રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાને બે મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. જેને પગલે રાજ્યમાં વહેલી ચૂંટણીના સંકેતો મળી રહ્યા છે. 1985ની બેચના આશિષ ભાટિયા મે મહિનામાં નિવૃત્ત થવાના હતા, તેમની જગ્યા અમદાવાદ પોલીસ કમિશન સંજય શ્રીવાસ્તવ પોલીસ વડા બનવાનું નિશ્ચિત હતું. પરંતુ હવે તેમને પોલીસ વડા બનવામાં સમય લાગશે અને હવે ભાટિયાના વડપણ હેઠળ 2022ની ચૂંટણી પુરી થાય તેમ લાગી રહ્યું છે.
પોલીસ વડાનો કાર્યકાળ ઓછામાં ઓછો બે વર્ષ હોવો જરૂરી હોવાથી આશિષ ભાટીયાને બે મહિનાનું એક્સ્ટેન્શન આપવામાં આવ્યું છે. આમ તેઓ એપ્રિલ અને મે મહિના સુધી રાજ્ય પોલીસ વડા તરીકેની જવાબદારી નિભાવશે.
અગાઉ સ્વાસ્થ્યને લઈ DGP પદેથી હટવા માટે રજૂઆત કરી હતી
આ અગાઉ આશિષ ભાટિયા સ્વાસ્થ્યને લઈ સરકાર પાસે પોલીસ વડા પદેથી હટવા માટે રજૂઆત કરી હતી. પરંતુ સરકારે તે સમયે તેમની આ વાતને નકારી દીધી હતી.પરંતુ હવે આશિષ ભાટિયાને એક્સટેન્શન આપીને નવા પોલીસ વડાની અટકળો પર હાલ પુરતું પૂર્ણ વિરામ લાગી ગયું છે.
હાઈપ્રોફાઈલ મર્ડર મિસ્ટ્રી ઉકેલનારા ફિલ્ડ અધિકારી
આશિષ ભાટિયાનો હરિયાણામાં જન્મ થયો છે અને એન્જિનયરીંગનો અભ્યાસ કર્યો છે. તેઓ શાંત પ્રકૃતિના અધિકારી તરીકે જાણીતા છે. એટલું જ નહીં ગુનાનો ભેદ ઉકેલવામાં પણ તેઓ શાંત સ્વભાવે જ કામ લે છે. આશિષ ભાટિયા 2016માં સુરતના કમિશનર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. આ ઉપરાંત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના JCP, રેલવેના DGP અને CID ક્રાઇમ વડા સહિતની જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ હોય કે કોઈ હાઈપ્રોફાઈલ મર્ડર મિસ્ટ્રી વ્યક્તિગત હ્યુમન નેટવર્કના આધારે કેસ ઉકેલનારા ફિલ્ડ અધિકારી તરીકે જાણીતા છે. આશિષ ભાટિયાએ ત્રણ હાઈપ્રોફાઈલ કેસ ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
મેરેથોન પૂછપરછ કરવામાં માહેર, ડેટાબેઝના આધારે તપાસ કરવામાં કુનેહ હાંસલ
1985 બેચના IPS આશિષ ભાટિયા વર્ષ 2001માં પોલીસ મેડલ મેળવી ચૂક્યા છે. ઉપરાંત વર્ષ 2011માં પ્રેસિડેન્ટ મેડલ મેળવી ચુક્યા છે. પ્રિવેન્શન ઓફ ક્રાઈમના માસ્ટર ગણવામાં આવે છે. ગુનામાં આરોપીઓની સાતથી આઠ કલાક સુધી મેરેથોન પૂછપરછ કરવાની તેમની આગવી ઢબ છે. જ્યારે પણ પૂછપરછ રૂમની બહાર આવે ત્યારે કેસમાં કોઈ નવો જ વળાંક હોય અને કેસ ઉકેલવા તરફ જાય તેવી માહિતી ગુનેગાર પાસેથી મેળવી લે છે. ડેટાબેઝના આધારે ગુનાઓની તપાસ કરવામાં પણ તેઓ કુનેહ ધરાવે છે.
અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો કેસ 19 દિવસમાં જ ઉકેલ્યો
આશિષ ભાટિયાએ વર્ષ 2008માં અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો કેસ માત્ર 19 દિવસમાં જ ઉકેલી નાખ્યો હતો. 26 જુલાઈ 2008માં અમદાવાદ સિરીયલ બ્લાસ્ટ થયો હતો તે સમયે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર હતા. તેમણે અને SITની આખી ટીમે ભેગા થઈને બલાસ્ટ કેસમાં ઈન્ડિયન મુજાહિદ્દીનનું મોડ્યુલ હોવાનું બહાર લાવી આખો કેસ ઉકેલી નાખ્યો હતો. 30 જેટલા આરોપીઓને પકડી લીધા હતા. વર્ષ 2008માં જ લઠ્ઠાકાંડ થયો હતો ત્યારે પણ આખો કેસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો અને મુખ્ય આરોપીઓને તાત્કાલિક ઝડપી લેવાયા હતા.
બિટકોઈન તોડકાંડઃ અનેક મોટા માથાઓની સંડોવણી બહાર લાવ્યા
આશિષ ભાટિયા વર્ષ 2016માં સુરત પોલીસ કમિશનર તરીકે પણ રહી ચૂક્યા છે. બાદમાં CID ક્રાઇમ અને રેલવેઝના વડા પણ રહી ચૂક્યા છે. વર્ષ 2018માં બિટકોઈન કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં મોટા પોલીસ અધિકારીઓ(જગદીશ પટેલ) અને પૂર્વ ધારાસભ્ય(નલિન કોટડીયા)ની સંડોવણી સામે આવી હતી. જેની તપાસ CID ક્રામને સોંપવામાં આવતા પોલીસ અધિકારીઓ અને ધારાસભ્ય સહિત તમામ લોકોને ઝડપી આખા બિટકોઈન કૌભાંડનું પગેરું બહાર લાવવામાં આવ્યું હતું.
ભાનુશાળી હત્યા કેસઃ ગણતરીના દિવસોમાં પૂર્વ MLA સહિતના આરોપી સુધી પહોંચ્યાવર્ષ 2019માં ચાલુ ટ્રેનમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા કરવામાં આવી હતી. આ હાઈપ્રોફાઈલ મર્ડર કેસમાં રેલવેઝના તત્કાલિન વડા આશિષ ભાટિયાએ એક SIT બનાવી હતી અને ટીમોએ ગણતરીના દિવસોમાં હત્યા કરનારા આરોપીને ઝડપી લઈ કેસ ઉકેલ્યો હતો. આ મામલે SITએ પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલની પણ ધરપકડ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.