DB એક્સક્લૂઝિવ:પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહે પહેલીવાર ખોંખારીને કહ્યું- 'હા, હું કોંગ્રેસ છોડું છું, હવે કોંગ્રેસમાં કંટાળો આવે છે’; ભાજપમાં જોડાઈ શકે છે

અમદાવાદ8 મહિનો પહેલાલેખક: ટીકેન્દ્ર રાવલ

ગુજરાત કોંગ્રેસની કામગીરી અને નેતાઓની નિષ્ક્રિયતાથી નારાજ કોંગ્રેસના જ નેતાઓ પાર્ટી છોડવા લાગ્યા છે, જેમાં કોંગ્રેસના સ્પષ્ટ વક્તા અને પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારે પણ કોંગ્રેસ છોડવાનો નિર્ણય લઈ લીધો છે. જયરાજસિંહે DivyaBhaskar સમક્ષ કોંગ્રેસ છોડવાનો નિર્ણય લીધો હોવાનું સ્વીકાર્યું છે. આમ, આગામી દિવસોમાં જયરાજસિંહ ભાજપનો ખેસ પહેરે તો નવાઈ નહીં.

DivyaBhaskar સાથેની એક્સક્લૂઝિવ વાતચીતમાં જયરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે મહિનાથી બધી જાણ તો કરી હતી, પણ કોંગ્રેસમાં તો કેવું ચાલે છે ખબર છે ને? આટલી તાકાતથી લડીએ, પણ બધા એના એ જ બધા, કોઈ બીજાને ગોઠવાવા દેતા નથી અને હારેલા નેતાઓ જ બધા નિર્ણય કરે. તાકાતવાળા લોકોની ઉપેક્ષા થાય અને બીજા કોઈને ગોઠવાવા દે નહીં અને મારાથી આગળ જતો રહેશે એવો માનસિક ભય હોય, એટલે કંટાળ્યા છીએ. હવે પાર્ટી છોડીશું.

પાટીલ સાથે મુલાકાત કરી હોવાની ચર્ચા
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતાં જ પક્ષપલટાની મોસમ શરૂ થઈ ગઈ છે, જેમાં સત્તાધારી પક્ષ ભાજપમાં જોડાવવા વિપક્ષ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નારાજ નેતાઓની લાઈનો લાગવા લાગી છે, જેમાં કૉંગ્રેસના પ્રદેશ પ્રવકતા અને ઉત્તર ગુજરાતના નેતા એવા જયરાજસિંહ પરમારે ભાજપ-પ્રમુખ પાટીલ સાથે મુલાકાત કરી હોવાની ચર્ચા વચ્ચે મહેસાણા જિલ્લાના 200થી વધુ કોંગ્રેસના આગેવાનો આજે બપોરે ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રમુખ પાટીલના હસ્તે ભાજપનો ખેસ પહેરવાના છે. મહેસાણાના કોંગ્રેસના સિનિયર આગેવાનોના પક્ષપલટાને લઈને કૉંગ્રેસના નેતા જયરાજસિંહ પરમારે સૂચક ટ્વીટ કરી રાજકીય ગરમાવો ઊભો કર્યો છે.

જયરાજસિંહે કરેલું ટ્વીટ.
જયરાજસિંહે કરેલું ટ્વીટ.

‘સબ ઈસ બાત પર લડતે હૈ કી સરદાર કા ક્યા હોગા’
જયરાજસિંહે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે આજે મહેસાણાથી મા બહુચરના આશીર્વાદથી શરૂઆત થશે. તેમણે શાયરી પણ ટ્વીટ કરી હતી કે કિસ કો ફિક્ર હૈ કી કબીલે કા ક્યા હોગા, સબ ઈસ બાત પર લડતે હૈ કી સરદાર કા ક્યા હોગા. તેમણે બીજી ટ્વીટમાં એવું કહ્યું હતું કે કોંગ્રેસ પક્ષ હંમેશાં સંસદસભ્યો અને ધારાસભ્યો કેન્દ્રિત પક્ષ રહ્યો છે. કોંગ્રેસ પક્ષમાં સંગઠનના લોકોને ક્યાંય સ્થાન હોતું જ નથી પછી સંગઠનનું મહત્ત્વ ક્યાંથી વધે? તેમના આ ટ્વીટથી રાજકીય ગરમી વધવા માંડી છે.

20 દિવસ પહેલાં કોંગ્રેસને સાંસદો અને ધારાસભ્યોની પાર્ટી ગણાવી હતી
જયરાજસિંહ પરમારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ હંમેશાં સંસદસભ્યો અને ધારાસભ્યો કેન્દ્રિત પક્ષ રહ્યો છે. કોંગ્રેસ પક્ષમાં સંગઠનના લોકોને ક્યાંય સ્થાન હોતું જ નથી, પછી સંગઠનનું મહત્ત્વ ક્યાંથી વધે? જયરાજસિંહે બળાપો કાઢીને ટ્વીટ કર્યું હતું. અગાઉ પણ આવાં રીતે ટ્વીટ કરીને વિરોધ નોંધાવ્યો હતો. અગાઉ તેમણે હિન્દીમાં ટ્વીટ કરીને લખ્યું હતું કે કિસકો ફ્રિક હૈ કી કબીલે કો ક્યાં હોગા... સબ ઈસ બાત પર લડતે હૈ કી સરદાર કૌન હોગા... અફસોસ...

2019માં પેટાચૂંટણી સમયે પણ નારાજ થયા હતા
2019માં પેટાચૂંટણીના પ્રચારના ધમધમાટ વચ્ચે જ ખેરાલુ બેઠક પર પ્રબળ દાવેદાર હતા છતાં ટિકિટ કપાતાં જયરાજસિંહ પરમાર નારાજ થયા હતા. જોકે રાજનીતિથી થાકીને નારાજગી વ્યક્ત કરી હતી અને રાજકારણમાં આરામ લેવાનો સમય આવી ગયો હોવાનો સોશિયલ મીડિયાથી નારાજગી વ્યક્ત કરી હતી. જોકે ત્યાર બાદ પણ તેઓ કોંગ્રેસ સાથે સક્રિય રહ્યા હતા.