ગુજરાતમાં પહેલો કિસ્સો:મહિલા PSIને દારૂ ભરેલા કન્ટેનરનું પાયલોટિંગ કરતાં સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડ્યા, રાજકોટ પોલીસે દારૂબંધીના ધજાગરા ઉડાડ્યા

અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
કન્ટેનરમાં એસએમસીએ દારૂ પકડ્યો - Divya Bhaskar
કન્ટેનરમાં એસએમસીએ દારૂ પકડ્યો
  • રાજકોટથી 80 કિમી દૂર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દારૂ ભરેલી ટ્રક લઇ ફરતા એસએમસીએ દબોચી લીધી
  • 394 દારૂની પેટી ભરેલી ટ્રક સાથે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ અને ચાર કોન્સ્ટેબલ પકડાયા

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના મહિલા પીએસઆઇ અને તેમના પાંચ માણસો રાજકોટ સિટીથી 80 કિલોમીટર દૂર સુરેન્દ્રનગર જિલ્લાની હદમાં આવેલા સાયલા પોલીસ સ્ટેશનની હદમાં દારૂના ટ્રકનું પાઇલોટિંગ કરી રહ્યા હતા અને તેમની સાથે ચાર પોલીસ કર્મીઓ હાજર હતા. ગુજરાતમાં પહેલીવાર આવું બન્યું છે કે દારૂ ભરેલા કન્ટેનરનું કોઈ મહિલા પીએસઆઈ પાયલોટિંગ કરી રહ્યા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલે (SMC) તમામને ઝડપી પાડી સાયલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અગાઉ રાજકોટ સીપી અને ક્રાઈમ બ્રાન્ચ પર કમિશનના આરોપ લાગ્યા
કન્ટેનરનું પાયલોટિંગ કરતાં રાજકોટ સિટી પોલીસ ફરી વિવાદમાં આવી છે. અગાઉ રાજકોટ કમિશનર મનોજ અગ્રવાલ અને ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ, પીએસઆઇ સહિતના કર્મચારીઓ પૈસાની ઉઘરાણી કરતા હતા. તેવા આક્ષેપો હેઠળ રાજકોટ કમિશનર અને તેમના નજીકના કર્મીઓની બદલી સરકારે કરી હતી. તેવામાં મહિલા પીએસઆઈ અને પોલીસકર્મીઓ દારૂ ભરેલા કન્ટેનરનું પાયલોટિંગ કરતા ઝડપાયા છે. તેમાંથી 394 દારૂની પેટી ભરેલા ટ્રકમાં બે પોલીસકર્મીઓ હાજર હતા. આ ટોળકીને એસએમસીએ પકડી પાડી હતી.

કે ટી કામરિયા, સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી
કે ટી કામરિયા, સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી

PSI સહિતની પુછપરછ હાથ ધરી
એસએમસીએ તેમને પકડી લઇ પુછપરછ હાથ ધરી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ પકડાઇ જતાં રાજકોટના ઉચ્ચ પોલીસ ઓફિસરો, ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓ રટણ કરી રહ્યા છે કે, અમને આ અંગે જાણ નથી. આમ મલાઇ ખાવામાં તમામ જોડે હોય છે અને કોઇ આવી ઘટના બને તો તમામ લોકો હાથ ખેંચી લેતા હોવાની ઘટના નવી ન હોવાની ચર્ચા પોલીસ બેડામાં થઇ રહી છે. જોકે મહિલા પીએસઆઇ અને સ્ટાફ પાયલોટિંગમાં હોવાની ચર્ચા ચાલી રહી છે.

મનોજ અગ્રવાલની કમિશન કાંડને પગલે બદલી
રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની કમિશન કાંડમાં બદલી કરી સાઇડ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે, પરંતુ તેમની સામે કોઇ જ એસીબી કે અન્ય તપાસ કે ગુનો દાખલ કરવામાં આવ્યો નથી. જ્યારે તેમના નજીકના પીઆઇ ગઢવી અને પીએસઆઇ તથા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી મામલો થાળે પાડી દેવામાં આવ્યો છે. આમ ત્યાર બાદ ફરી એકવાર રાજકોટ પોલીસ ચર્ચામાં આવી છે. સાયલા ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલે એક દારૂ ભરેલી ટ્રક પકડી પાડી હતી. આ ટ્રક સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશનની હદમાંથી એસએમસીએ પકડી પાડ્યો હતો.

