માસ પ્રમોશન તો આપ્યું પણ હોશિયાર વિદ્યાર્થીઓનું શું?:ધો.10ની વિદ્યાર્થિનીએ કહ્યું-પ્રિલિમિનરી પરીક્ષામાં 90 ટકા આવ્યા હતા, બોર્ડમાં 90 ટકા ઉપર તો આવત, પણ માસ પ્રમોશન મળ્યું

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડાબેથી વિદ્યાર્થિની વિહા અને વાલી મમતા બ્રહ્મભટ્ટ - Divya Bhaskar
ડાબેથી વિદ્યાર્થિની વિહા અને વાલી મમતા બ્રહ્મભટ્ટ

કોરોના સંક્રમણને કારણે ધોરણ 10ની પરીક્ષા પ્રથમ વખત રદ કરીને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, ત્યારે અનેક વિદ્યાર્થી એવા હતા જેમણે ધોરણ 10માટે ગત વર્ષથી જ ખૂબ મહેનત કરી હતી અને પરીક્ષા આપવા તૈયાર હતા. પરંતુ સરકાર દ્વારા પરીક્ષા રદ કરવામાં આવી છે. પરીક્ષા રદ થવાથી માસ પ્રમોશન આપવામાં આવશે, જેને કારણે હોશિયાર વિદ્યાર્થી સાથે અન્યાય અને નબળા વિદ્યાર્થીઓને ફાયદો થઇ શકે છે. ધોરણ 10માં અભ્યાસ કરતી વિહાએ જણાવ્યું કે, 1 મહિનાથી રોજ 2 પેપર પણ લખતી હતી. બોર્ડની પરીક્ષામાં પણ 90 ટકા ઉપર માર્ક્સ લાવી શકતી હતી. પરંતુ માસ પ્રમોશનને કારણે હવે પરીક્ષા લેવાશે નહીં.

સંતાન માટે મહેનત કરનારા વાલીઓ નિરાશ
બાળક બોર્ડની પરીક્ષા આપે ત્યારે સમગ્ર પરિવાર પણ તેની પાછળ તૈયારીમાં જોડાઈ જાય છે. સવારે ઉઠવાથી લઈને રાતે ઊંઘવા સુધીની તમામ પ્રવૃતિઓનું પરિવાર દ્વારા ધ્યાન રાખવામાં આવતું હોય છે. ત્યારે ગત વર્ષથી કોરોનાની શરૂઆત થઇ ચુકી હતી જેથી અનેક વાલી દ્વારા પોતાના બાળકોની ખુબ જ તકેદારી રાખવામાં આવી રહી હતી. અભ્યાસ ઓનલાઈન થતા ભણવામાં કોઈ તકલીફ નાં પડે તેનું પૂરું ધ્યાન રાખવામાં આવે છે. ઓનલાઈન અભ્યાસમાં જરૂરી મોબાઈલ, ટેબ્લેટ, લેપટોપ, વાઈફાઈ સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. પરંતુ જ્યારે માસ પ્રમોશનનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે કેટલાક વાલીઓએ નિરાશા સાથે નિર્ણયને આવકાર્યો હતો.

રોજ 10 કલાક તૈયાર કરતી હતીઃ વિહા
માઉન્ટ કાર્મેલ સ્કૂલના ધોરણ 10માં અભ્યાસ કરતી વિહાએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેણીએ વર્ષની શરૂઆતથી જ તૈયારી શરુ કરી દીધી હતી.સ્કૂલની પ્રિલિમિનરી પરીક્ષામાં 90 ટકા માર્ક્સ મેળવ્યા હતા. ભણવાનું ઓનલાઈન હોવાને કારણે તેના વાલીએ લેપટોપ,વાઈફાઈ સહિતની સુવિધા પૂરી પાડી હતી.રોજ 10 કલાક અભ્યાસ કરીને બોર્ડની પરીક્ષા માટે તૈયાર કરી રહી હતી. 1 મહિનાથી રોજ 2 પેપર પણ લખતી હતી. બોર્ડની પરીક્ષામાં પણ 90 ટકા ઉપર માર્ક્સ લાવી શકતી હતી. પરંતુ માસ પ્રમોશનને કારણે હવે પરીક્ષા લેવાશે નહીં.

ઓનલાઈન અભ્યાસ માટે લેપટોપ, વાઈફાઈ સહિતના ગેજેટ્સ વસાવ્યા
માસ પ્રમોશનના આ નિર્ણય અંગે મમતા બ્રહ્મભટ્ટ નામના વાલીએ જણાવ્યું હતું કે તે પોતે એક અધ્યાપક છે, જેથી ઓનલાઈન ક્લાસ,પરીક્ષા,મુલ્યાંકન અને વિદ્યાર્થીઓને પડતા તણાવથી તેઓ વાકેફ હતા. ઓનલાઈન અભ્યાસ હોવાને કારણે તેમણે તેમની દીકરીને ટચ સ્ક્રીન વાળું લેપટોપ, વાઈફાઈ, પ્રિન્ટર અને જરૂરી મટીરીયલ લઇ આપ્યું હતું. તેમની દીકરી ખુબ સારી તૈયારી કરી રહી હતી. હાલ કોરોનાને કારણે માહોલ ખરાબ હોવાથી તેમને ડર તો હતો પરંતુ તૈયારી ચાલુ રાખી હતી.

વાલી દુષ્યંત ભટ્ટ
વાલી દુષ્યંત ભટ્ટ

મારા દીકરાએ કોરોના સંક્રમિત થયા બાદ ભણવાનું ઓછું કર્યું: વાલી
અન્ય એક વાલી ડૉ.દુષ્યંત ભટ્ટે જણાવ્યું હતું કે તેમનો દીકરો મહર્ષ ધોરણ 10માં અભ્યાસ કરી રહ્યો હતો. ગત વર્ષે જ સ્કૂલની ફી તથા ટ્યુશનની ફી ભરી દીધી હતી. તેમના દીકરા માટે તેમણે ઓનલાઈન અભ્યાસ માટે જરૂરી વસ્તુઓ પણ પૂરી પાડી હતી.તેમનો દીકરો રોજ 5-6 કલાક ભણતો હતો, તેઓ પણ તેમના દીકરા પાછળ મહેનત કરતા હતા. કોરોનાની બીજી લહેરમાં તેમના દીકરા સહીત પરિવારના તમામ લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા. જે બાદ તેમના દીકરાએ સાજા થઈને ભણવાનું ઓછું કરી દીધું હતું, કારણ કે કોરોનાને કારણે માનસિક તણાવ પણ રહેતો હતો. કાલે માસ પ્રમોશન આપવામાં આવ્યું તે અગાઉ જ તેમના દીકરાએ ટ્યુશન ક્લાસમાં પરીક્ષા પણ આપી હતી. પરીક્ષા માટે તૈયારી ચાલુ જ રાખી હતી.

અન્ય સમાચારો પણ છે...