શાળાઓનું શૈક્ષણિક કેલેન્ડર:રાજ્યની સ્કૂલોમાં વર્ષના 365 દિવસમાંથી 245 દિવસ શૈક્ષણિક કાર્ય થશે, વર્ષમાં 80 દિવસ રજાઓ રહેશે

અમદાવાદ9 મહિનો પહેલા
ફાઈલ ફોટો
  • સ્થાનિક રજા ઉપરાંત જાહેર રજા, ઉનાળું અને દિવાળી વેકેશનનો સમાવેશ થાય છે
  • પ્રથમ સત્રમાં 117 અને બીજા સત્રમાં 136 દિવસનું શૈક્ષણિક કામકાજ થશે

કોરોનાની બીજી લહેર શાંત થતાં જ રાજ્યમાં 7મી જૂનથી સ્કૂલોમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હતો. ત્યારે હવે રાજ્યની શાળાઓનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યની સ્કૂલોમાં પ્રથમ સત્રમાં અભ્યાસના 117 દિવસ રહેશે, જ્યારે બીજા સત્રમાં 136 દિવસનું શૈક્ષણિક કામકાજ થશે. સ્થાનિક રજાઓને બાદ કરતાં વર્ષ દરમિયાન 245 દિવસનું શૈક્ષણિક કાર્ય થશે. પ્રથમ સત્ર 30 ઓક્ટોબર સુધી ચાલશે. ત્યાર બાદ 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવશે. જ્યારે બીજા સત્રનો પ્રારંભ 22 નવેમ્બરથી થઈ શકે છે. વર્ષ દરમિયાન કુલ 80 રજા નક્કી કરાઈ છે, જેમાં સ્થાનિક રજા ઉપરાંત જાહેર રજા, ઉનાળું અને દિવાળી વેકેશનનો સમાવેશ થાય છે.

હાલમાં સ્કૂલોમાં પ્રથમ સત્રનું શૈક્ષણિક કાર્ય ચાલી રહ્યું છે ( ફાઈલ ફોટો)
હાલમાં સ્કૂલોમાં પ્રથમ સત્રનું શૈક્ષણિક કાર્ય ચાલી રહ્યું છે ( ફાઈલ ફોટો)

ગત 7મી જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો
રાજ્યમાં ગત 7મી જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે, જેમાં હાલમાં સ્કૂલોમાં પ્રથમ સત્રનું શૈક્ષણિક કાર્ય ચાલી રહ્યું છે. પ્રથમ સત્રમાં અભ્યાસના 117 દિવસ રહેશે, જેમાં જૂનમાં 20, જુલાઈના 26, ઓગસ્ટના 23, સપ્ટેમ્બરના 25 અને ઓક્ટોબરના 23 દિવસનો સમાવેશ થાય છે. બીજા સત્રની શરૂઆત 22 નવેમ્બરથી થઈ શકે છે, જેમાં અભ્યાસના 136 દિવસ રહેશે. નવેમ્બરના 8, ડિસેમ્બરના 26, જાન્યુઆરીના 24, ફેબ્રુઆરીના 24, માર્ચના 25, એપ્રિલના 23 અને મેના 6 દિવસ મળીને કુલ 136 દિવસનું શૈક્ષણિક કાર્ય થશે. આમ, પ્રથમ અને બીજા સત્રના મળીને કુલ 253 દિવસનું સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય થશે. એમાં આઠ દિવસની સ્થાનિક રજાઓને બાદ કરતાં અભ્યાસના 245 દિવસ બાકી રહેશે.

35 દિવસનું ઉનાળું વેકેશન 13 જૂન સુધી ચાલશે (ફાઈલ ફોટો).
35 દિવસનું ઉનાળું વેકેશન 13 જૂન સુધી ચાલશે (ફાઈલ ફોટો).

સમગ્ર વર્ષ દરમિયાન કુલ રજાઓ 80 દિવસની રહેશે
7મી મેના રોજ બીજું સત્ર પૂર્ણ થયા બાદ 9મી મેથી ઉનાળું વેકેશન જાહેર કરવામાં આવશે. 35 દિવસનું ઉનાળું વેકેશન 13 જૂન સુધી ચાલશે. રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઈને આ કેલેન્ડરમાં ફેરફારો થઈ શકે છે. હાલમાં માત્ર સંભવિત તારીખ જાહેર કરવામાં આવી છે. સ્કૂલોમાં સ્થાનિક રજાઓ ઉપરાંત 21 દિવસનું દિવાળી વેકેશન અને 35 દિવસનું ઉનાળું વેકેશન રહેશે. જ્યારે 16 જાહેર રજાઓ વર્ષ દરમિયાન આવશે. સમગ્ર વર્ષ દરમિયાન કુલ રજાઓ 80 દિવસની રહેશે. નિયમ મુજબ વર્ષ દરમિયાન 80થી વધુ રજાઓ થવી જોઈએ નહીં, જેથી આ મુજબનું માળખું નક્કી કરવામાં આવ્ચું છે.

અન્ય સમાચારો પણ છે...