કન્ટેનરની આગળ મહિલા PSIની કાર હતી
દારૂ ભરેલી ટ્રકની આગળ એક કાર હતી, જેમાં રાજકોટની મહિલા પીએસઆઇ ભાવના કડછા હતા. તેમની સાથે અન્ય પોલીસકર્મીઓ પણ હતા. તેઓ ભાગવા જતાં હતા, પરંતુ તેમને એસએમસીની ટીમે પકડી પાડ્યા હતા. ત્યારે ટ્રકમાં ડ્રાઇવર સાથે બે પોલીસ કોન્સ્ટેબલ પણ હતા. તેમને પણ એસએમસી અટકાયત કરી સાયલા પોલીસ સ્ટેશન લઇ ગઈ હતી. પોલીસે તપાસ કરતા ટ્રકમાંથી 394 દારૂની પેટીઓ પકડી પાડી હતી. જ્યારે રાજકોટ સિટી ક્રાઇમ બ્રાન્ચના માણસો પહેલા ગભરાઇ ગયા હતા અને બાદમાં પોતે જ દારૂ પકડવા આવ્યા હોવાનું રટણ કરી રહ્યા હતા.

કન્ટેનરનું પાયલોટિંગ કરતાં રાજકોટ સિટી પોલીસ ફરી વિવાદમાં
કન્ટેનરનું પાયલોટિંગ કરતાં રાજકોટ સિટી પોલીસ ફરી વિવાદમાં

ઉચ્ચ અધિકારીઓ કંઈ બોલવા તૈયાર નથી
મહત્વની વાત તો એ છે કે, રાજકોટથી 80 કિલોમીટર દુર તેઓ આવ્યા હતા. તેમની પાસે એક પણ પંચ કે અન્ય સામાન્ય માણસ ન હતો. જોકે એસએમસીના અધિકારીઓએ રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓ એટલે ઇન્ચાર્જ સીપી, સહિત ક્રાઇમ ડીસીપી પાર્થરાજ ગોહીલ, એસીપી અને ક્રાઇમના અન્ય પીઆઇને પુછતાં તેઓ કોની મંજૂરીથી ગયા હતા. તે અંગે કોઇ અધિકારી બોલવા તૈયાર નથી. તેવામાં રાજકોટ પોલીસે દારૂ કટિંગ કરવાતી, પાયલોટિંગ કરાવતી હતી કે પછી દારૂ વેચાણ માટે બૂટલેગર સાથે સાંઠગાઠ ધરાવી તેને પ્રોટેક્શન પૂરુ પાડતી હતી તે તપાસનો વિષય બની ગયો છે.

પીએસઆઇ અને તેમના માણસો સામે અપહરણનો ગુનો નોંધાશે
રાજકોટ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ ભાવના કડછા, તેમની સાથે 3 હેડ કોન્સ્ટેબલ અને એક કોન્સ્ટેબલ હતા. તેઓ આ દારૂ ભરેલી ટ્રકને લઇને રાજકોટ તરફ જતાં હોવાનું બહાર આવ્યું હતુ. જેથી તેઓ ડ્રાઇવર ક્લિનર અને દારૂને લઇ જતાં હોવાથી આ અંગે ફક્ત અપહરણનો ગુનો નોધાવવાની તજવીજ હાથ ધરાઇ છે. જોકે આ અંગે દારૂ લૂંટ અને હેરફેર અંગે પણ ગુનો નોધવો જોઇએ તેવી ચર્ચા પોલીસ બેડામાં થઇ રહી છે.

રાજકોટ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ ટ્રકનું અપહરણ કર્યાનું બહાર આવ્યું
આ બાબતે ગાંધીનગર વિજિલયન્સ ટીમના કે.ટી. કામરીયાના જણાવ્યા મુજબ સાયલાના આયા પાસેથી ચોરખાનામાં 392 પેટી દારૂ ભરેલા ટ્રકને રાજકોટ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ ભાવનાબેન કડછા સહિત કર્મીઓ લઇને મોરબી બાયપાસ પાસે પહોંચયા હતા. ગાંધીનગરની ટીમે ટ્રક અને રાજકોટ પોલીસ અધિકારીને ઝડપી પૂછપરછ કરતા કોઇ ઉપરી અધિકારીને જાણ કર્યા વગર, પંચના વ્યક્તિને સાથે રાખ્યા સિવાય દારૂ ભરેલા ટ્રક રાજકોટ તરફ જતા હોવાનું શંકાના દાયરામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...