અમદાવાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલે (SMC) લાખો રૂપિયાનો દારૂ ઝડપ્યો છે જ્યારે ક્રાઈમ બ્રાન્ચે જુગારના અડ્ડા પર રેડ કરીને 19 જુગરીઓને 1.14 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલે બે અલગ અલગ રેડ કરીને કુલ 3 લાખના દારૂ સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે નામચીન દયાવાનમાતા તથા અલ્તાફ બાસીના જુગરધામ પર રેડ કરી હતી. કૃષ્ણનગરની પાર્શ્વનાથ સોસાયટી અને અમરાઈવાડી મોદીનગરમાંથી કુલ 10 લાખના મુદ્દામાલ સાથે 1124 દારૂની બોટલો પકડાઈ છે.
પાર્શ્વનાથ સોસાયટીમાંથી 251 દારૂની બોટલ મળી
સ્ટેટ મોનિટરિંગ સેલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ પાર્શ્વનાથ સોસાયટી વિભાગ-2માં રેડ કરી હતી જેમાં 251 દારૂની બોટલ મળી આવી હતી. કુલ 85,280 રૂપિયાના દારૂ સહિત 2 વ્હીકલ સાથે 7 લાખ 36 હજાર 80 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ દારૂનો જથ્થો કેતન મુંજાણે અને હર્ષદ વૈકરનો હોવાનું સામે આવ્યું છે. બંને આરોપીઓ હાલ ફરાર છે જેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
દારૂનું કટિંગ થતું હતું તે સમયે જ રેડ થઈ
અમરાઈવાડીના મોદીનગર-1ના મકાનમાં પણ સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરી હતી. જેમાં 873 દારૂની બોટલ અને બિયરના ટીન ઝડપી પાડ્યા હતા. કુલ 2 લાખ 15 હજાર 705 રૂપિયાના દારૂ સાથે 3 લાખ 50 હજાર 445નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દારૂનું કટિંગ થતું હતું તે સમયે જ સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરીને મહેશ ચૌહાણ,આઝાદ રાજપૂત અને પંકજ ઓમપ્રકાશની ધરપકડ કરી હતી. જ્યારે સુનિલ ઉર્ફે ગજૂ સપ્લાયર સહિત 8 આરોપીઓ ફરાર છે જેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
રખિયાલમાંથી 19 જુગારીઓને ઝડપાયા
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પણ રખિયાલના કનુભાઈની ચાલી ખાતેના ત્રીજા માળે મકાનમાંથી નામચીન દયાવાન માતા તથા અલ્તાફબાસીના જુગારના અડ્ડા પર રેડ કરી હતી જેમાં 19 જુગારીઓને ઝડપી પાડ્યા હતા.આ અડ્ડો દયાવાન અને અલ્તાફ બાસી ચલાવતા હોવાનું સામે આવ્યું હતું. આ જુગારના અડ્ડા પર પકડાયેલ આરોપીઓમાંથી 4 આરોપીઓને નોકરી રાખવામાં આવ્યા હતા.આ ગુનામાં વોન્ટેડ આરોપીઓને પકડવા ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.