દારૂની હેરાફેરી:અમદાવાદના નિકોલમાં સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરી ટેમ્પોમાં ભરેલો 1.46 લાખનો દારૂ ઝડપી લીધો

અમદાવાદ24 દિવસ પહેલા
દારૂના જથ્થા સાથે પકડાયેલો ટેમ્પો
  • નિકોલ પોલીસ સ્ટેશનની હદમાં SMCના દરોડામાં 386 દારૂની બોટલ મળી આવી

રાજ્યમાં ડ્રગ્સની ડ્રાઇવ ચાલી રહી છે, તેવામાં રાજ્યમાં અલગ અલગ જગ્યા પર સતત દારૂના કેસો રાજ્યના સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) વિભાગને કરવા પડી રહ્યા છે. એટલે ગાંધીના ગુજરાતમાં દારૂ માટે સ્થાનિક પોલીસ નિષ્ક્રિય અથવા આંખ આડા કાન કરતી હોવાનું નકારી શકાય તેમ નથી. શહેરના નિકોલ પોલીસ સ્ટેશનની હદમાં 1.46 લાખથી વધુનો દારૂનો જથ્થો એસએમસીએ પકડી પાડ્યો હતો.

રાજ્યમાં ઠેર ઠેર સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરી છે. જેમાં તાજેતરમાં દાહોદ, ડભોડા અને બાદમાં નિકોલમાં દારૂનો મોટો જથ્થો સ્ટેટ મોનિટરિંગ સેલે પકડી પાડ્યો છે. જોકે અમદાવાદના રિંગ રોડને અડીને આવેલા મોટા ભાગના ચોક્કસ પોલીસ સ્ટેશનો અને અધિકારીઓ મોટી ગોઠવણ કરી હોવાની ચર્ચા પોલોસ બેડામાં થઈ રહી છે. શુક્રવારે નિકોલ પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનીટરીંગ સેલે એક ટેમ્પો પકડી પાડ્યો હતો, જેમાં 386 દારૂની બોટલ મળી આવી હતી. જેની કિંમત 1.46 લાખથી વધુ થતી હતી. પોલીસે એક આરોપી સહિત 3.51 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

અમદાવાદ રિંગ રોડ દારૂના કટીંગ અને શહેરમાં દારૂ પ્રવેશનો એન્ટ્રી પોઇન્ટ છે. અગાઉ ગુજરાતનો મોટો બૂટલેગર બંસી સરદારનગરમાં સાવન બૂટલેગર પાસે દારૂ ઠાલાવતો હતો ત્યાંથી નાના બૂટલેગર શહેરમાં માલ પહોંચાડતા હતા. બંસીના પકડાયા બાદ પણ તેનો ભાઈ હજી દારૂનો કારોબાર કરે છે જે વિજિલન્સની તપાસમાં ખુલ્યું છે. રિંગરોડ પર ઓઢવ રિંગ રોડ, નિકોલ રિંગ રોડ, નારોલ અને નરોડા પાસે દારૂની ગાડીઓનું કટીંગ થતું હોય છે જે અગાઉ તપાસમાં ખુલ્યું છે.