે યોજવા શિક્ષણ વિભાગને આ બેઠકમાં સૂચનાઓ આપી હતી. શિક્ષણમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આ પરીક્ષા દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ વિજ્ઞાન પ્રવાહ ભાગ-1ની 50 ગુણની બહુવિકલ્પ પ્રકારની (MCQ) OMR પદ્ધતિથી અને ભાગ-2 વર્ણનાત્મક લેખિત સ્વરૂપની 50 ગુણની પરીક્ષા 3 કલાકની યોજવામાં આવશે.પરીક્ષામાં કોરોનાની ગાઇડલાઇન્સનું ચુસ્ત પાલન કરાશે
આ જ પ્રમાણે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ, 100 ગુણની વર્ણનાત્મક લેખિત સ્વરૂપની 3 કલાકની પરીક્ષા યોજવામાં આવશે. પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સ જાળવે, માસ્કનો ફરજિયાત ઉપયોગ કરે તેમજ પરીક્ષા કેન્દ્રો પર પણ સેનિટાઇઝર, થર્મલગન સહિતની કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડલાઇન્સનું પાલન થાય એ પણ શિક્ષણ વિભાગ સુનિશ્ચિત કરશે, એવું ચૂડાસમાએ ઉમેર્યું હતું.

સ્કૂલ નજીક વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર અપાશે
શિક્ષણમંત્રીએ એમ પણ કહ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ ન ફેલાય, સાથોસાથ તેમનું ભવિષ્ય પણ ન બગડે એની ચિંતા સાથે સમગ્ર પરીક્ષા વ્યવસ્થા ગોઠવાય એવું પ્રેરક સૂચન આ બેઠકમાં કર્યું હતું. તદનુસાર, વિદ્યાર્થીઓને કોરોનાના આ કપરાકાળમાં પોતાની શાળાથી નજીક પરીક્ષા કેન્દ્ર મળી રહે એ હેતુસર પરીક્ષા કેન્દ્રો વધારવાનો વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો છે. આ હેતુસર આ વર્ષે રાજ્યમાં પરીક્ષા કેન્દ્રોની સંખ્યામાં વધારો કરવામાં આવશે. જે તાલુકાઓમાં વિદ્યાર્થીઓની પૂરતી સંખ્યા ઉપલબ્ધ હશે અને જો આવા તાલુકામાં પરીક્ષા કેન્દ્ર નહીં હોય તો ત્યાં પરીક્ષા કેન્દ્ર શરૂ કરાશે.

ગેરહાજર રહેનારા વિદ્યાર્થીઓ માટે નવેસરથી પરીક્ષા
વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની બન્ને પરીક્ષા માટે દરેક પરીક્ષા ખંડમાં મહત્તમ 20 વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં બેસી શકે એવી વ્યવસ્થાઓ કરવામાં આવશે. એટલું જ નહીં, પરીક્ષા કેન્દ્રોને સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ કરાશે. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં વિદ્યાર્થીઓના ભાવિને લક્ષમાં રાખીને એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં કોરોનાના સંક્રમણને કારણે ગેરહાજર રહ્યા હોય કે પરીક્ષા દરમિયાન કોરોના સંબંધિત અથવા અન્ય અનિવાર્ય કારણોસર ગેરહાજર રહે તેવા વિદ્યાર્થીઓ માટે મૂળ પરીક્ષા એટલે કે તા.1/7/2021થી શરૂ થનારી પરીક્ષાના 25 દિવસ બાદ તમામ વિષયોની નવેસરથી, નવા સમયપત્રક અને નવા પ્રશ્નપત્ર આધારિત પરીક્ષા યોજવામાં આવશે.

ધો.10ના રિપીટર વિદ્યાર્થીઓની પણ પરીક્ષા યોજાશે
શિક્ષણમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે ધોરણ-10ના રિપીટર વિદ્યાર્થીઓ માટેની પરીક્ષા પણ આ જ પ્રમાણે લેવામાં આવશે. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, શિક્ષણ અગ્ર સચિવ અંજુ શર્મા, મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમાર, શિક્ષણ સચિવ વિનોદ રાવ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ એ. જે. શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ધો.12ની પરીક્ષાને લઈ ઓલ ગુજરાત વાલી મંડળના સૂચનો

  • સ્કૂલ વિદ્યાર્થીઓને N95 માસ્ક આપે
  • સ્કૂલ રોજ સેનેટાઈઝ કરવી
  • સ્ટાફ RT-PCRનો રિપોર્ટ પાસે રાખે
  • જિલ્લા અને શહેર પ્રમાણે એમ્બ્યુલન્સની વવ્યથા કરે
  • દરેક સ્કૂલમાં કોવિડ-19 ડોમની વ્યવસ્થા કરવી
  • લોકલ, સિટી અને સ્ટેટ બસમાં સ્ટુડન્ટની મફતની મુસાફરી કરવી
  • સ્કૂલ બહાર પેરેન્ટ્સ માટે બેઠક વ્યવસ્થાનો ડોમ બનાવવો