શિક્ષણ વિભાગનો નિર્ણય:રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના સમયમાં ફેરફાર, હવે બપોરની પાળીમાં પણ સ્કૂલો શરૂ થઈ શકશે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઓનલાઈન ક્લાસ ચાલતા હોવાથી સ્કૂલોનો સમય સવારનો કરાયો હતો
  • હવે સ્કૂલોને રાબેતા મુજબ તેના નિયત સમયે શરૂ કરી શકાશે

હાલ ગુજરાતમાં કોરોના કાબૂમાં આવી ગયો છે, જેને પગલે શિક્ષણ પણ નોર્મલ થવા લાગ્યું છે. ધોરણ 12ની સ્કૂલો અને કોલેજો ઓફલાઈન શરૂ કર્યા બાદ હવે ગુજરાત સરકાર દ્વારા ધોરણ 9થી 11 માટે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા માટે વિચારણા શરૂ કરવામાં આવી છે, ત્યારે હવે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સરકારી અને પ્રાઈવેટ શાળાઓના સમયમાં ફેરફાર કરીને રાબેતા મુજબ શરૂ કરવા આદેશ અપાયો છે. જે મુજબ, કોરોનાકાળ અગાઉ જે શાળાઓ બપોર પાળીમાં હતી, તેઓ હવે બપોરે શૈક્ષણિક કાર્ય ચાલુ કરી શકશે.

ધો. 9થી 12માં ઓફલાઈન શિક્ષણ શરૂ કરાયું
જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં જણાવાયું છે કે, કોરોનાના કારણે શિક્ષણ ઓનલાઈન શરૂ કરાતા સ્કૂલોનો સમય સવારનો કરાયો હતો. હવે કોરોનાના કેસ ઘટતા ઓફલાઈન શિક્ષણ શરૂ કરાયું છે. જેમાં 26મી તારીખથી ધો. 9થી 11ના ક્લાસ શરૂ કરાયા છે. એવામાં હવે સ્કૂલોનો જે સમય સવારની પાળીમાં કરાયો હતો, તેમાં ફેરફાર કરીને બપોરનો કરાયો છે. એટલે કે કોરોનાકાળ પહેલા જે સ્કૂલો બપોરની પાળીમાં ક્લાસ ચલાવતી હતી, તે હવે બપોરે ફરીથી ક્લાસ શરૂ કરી શકશે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

ઓફલાઈનની સાથે ઓનલાઈન ક્લાસ પણ ચાલુ રખાશે
સમગ્ર ગુજરાતમાં 15 જુલાઈથી ધોરણ 12 અને 26 જુલાઈથી ધોરણ 9થી 11ની ઓફલાઈન સ્કૂલો શરૂ કરવામાં આવી છે. ત્યારે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આગામી દિવસોમાં અન્ય ધોરણના વર્ગો પણ શરૂ કરવાના સંકેતો આપ્યાં છે. શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોનાનું સંક્રમણ હળવું થતાં ધોરણ 9થી 11ના વર્ગો શરૂ થયા છે. ત્યારે હવે આગામી દિવસોમાં બીજા વર્ગો પણ શરૂ થશે. બીજા વર્ગો શરૂ કરવા મુદ્દે કોર કમિટીની બેઠક મળશે, જેમાં વધુ વર્ગો ક્યારે શરૂ કરવા એનો નિર્ણય લેવામાં આવશે. જોકે બાળકોએ શાળાએ આવવું ફરજિયાત નથી. બીજી તરફ સ્કૂલોએ ફરજિયાતપણે ઓનલાઇન ક્લાસ ચાલુ રાખવા પડશે, એમ શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું.

શિક્ષણ વિભાગનો પરિપત્ર
શિક્ષણ વિભાગનો પરિપત્ર

ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવા તૈયારીઓ શરૂ કરાઈ
શિક્ષણમંત્રીએ આપેલા સંકેત મુજબ ધોરણ 5થી 8ના વર્ગો શરૂ કરવા શિક્ષણ વિભાગે તૈયારી શરૂ કરી દીધી છે. સ્કૂલના વર્ગોની સાફસફાઈ માટે પણ સૂચના આપવામાં આવી છે. ઓગસ્ટ માસની શરૂઆતથી ધોરણ 5થી 8 ના વર્ગો શરૂ કરવાની સરકારની વિચારણા છે. 15 ઓગસ્ટ બાદ ધોરણ 1થી 5 શરૂ કરવા બાબતે સરકાર હાલ કોઈ જોખમ લેવા તૈયાર નથી, જેથી દિવાળી પછી નાનાં ભૂલકાંનું શિક્ષણકાર્ય શરૂ કરવાની વિચારણા હાથ ધરવામાં આવશે.